Western Times News

Gujarati News

ભાજપાને ૧૮૨ બેઠકો જીતાડવાના લક્ષ્યાંકને પરિપૂર્ણ કરવા ચૂંટણીની જંગમાં ઉતરવાનું છે. – મુખ્યમંત્રી 

ભારતીય જનતા પાર્ટીને વધુ મજબૂત કરવાની અને જન જન સુધી લઈ જવાની મુખ્યમંત્રીશ્રીની કાર્યકર્તાઓને હાકલ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રમોદીજીના આયોજનના કારણે કોરોના જેવા કપરા કાળમાં પણ દેશમાં વિકાસના કામોની ગતિ અટકી નથી.

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે સૌ કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીને કેવી રીતે હજુ વધુ મજબૂત બનાવવી, તેને કેવી રીતે આગળ લઈ જઈએ તેનો નૂતન સંકલ્પ કરવાની હાકલ કરી હતી.

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે સૌને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવીને જણાવ્યું કે આજે સાબરમતી નદીના કાંઠે આપ સૌની ઉપસ્થિતિ થકી સ્નેહનો દરિયો ઉભરાયો છે,આજે કર્ણાવતીના કર્મઠ કાર્યકર્તાઓએ રાજ્યના મુખ્યમંત્રીનો વટ પાડી દીધો છે.

રિવર ફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર પાલડી  કર્ણાવતી મહાનગર ખાતે શહેર સંગઠન દ્વારા ભવ્યાતિભવ્ય નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કાર્યકર્તા, નગરજનો, શુભેચ્છકોને સંબોધતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ચૂંટણી હોય કે ન હોય ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હર- હંમેશ પ્રજાની સાથે અને પ્રજાની વચ્ચે રહે છે, તે ભાજપાની કાર્ય પદ્ધતિ છે.

સમગ્ર દેશના બધા જ રાજ્યોમાં પણ જો ભારતીય જનતા પાર્ટીનું શાસન આવી જશે તો પણ ભાજપાની કાર્યપદ્ધતિમાં ક્યારેય કોઈ ફેરફાર આવશે નહીં અને સતત પ્રજાલક્ષી કાર્યક્રમો કરીને ભાજપા હર હંમેશ જનતાની વચ્ચે રહેશે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રમોદીજીના આયોજનના કારણે કોરોના જેવા કપરા કાળમાં પણ દેશમાં વિકાસના કામોની ગતિ અટકી નથી. શ્રી પટેલે આગામી ચૂંટણીને લઈને ખૂબ સ્પષ્ટતાપૂર્વક કાર્યકર્તાઓને હાકલ કરી હતી કે આવનારી ચુંટણીઓમાં આપણે કોઈપણ પક્ષ કે વિરોધીઓને હરાવવા માટે નહીં પરંતુ ભાજપાના ૧૮૨ બેઠકો જીતવાના લક્ષ્યાંકને પરિપૂર્ણ કરવા ચૂંટણીઓની જંગમાં ઉતરવાનું છે.  માનવમેદનીનો ઉત્સાહ જોઈને શ્રી પટેલે જણાવ્યું કે ભાજપા સમગ્ર રાજ્યની ૧૮૨ બેઠકો તેમજ કર્ણાવતી મહાનગરની તમામ ૧૬ બેઠકો સંપૂર્ણ બહુમતીથી જીતશે.

સ્નેહ મિલન કાર્યક્રમમાં, સાંસદશ્રી ડોક્ટર કિરીટ સોલંકી, સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ,સાંસદશ્રી નરહરિભાઇ અમીન, આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ ભાઈ પટેલ, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી પ્રદીપસિંહ પરમાર, પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પ્રસંગોચિત પ્રવચન આપ્યું હતું.

સ્નેહ મિલન કાર્યક્રમમાં કર્ણાવતી મહાનગરના પ્રથમ નાગરિક મેયર શ્રી કિરીટભાઈ પરમાર એ સૌ નગરજનોને આવકાર્યા હતા અને સૌને દિવાળીની અને નૂતન વર્ષની ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી હતી.

સ્નેહ મિલન કાર્યક્રમમાં હાલમાંજ પદ્મ એવોર્ડથી સન્માનીત થયેલ શ્રી મહેશ નરેશ કનોડિયા વતી શ્રી હિતુ કનોડિયા અને ડો ચંદ્રકાંત મહેતાએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના વરદહસ્તે સન્માન સ્વીકાર્યું હતું.

કર્ણાવતી મહાનગર યુવા મોરચા દ્વારા ભવ્ય બાઈક રેલીના આયોજન થકી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલનું આવકાર- સત્કાર કર્યું હતું. કાર્યક્રમ સ્થળે પરંપરાગત નૃત્યુ, ઢોલ- નગારા, આતિશબાજી થી ભવ્ય સ્વાગત કરવામા આવ્યું હતું.

આજના આ કાર્યક્રમમાં  પ્રદેશ મહામંત્રીશ્રી અને મહાનગરના પ્રભારીશ્રી પ્રદીપસિંહ વાઘેલા, પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી ગોરધનભાઈ ઝડફિયા, પ્રદેશ સહ કોષાધ્યક્ષ અને પ્રભરીશ્રી ધર્મેન્દ્ર ભાઈ શાહ,  પ્રદેશ મોરચાના અધ્યક્ષશ્રી ડોક્ટર પ્રદ્યુમન વાઝા, પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ શ્રીમતી દિપીકાબેન સરડવા, કેબિનેટ મંત્રીશ્રી  પ્રદીપભાઈ પરમાર, મહાનગર પ્રભારી મંત્રીશ્રી અને આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ ભાઈ પટેલ, રાજ્યકક્ષાના મંત્રીશ્રી જગદીશભાઈ પંચાલ મહાનગરના મેયરશ્રી કિરીટભાઈ પરમાર, મહાનગરના ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રીઓ, કોર્પોરેશનનાં પદાધિકારીશ્રીઓ, શુભેચ્છકો, નગરજનો, કાર્યકર્તાશ્રીઓ ઊપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers