Western Times News

Gujarati News

નારોલમાંથી હરીયાણાથી આવેલો ૯.૩૦ લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો

પ્રતિકાત્મક

આરોપીઓ દારૂની ડિલીવરી કરે એ પહેલાં જ ક્રાઈણ બ્રાંચે જથ્થો જપ્ત કરી લીધો

(પ્રતિનિધિ)અમદાવાદ, શહેરના નારોલ વિસ્તાર તરફ જતાં દારૂ ભરેલાં ટ્રકને ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપીને તેમાંથી સાડા નવ લાખ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો છે. આ દરમિયાન ડ્રાઈવર ભાગી ગયો હતો. જાે કે ક્લીનરને ઝડપીને પૂછપરછ કરતાં અમદાવાદનાં બે શખ્સો પણ આમાં જાેડાયેલાં હોવાનું સામે આવ્યું છે.

ક્રાઈમ બ્રાંચનાં પીઆઈ સી.બી.ટંડેલની ટીમ પેટ્રોલિંગમાં હતી એ વખતે પીએસઆઈ વી.આઈ.રાઠોડની ટીમને કેટલાંક શખ્સો એક ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને અસલાલ તરફથી આવીને નારોલ જવાનાં હોવાની બાતમી મળી હતી. જેને પગલે શુક્રવારે રાત્રે પોણા બાર વાગ્યાનાં સુમારે તેમણે લાંભા રોડ ઉપર વોચ ગોઠવી હતી. અને થોડીવારમાં બાતમી મુજબની ટ્રક આવતાં જ તેને કોર્ડન કરી લેવાઈ હતી. પોલીસને જાેતાં જ ટ્રકનો ડ્રાઈવર અંધારાનો લાભ લઈને પલાયન થઈ ગયો હતો.

જેને પકડવા પોલીસે પીછો કર્યાે હતો. પરંતુ તેમાં નિષ્ફળતા મળી હતી. જ્યારે ટ્રકમાંથી તેનાં ક્લીનર હરપાલ રામકિશોર ગડરીયા (સંભલ, ઉત્તરપ્રદેશ)ને પકડી લેવાયો હતો. ટ્રકની તપાસ કરતાં તેમાંથી અલગ અલગ બ્રાન્ડનો વિદેશી દારૂ તથા બિયરની પેટીઓ ભરેલી મળી આવી હતી. જેની કિંમત રૂપિયા સાડા નવ લાખ જેટલી છે.

પોલીસે પકડાયેલા આરોપી હરપાલની પૂછપરછ કરતાં ડ્રાઈવર પપ્પુ નામનો શખ્સ હોવાનું સામે આવ્યું છે. તેનાં કહ્યા અનુસાર હરીયાણાનાં સોનીપતમાં રહેતાં ભુપેન્દ્ર જાટ અને ધર્મેન્દ્ર પ્રસાદે તેમણે આ જથ્થો ભરીને આપ્યો હતો.

જેમણે અમદાવાદ પહોંચ્યા બાદ અશોક રૂપાજી પ્રજાપતિ (સિહોર, રાજસ્થાન) તથા નાગધન પ્રભુદાન ગઢવી (વડોદરા)નો સંપર્ક કરવા ડ્રાઈવર પપ્પુને જણાવ્યું હતું. જે બંને દારૂનો જથ્થો કોને પહોંચાડવાનો છે તે કહેવાતાં હતાં. ક્રાઈમ બ્રાંચે આ તમામ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ગુનાસર ક્રાઈમ બ્રાંચે દારૂના જથ્થા ઉપરાંત કન્ટેનર સહિત ૨૫.૫૫ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યાે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.