Western Times News

Latest News from Gujarat India

કૃષિ કાયદાને લઈને ખેડૂતોને ગેરમાર્ગે દોરવાયાઃ ખેડૂત આગેવાન ધનવત

પ્રતિકાત્મક

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટ દ્વારા કૃષિ કાયદાને લઈને નિયુક્ત કમિટીના સભ્યો પૈકી એક ખેડૂત આગેવાન અનિલ ઘનવતે મંગળવારે ભારતના મુખ્ય ન્યાયાધીશને પત્ર લખીને વિનંતી કરી હતી કે માર્ચમાં પેનલ દ્વારા સબમિટ કરેલા અહેવાલને વહેલામાં વહેલી તકે બહાર પાડવા પર વિચાર કરે અથવા સમિતિને આમ કરવા માટે અધિકૃત કરે.

સીજેઆઈ એન વી રમાણાને લખેલા પત્રમાં ઘનવતે જણાવ્યું હતું કે, સંસદના આગામી શિયાળુ સત્રમાં કૃષિ કાયદાને રદ્દ કરવાના સરકારના ર્નિણય પછી, સમિતિનો અહેવાલ હવે તે કાયદાઓ સાથે સંબંધિત નથી પરંતુ ખેડૂતો અંગેના અહેવાલમાં સૂચનો છે. જે વિશાળ સમુદાયના ભલા માટે ખૂબ ઉપયોગી થઈ શકે છે.

તેમણે કહ્યું કે અહેવાલ શૈક્ષણિક ભૂમિકા પણ ભજવી શકે છે અને ઘણા ખેડૂતોની ગેરસમજને હળવી કરી શકે છે, જેઓ મારા મતે, કેટલાક નેતાઓ દ્વારા ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે. જેઓ એ બાબતની દરકાર રાખતા નથી કે લઘુતમ રીતે નિયંત્રિત મુક્ત બજાર તેના સૌથી વધુ ઉત્પાદક ઉપયોગ માટે રાષ્ટ્રીય સંસાધનોને કેવી રીતે ફાળવી શકે છે.

ખેડૂત સંગઠનના વરિષ્ઠ નેતા અને સ્વતંત્ર ભારત પાર્ટીના પ્રમુખ ઘનવતે સુધારાની જરૂરિયાતો પર ભાર મૂક્યો, તેમણે કહ્યું કે જ્યારે ચોક્કસ કાયદાઓ હવે અસ્તિત્વમાં નથી, ત્યારે આ કાયદાઓમાં પ્રતિબિંબિત થયેલા સુધારાની પ્રેરણા ઓછી થઈ નથી.

સીજેઆઈને લખેલા તેમના પત્રમાં, ઘનવતે કહ્યું, હું કોર્ટના ધ્યાન પર લાવવા માંગુ છું કે ઘણા દાયકાઓથી ભારતના ખેડૂતો, તેમના પોતાના અધિકારમાં ઉદ્યોગસાહસિક તરીકે, તેમના ઉત્પાદન અને માર્કેટિંગ પ્રયાસોને અવરોધે તેવા નિયમનથી પીડાય છે. આ નિયમનોનો મોટાભાગનો ભાગ બંધારણની અનુસૂચિ ૯માં આપવામાં આવ્યો છેઃ

ન્યાયિક ચકાસણીથી દૂર, નિયમનનો ઉદ્દેશ ઉદ્યોગસાહસિકની ક્રિયાને કારણે થતા કોઈપણ નુકસાનને ઘટાડવાનો છે, પરંતુ ખેડૂતોના કિસ્સામાં, નિયમન પોતે જ ખેડૂતો અને પર્યાવરણ બંનેને નુકસાનનું કારણ છે. ભારતના ઘણા ખેડૂતો સુધારા પર ધ્યાન કેન્દ્રીત કરવા – ખાસ કરીને બજારની સ્વતંત્રતા અને ટેક્નોલોજીની સ્વતંત્રતા પર ધ્યાન કેન્દ્રીત કરવા, નવીકરણ માટે ઉત્સુક છે.

આ કાયદાઓ અમારા ખેડૂતોના આંદોલન દ્વારા સૈદ્ધાંતિક રીતે સ્વીકારવામાં આવ્યા હતા, પરંતુ ખેડૂતો દ્વારા સંપૂર્ણપણે સ્વીકારવામાં આવ્યા ન હતા કારણ કે ભારત સરકારની નીતિ પ્રક્રિયા સલાહભરી નથી. હું માનનીય સર્વોચ્ચ અદાલતને વિનંતી કરું છું કે તે વિકસિત દેશોમાં અનુસરવામાં આવતી એક અનુકરણીય, મજબૂત નીતિ પ્રક્રિયા વિકસાવવા અને અમલમાં મૂકવા માટે સરકારને નિર્દેશ આપવાનું વિચારે.

તે સુનિશ્ચિત કરશે કે આ પ્રકારના ફિયાસ્કોનું પુનરાવર્તન ન થાય અને સરકારના નિરર્થક, બિનઉત્પાદક પ્રયાસોમાં કોર્ટનો મૂલ્યવાન સમય વેડફાય નહીં જે સમુદાયમાં ગુસ્સો અને હતાશાનું કારણ બને છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers