Western Times News

Gujarati News

ભજન કરે તેનો સંકલ્પ નષ્ટ ન થાય”: મોરારીબાપુ

કૈલાસ ગુરુકુળ મહુવા ખાતે ૧૩ અને ૧૪ સંતવાણી એવોર્ડ વિતરણ સમારંભ સંપન્ન

કુંઢેલી, પૂ.મોરારી બાપુ દ્વારા ભજનની વિવિધ વિધાઓના કલાકારો, સર્જકોને સન્માનવાનો ઉપક્રમ દર વર્ષે સંતવાણી એવોર્ડ થી કરવામાં આવે છે. સને ૨૦૦૮થી શરૂ થયેલો સંતવાણી એવોર્ડનો ઉપક્રમ ૧૩ અને ૧૪માં મણકા સાથે આજે કૈલાસ ગુરુકુળના આદિ શંકરાચાર્યજી સંવાદ ગ્રહમાં સંપન્ન થયો.

આ એવોર્ડ કાર્યક્રમ ભજનાનંદી મહાનુભાવ પુ. પ્રભુદાસબાપુ હરિયાણીના સમાધિ દિવસે દર વર્ષે યોજાય છે. સને ૨૦૨૦ -૨૦૨૧ ના એવોર્ડ આજે એક સાથે અર્પંણ કરવામાં આવ્યાં. કુલ ૧૦ મહાનુભાવોની સંતવાણી એવોર્ડ થી ભાવ વંદના થઈ.

આ કાર્યક્રમમાં ઉદ્‌બોધન કરતા પુ. મોરારીબાપુએ કહ્યું કે કળિયુગમાં જે કોઈ ભજન કરશે તેનો સંકલ્પ નષ્ટ નહીં થાય. તેમના પ્રયત્નો પણ નિષ્ફળ નહીં થાય. સંકલ્પ સામે કોઇ વિકલ્પ નહીં હોય. દ્વારકાધીશ હમેશા દરેકની હુંડી સ્વીકારે છે. ભજન એક કોઈપણ વિધાથી કરતાં હોય તો તેનો સ્વીકાર થાય છે.

ભજન કરનારની બુદ્ધિ વ્યભિચારી નહીં થાય. બુદ્ધિનું વ્યભિચારપણું જીવનને મોટુ નુકસાન કરે છે. ભજન આહાર કરનારને જીવનમાં કદી ઉકરડો નહીં પડે. અને તેનો આશ્રય કરનાર નિરાભિમાની હશે. મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર ચારે વસ્તુ પર ભજનથી કાબુ મેળવી શકાય છે. સારાનુ જે ખરાબ કરે તે સારા માણસ માટે સારું અને શુભ હોય છે.

કારણકે તેનાથી સારા ઓળખાય છે.મને ભોજલરામ બાપાનો “ભોજલ કરે ભરોસો” જેનો તે પક્તિ સ્પર્શી ગઈ છે. ભરોસાથી જ જીવી શકાય છે માનસમાં કહેવાયું છે’ ઉમા કહુંઉ અનુભવ અપના સત હરિ ભજન’ એટલે કે ત્યાં શિવ અનુભવ કહે છે કે ભજન સત્ય છે.

સંતવાણીના સર્જકનો એવોર્ડ- સને ૨૦ નો શ્રી નિરાંત મહારાજના પ્રતિનિધિ અને ગાદીપતિ મનહર દાસ મહારાજ અને ૨૦૨૧ નો એવોર્ડ ભોજલરામ બાપાની જગ્યાના મહંત પુ. ભક્તિ રામબાપા ફતેપુરે સ્વીકાર કર્યો હતો. ભજન ગાયકીમાં ૨૦૨૦ માટે ઈસ્માઈલ ગની મીર- રાજકોટ અને ૨૧ માટે સમરતસિંહ સોઢા રાપર કચ્છ ની પસંદગી થઇ હતી

તાલવાદ્યમાં તબલા માટે ૨૦૨૦માં ભરતપુરી ફુલપરી ગોસ્વામી વેરાવળ અને ૨૧ માં ઈકબાલ હાજી રાજકોટની પસંદગી થઇ હતી. વાદ્ય સંગીતના એવોર્ડમાં ૨૦૨૦ નો એવોર્ડ નિઝામ ખાન મોહન ખાન રાજકોટ અને સને ૨૦૨૧ માટે છપ્પનભાઈ મંગાભાઈ પટણી અમદાવાદ બેન્જાે વાદક માટે અર્પણ થયો હતો.

પૂ. બાપુની કથામાં બેન્જાે વાદક તરીકેની સેવા આપતાં શ્રી હિતેશગિરી ગોસ્વામીનો બેન્જાે નિઝામ ખાને બનાવ્યો હોવાનું પણ જાહેર થયું હતું. મંજીરા વાદક તરીકેનો એવોર્ડ સને ૨૦૨૦ નો ભરતભાઈ ધનરાજભાઇ બારોટ જામનગર અને સને ૨૦૨૧નો નીતિનભાઈ જમનાદાસ કાપડી- જામનગર ને અર્પણ કરવામાં આવ્યો હતો.

બધા જ એવોર્ડ સ્વીકારનાર મહાનુભાવોનું સૂત્ર માલા અને શાલ, રાશિ અપૅણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ માટે એવોર્ડ સમિતિમાં હેમંતભાઈ ચૌહાણ, ઓસમાણ મીરે પોતાની સેવાઓ આપી હતી. પૂ. મોરારીબાપુએ એ પણ જાહેરાત કરી હતી કે સંતવાણી એવોર્ડ તલગાજરડા હરી ઇચ્છે તો ચાલુ રાખવાં માગે છે.

કાર્યક્રમના બીજા દોરમાં સંતવાણી આરાધકોએ વહેલી સવાર સુધી સંતવાણીના શબ્દોથી સૌને અભિભૂત કયૉ હતાં સંતવાણી કાર્યક્રમનું સંચાલન શ્રી જીતુદાન ગઢવીએ કર્યું. હતું આ દોરમાં શ્રી પરસોતમ પરી ગોસ્વામી, શ્રી જયશ્રી માતાજી, ઓસમાન મીરે અને એવોર્ડ વિજેતાઓએ પોતાના શબ્દોથી સૌને નવ પલ્લવિત કર્યા હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન બખૂબી રીતે કવિ/ગાયક શ્રી હરિશ્ચંદ્ર જાેશી એ સંભાળ્યું હતું. સંકલનમાં શ્રી જયદેવ માંકડ તેમજ કૈલાસ ગુરુકુળ ના છાત્રો રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.