Western Times News

Gujarati News

૩૪૭ પરિવારોને ૧.૭૪ કરોડ વળતર ચૂકવાયું

અમદાવાદ, કોરોનામાં મૃત્યુ પામનારા વ્યક્તિઓના પીડિત સ્વજનોને ૫૦,૦૦૦ રૂપિયા વળતર પેટે ચૂકવવાની કામગીરી તમામ રાજ્યોએ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ હાથ ધરી છે. આ મુદ્દે કેન્દ્ર સરકારે ૧૯૦થી વધુ પાનાનું સોગંદનામું સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કર્યું હતું.

જેમાં ગુજરાત તરફથી જણાવવામાં આવ્યું છે કે, રાજ્યમાં કોરોનાથી કુલ ૧૦,૦૯૨ લોકોએ જીવ ગુમાવ્યા છે. જે પૈકી ૧૨૫૦ પીડિતોએ વળતર મેળવવા માટે ફોર્મ ઓથોરિટી સમક્ષ જમા કરાવ્યા છે. જેમાંથી ૩૪૭ કેસોમાં ચકાસણી સહિતની કામગીરી કર્યા બાદ રાજ્ય સરકારે ૧.૭૪ કરોડની રકમની ચૂકવણી કરી છે.

જ્યારે અન્ય ૯૨૫ કેસમાં ચૂકવણીની મંજૂરી આપવામાં આવી છે. આ સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા ગુજરાત સરકારની અગાઉ ભારે ટીકા કરવામાં આવી હતી. ખાસ કરીને રાજ્ય સરકારે સ્ક્રૂટિની કમિટીનું ગઠન કરતી વખતે સખત નારાજગી વ્યક્ત કરી હતી.

જાેકે, સુપ્રીમ કોર્ટના આકરા વલણ બાદ રાજ્ય સરકારે નવું જાહેરનામું કરીને ભૂલ સુધારી હતી અને તકરાર નિવારણ સમિતિનું ગઠન કર્યું હોવાનું સોગંધનામામાં જણાવ્યું હતું. સાથે જ જણાવ્યું કે, અગાઉ રાજ્ય સરકારે ૨૯ ઓક્ટોબરે વળતરની ચૂકવણીનો જે ઠરાવ કર્યો હતો તેમાં ૨૧ નવેમ્બરે સુધારો કરી દેવાયો છે.

જેમાં કોવિડમાં મૃત્યુ પામનારા વ્યક્તિઓના સ્વજનોને વળતરની ચૂકવણી કરવા માટેની પ્રક્રિયાને સરળ બનાવાની સ્પષ્ટતા પણ કરવામાં આવી છે. ઉપરાંત જણાવ્યું કે, રાજ્યના મહેસૂલ વિભાગે ૨૦ નવેમ્બરે એક ઠરાવ કર્યો હતો, જેમાં ૨૧ અને ૨૫ નવેમ્બરે જરૂરી સુધારા કરી તમામ જિલ્લાના કલેક્ટરોને વળતર ચૂકવવાના આદેશ આપવામાં આવ્યા છે.

રાજ્ય સરકારે એવી વિગતો પણ આપી છે કે ૨૫મી નવેમ્બર સુધીમાં રાજ્યમાં કુલ ૧૦,૦૯૨ વ્યક્તિઓના કોરોનાથી મૃત્યુ થયા છે. જાેકે, આ આંકડામાં ફેરફાર અપેક્ષિત છે કારણકે ત્રીજી સપ્ટેમ્બરના દિશાનિર્દેશો મુજબ કોવિડથી મૃત્યુની વ્યાખ્યાને વિસ્તૃત કરવામાં આવી છે.

અત્યાર સુધી વળતર મેળવવા માટે ૧૨૫૦ ફોર્મ મળ્યા છે અને વિવિધ જિલ્લામાં વળતરની ચૂકવણીની કામગીરી માટે ૬૧.૨૫ કરોડની રકમની ફાળવણી કરી દેવામાં આવી છે. હજુ સુધી ૩૪૭ કેસમાં ૧.૭૪ કરોડ રૂપિયા વળતર પેટે ચૂકવાયા છે.

જાે કોઈ વ્યક્તિને ૫૦ હજારની વળતરની રકમ અંગે કોઈ તકરાર હોય તો તેઓ તકરાર નિવારણ સમિતિ સમક્ષ રજૂઆત કરી શકે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.