Western Times News

Gujarati News

શાહપુરમાં ૧૭૦૦ મીટર લંબાઈનો ટીપી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો

અમદાવાદ, મ્યુનિ. તંત્ર દ્વારા જાહેર રસ્તા પરના દબાણ દુર કરવાના અભિયાન હેઠળ મધ્યઝોનના શાહપુર વોર્ડમાં ઓપરેશન ડિમોલિશન હાથ ધરાયુ હતું જે અંતર્ગત આ વોર્ડમાં ૧૭૦૦ મીટર લંબાઈનો ટીપી રસ્તો ખુલ્લો કરાયો હતો.

શાહપુર વોર્ડમાં રિવરફ્રન્ટની અંદર પ્રવેશતા ઈન્દિરાનગરની વસાહત આવેલી છે, જેની બહાર રસ્તા પરના ઈન્દિરાનગરના રહેણાકના કાચાં-પાકાં દબાણ તેમજ ઈન્દિરાનગર ચાર રસ્તાથી સુતરિયા સોસાયટી તેમજ રામલાલના ખાડાથી અનવરનગરની ચાલી સુધીના ૬૦ ફુટના ટીપી રોડ પરના દબાણો તંત્રે હટાવ્યા હતા.

ટીપી નંબર-૩ (એલિસબ્રીજ) હેઠળ આવેલા આ ટીપી રસ્તા પરથી ઈન્દિરાનગરના રહેણાંકના ૮૦ કાચા-પાકાં છાપરા, ઈન્દિરાનગર ચાર રસ્તાથી સુતરિયા સોસાયટી તેમજ રામલાલના ખાડાથી અનવરનગરની ચાલી સુધીના આશરે ૪ર દુકાનોના કાચા-પાકા શેડ અને ઓટલાને મ્યુનિ. એસ્ટેટ વિભાગ દ્વારા દૂર કરાયા હતા.

મધ્યઝોનની એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા આ કામગીરી દરમિયાન માધુપુરા પોલીસ સ્ટેશનથી બંદોબસ્ત લેવાયો હતો. ઉપરાંત તંત્રે ત્રણ દબાણની ગાડી, એક જેસીબી મશીન તથા ખાનગી કોન્ટ્રાકટરના ૧૬ મજૂરોની મદદ લઈ સમગ્ર ઓપરેશન પાર પાડ્યું હતું. (એન.આર.)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.