સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીને લઈને ઇમરાનની PTIમાં જૂથવાદ અને મતભેદો સામે આવ્યા

ઇસ્લામાબાદ, પાકિસ્તાનનાં વડાપ્રધાન ઈમરાન ખાનની મુશ્કેલીઓ ઓછી થઈ રહી નથી. હવે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીને લઈને તેમની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)માં જૂથવાદ અને મતભેદો સામે આવ્યા છે. આ ચૂંટણીમાં ટિકિટની વહેંચણીને લઈને ગ્રામ્ય અને કાઉન્સીલ કક્ષાનાં કાર્યકરો એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે. પીટીઆઈ માટે આ વિવાદનો સામનો કરવો એક મોટો પડકાર બની ગયો છે.
‘ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન’નાં અહેવાલ મુજબ, વડાપ્રઘાન ઈમરાનની પાર્ટી પીટીઆઈએ થોડા દિવસો પહેલા તેના જિલ્લા પ્રમુખોને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં સ્થાનિક ચૂંટણી માટે ઉમેદવારોને ટિકિટ આપવા માટે કહ્યું છે. પરંતુ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ટિકિટ વહેંચણીનો વિવાદ એટલો વધી ગયો છે કે પાર્ટીએ તેને આગળ ન વધારવાનો ર્નિણય લીધો છે.
તેનું મુખ્ય કારણ ગામડાઓ અને મંડળોનાં કાર્યકરો વચ્ચે ઉભા થઇ રહેલા જૂથવાદ અને પરસ્પર મતભેદો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. રિપોર્ટ અનુસાર, પીટીઆઈનાં એક અધિકારીએ કહ્યું કે ટિકિટ માંગનારા ઉમેદવારોની સંખ્યા એટલી વધારે છે કે પાર્ટી માટે સંકલન કરવામાં મુશ્કેલી પડી રહી છે.
દરેક વ્યક્તિ ટિકિટ મેળવવા માંગે છે. કોઈ બીજાને તક આપવા તૈયાર નથી. આવી સ્થિતિમાં પાર્ટી નેતૃત્વ સામે દુવિધા અને સંકટ ઉભું થયું છે. અધિકારીનું કહેવું છે કે ટિકિટની વહેંચણીને લઈને વિવાદ એટલો વધી ગયો છે કે પાર્ટીના એવા કાર્યકરો જેમને ટિકિટ મળી નથી તેઓએ પીટીઆઈથી અલગ થઈને અપક્ષ તરીકે ચૂંટણી લડવાનો ર્નિણય લીધો છે.
અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે, પીટીઆઈ અને અન્ય પક્ષો માટે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ સરળ નથી કારણ કે પક્ષનાં કાર્યકરો તહસીલ નિઝામની ટિકિટ ઈચ્છે છે જ્યારે જિલ્લા નેતૃત્વ તેના પોતાના ઉમેદવારોને ટિકિટ આપવા માંગે છે. પીટીઆઈનાં અન્ય એક નેતાએ કહ્યું કે, ટિકિટની વહેંચણીને લઈને લગભગ તમામ પક્ષો વચ્ચે વિવાદ છે. પીટીઆઈ સત્તામાં હોવાથી દરેક વ્યક્તિ આ પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડવા અને જીતવા માંગે છે.HS