Western Times News

Gujarati News

અમદાવાદની ૧૩ બેન્કમાં પ.૬૧ લાખની નકલી ચલણી નોટ જમા થઈ

પ્રતિકાત્મક

અમદાવાદ, અમદાવાદ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ક્રાઈમ વિભાગે શહેરની ૧૩ જેટલી બેન્કમાં ડુપ્લીકેટ ચલણી નોટ જમા થઈ હોવાના ખુલાસા કરી કુલ પ.૬૧ લાખની ૧,પર૬ જેટલી ડુપ્લીકેટ ચલણી નોટ કબજે કરી છે.

એસઓજી ક્રાઈમબ્રાંચમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ રશીદખાન સામતખાને ફરિયાદ નોંધાવી છે કે છેલ્લા કેટલાય મહિનાથી અમદાવાદની વિવિધ બેન્કમાં ડુપ્લીકેટ નોટ જમા થઈ છે, જે નોટો એસઓજી ક્રાઈમ દ્વારા રિકવર કરવામાં આવી છે. આ તમામ નોટને હાલ એફએસએલ ડિપાર્ટમેન્ટમાં મોકલી પણ આપવામાં આવી છે.

નોટબંધીને લગભગ ઘણો સમય વીતી ગયો છે. નોટબંધી કરવા પાછળનું મહત્વનું કારણ વૈશ્વિક સ્તરે અને તેમાંય ભારતમાં ઘણી ડુપ્લીકેટ કરન્સી ફરતી હતી, જેના પગલે કેન્દ્ર સરકાર દ્વારા નોટબંધી લાદવામાં આવી હતી, પરંતુ હકીકત કંઈક જુદી છે. અમદાવાદ એસઓજી ક્રાઈમ પોલીસે બેન્કમાંથી ૧,પર૬ જેટલી ડુપ્લીકેટ અને પ્રિન્ટેન્ડ ચલણી નોટ ઝડપી પાડી છે, જેમાં ઘણી ખરી નોટ ઝેરોક્ષ અથવા તો પ્રિન્ટ થઈ હોવાનું પ્રાથમિક તબકકે પોલીસ માની રહી છે.

હાલ એસઓજી ક્રાઈમને અમદાવાદની આશરે ૧ર જેટલી બેન્કમાંથી ડુપ્લીકેટ અને પ્રિન્ટેડ ચલણી નોટ મળી આવી છે. પોલીસે બે હજારના દરની ૮૯, પ૦૦ના દરની નવી નોટ પ૪ર, ર૦૦ના દરની ર૪૦, ૧૦૦ના દરની ૬૧૧, પ૦ના દરની ૭૧, ૧૦ના દરની બે મળી આવી કુલ ૧,પર૬ નકલી નોટ મળી કુલ પ.૬૧ લાખની નોટ કબજે કરી તપાસ શરૂ કરવામાં આવી છે.

બેન્કમાંથી મળી આવેલી નોટ બિલકુલ ફાટેલી હાલતમાં, ગુંદર પટ્ટી, સેલો ટેપ, તથા અડધી નોટ, કાગળ ચોંટાડેલ, નોટના સાંધાવાળી, ઝેરોક્ષ જેવી ધોવાયેલી, ચિલ્ડ્રન નોટ, તેમજ બેન્ક તરફથી બનાવટી નોટનો રબ્બર સ્ટેમ્પ મારેલી મળી આવી હતી.

સામાન્ય રીતે બેન્ક કર્મચારી કોઈપણ નોટ જમા કરાવવા આવે તો નોટની તપાસ કરતા હોય છે, પરંતુ બેન્ક કર્મચારી દ્વારા ગ્રાહક જે નોટ જમા કરાવે છે તે નોટોની તપાસ કરવામાં આવતી નથી અને તેનો ફાયદો ઉઠાવી લોકો અસલીમાં નકલી નોટ પધરાવી દીધી દે છે.

બેન્ક કર્મચારીઓના ધ્યાને નકલી નોટ આવે તો જમા કરાવવા આવનારા ગ્રાહકને નોટ ફાડી નાખવાનું કહે છે. અનેક બેન્કમાં નકલી નોટની તપાસ કરતું મશીન હોય છે છતાં પણ નકલી નોટ બેન્કમાં લોકો જમા કરાવી જાય છે તેના પર સવાલ ઉભા થયા છે. બેન્ક કર્મચારીની બેદરકારીના કારણે પણ લોકો નકલી નોટ પધરાવી દેતા હોય છે. આ અંગે એસઓજી ક્રાઈમબ્રાંચે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. (એન.આર.)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.