Western Times News

Gujarati News

મહી નદીમાંથી ગુજરાતને પાણી નહીં અપાયઃ રાજસ્થાનના મંત્રી

આણંદ, રાજસ્થાનનાં જળસંસાધન વિભાગનાં કેબીનેટ મંત્રી મહેન્દ્રજીતસીંહ માલવીયાએ આગામી દિવસોમાં મહી નદીમાંથી ગુજરાતને પાણી આપવામાં આવશે નહી તેવું નિવેદન કરતા આગામી દિવસોમાં ગુજરાત સરકાર અને રાજસ્થાન સરકાર વચ્ચે મહી નદીનાં પાણીનાં મુદ્દે સંગ્રામ ખેલાવાની શકયતાઓ રહેલી છે. જેની સીધી અસર આણંદ ખેડા જિલ્લાનાં છેવાડાનાં સિંચાઈ આધારીત વિસ્તારો પર પડી શકે છે.

રાજસ્થાનના નવનિયુક્ત જળસંસાધન મંત્રી મહેન્દ્રજિતસિંહ માલવિયાએ પદભાર સંભાળ્યા પછીની સૌ પ્રથમ બેઠકમાં જ ગુજરાતને માહી બજાજ સાગર ડેમમાંથી પાણી આપવાનું બંધ કરી દેવાની ચેતવણી ઉચ્ચારી છે.

સૌથી અગત્યની બાબત છે કે, રાજસ્થાનમાં વાંસવાડા પાસે આવેલા આ ડેમમાંથી ગુજરાતના કડાણા અને ત્યાંથી વણાકબોરી થઇ ચરોતર પંથકની કેનાલોમાં સિંચાઇનું પાણી છોડવામાં આવે છે. જાે આ પાણી બંધ થાય તો સૌથી પ્રતિકૂળ અસર ચરોતર પર પડે અને ખેડા – આણંદ જિલ્લામાં કેનાલ આધારિત લગભગ ૪ લાખ હેક્ટર વિસ્તારમાં પાકને નુકસાન થઇ શકે.

કેબીનેટ મંત્રી મહેન્દ્રજિતસિંહે જયપુર ખાતે અધિકારીઓની રિવ્યૂ મીટીંગ બોલાવી હતી. જેમાં તેમણે ૧૯૬૬ માં માહી સાગર બંધ બન્યો ત્યારે થયેલા કરારનો હવાલો આપતા જણાવ્યું હતું કે જે તે વખતે એવું નક્કી થયું હતું કે, ગુજરાતના ખેડા ક્ષેત્રમાં નર્મદાનું પાણી પહોંચે ત્યાં સુધી જ માહી ડેમમાંથી ૪૦ હજાર મિલિયન લીટર પાણી ગુજરાતને આપવામાં આવશે.

એ વખતે એવું પણ નક્કી થયું હોવાનું મંત્રીએ કહ્યું હતું કે, ખેડાને નર્મદાનું પાણી મળતું થાય તે સાથે જ માહી ડેમનું પાણી ગુજરાતને આપવાનું બંધ કરી દેવાશે. આ બાબતે ગુજરાત સરકાર સાથે અનેકવાર સંવાદ કર્યા પછી પણ ગુજરાત સરકાર ચૂપ બેઠી છે એટલે માહીનું મળતું પાણી બંધ કરી દેવાશે.

ખેડા જિલ્લામાંથી નર્મદાની નહેર પસાર થાય છે પરંતુ સ્થાનિક ખેડુતોને તેનાથી સિંચાઇનું પાણી મળતું નથી. બીજીબાજુ માહીનું પાણી બંધ થઇ જાય તો ખેડા જિલ્લામાં કેનાલ આધારિત ૧.૨૦ લાખ હેક્ટર અને આણંદ જિલ્લાની ૧.૧૫ હેક્ટર જમીનને કેનાલનું પાણી મળતું બંધ થઇ જાય.

આમ જાે બંને રાજ્યની સરકાર કોઇ સમાધાનકારી વલણ નહીં અપનાવે તો ચરોતર માટે માઠા દિવસો આવી શકે છે. ૧૯૬૬માં જ્યારે આ ડેમ બન્યો ત્યારે એવું નક્કી થયું હતું કે ડેમ નિર્માણમાં રૂ. ૯૦ કરોડનો ખર્ચ થયો હતો. જેમાંથી ૫૫ ટકા રકમ ગુજરાતે ચૂકવી હતી. જાે રાજસ્થાન સરકાર ૫૫ ટકા રકમ ગુજરાતને પરત ચૂકવે તો જ બંધનું પાણી રોકી શકે.

જાે કે રાજસ્થાનનાં મંત્રી દ્વારા કરાયેલા આ નિવેદનને આણંદ જિલ્લા ભાજપનાં અધ્યક્ષ વિપુલ પટેલેએ ફગાવી દીધું હતું અને કહ્યું હતું કે તે વાત તદ્દન ખોટી છે. મધ્યપ્રદેશમાંથી નિકળનારી આ મહી નદી રાજસ્થાનમાં પસાર થઈ ગુજરાતમાં પ્રવેશે છે.

૧૯૬૬માં રાજસ્થાન અને ગુજરાત સરકાર વચ્ચે જે કરાર થયો હતો તે કરાર સેન્ટ્રલ વોટર કમિશનએ કરેલો છે,તે કોઈ વ્યકિતનાં હાથમાં નથી પાણી રોકવાનું, આ નિવેદન સસ્તી પ્રસિદ્ધી મેળવવા માટે કરાયેલું છે. જેથી પાણી નહી આપવાનો ર્નિણય લઈ શકાશે નહી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.