Western Times News

Latest News from Gujarat India

ગુજરાતમાં 19 ડિસેમ્બરે બેલેટ પેપરથી 10,879 ગ્રામપંચાયતની ચૂંટણી યોજાશે

ગાંધીનગર, ગુજરાત વિધાનસભાની ચૂંટણીના એક વર્ષ પહેલાં, એટલે કે ડિસેમ્બર 2021માં રાજ્યની 10,879 ગ્રામપંચાયતની ચૂંટણી આવી રહી છે. આ અંગે આજે રાજ્ય ચૂંટણીપંચે જાહેરાત પણ કરી દીધી છે. આ ચૂંટણી માટે 19 ડિસેમ્બરે બેલેટ પેપરથી મતદાન થશે અને 21 ડિસેમ્બરે મતગણતરી કરવામાં આવશે. 19મી ડિસેમ્બરે સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા થશે.

આ ચૂંટણી માટે 29 નવેમ્બરે જાહેરનામું પ્રસિદ્ધ થશે અને 4 ડિસેમ્બર ઉમેદવારીપત્ર ભરવાનો છેલ્લો દિવસ રહેશે. આ ચૂંટણીમાં કુલ 2 કરોડ 6 લાખ 53 હજાર મતદારો છે.

આમ, આ સાથે જ રાજ્યનાં કુલ 18000 ગામડાંમાંથી 10,879 ગામમાં, એટલે કે 60 ટકા જેટલાં ગામોમાં આચારસંહિતા લાગુ થઈ ચૂકી છે.

અંદાજિત 10,879 ગ્રામપંચાયતોમાં 10,284 સરપંચની ચૂંટણી તેમજ અંદાજિત 89702 વોર્ડમાં સભ્યોની ચૂંટણી યોજાશે. આ સિવાયની જે ગ્રામપંચાયતોની ચૂંટણી મુદત 31 માર્ચ 2022 પછી પૂરી થાય છે એવી અને જેની મુદત પૂરી થવામાં એક વર્ષ કરતાં વધુ સમય બાકી હોય એમાં પ્રસંગોપાત ખાલી પડેલી બેઠકોની પણ ચૂંટણી યોજાશે, સાથે સાથે વિભાજનવાળી અને મધ્યસત્ર ચૂંટણીવાળી ગ્રામપંચાયતોની પણ ચૂંટણીઓ યોજાશે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers