Western Times News

Gujarati News

શહેરમાં ર૦ર૧-રર ના વર્ષમાં પ૮પ નાના અને ૧૦૮ મોટા રોડ બનાવવામાં આવશે

File

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં ચોમાસાની સીઝન દરમ્યાન રોડ પર ગાબડા પડવા અને રોડ તૂટવા તે સામાન્ય પ્રક્રિયા બની ગયા છે. ચાલુ વરસે ચોમાસા દરમ્યાન રોડ તૂટ્યા હતા પરંતુ મ્યુનિ. શાસકો અને ઈજનેર વિભાગ દ્વારા દિવાળી પહેલા તમામ ખાડા પુરવામાં આવ્યા છે તેમજ દિવાળી બાદ રોડ રીસરફેસના કામો શરૂ પણ થયા છે.

એક અંદાજ મુજબ નાણાકીય વર્ષ ર૦ર૧-રરમાં ૬૦ ફૂટ કે તેથી નાના પ૮પ અને ૬૦ ફુટ કે તેથી મોટા ૧૦૮ રોડ બનાવવાનો લક્ષ્યાંક નકકી કરવામાં આવ્યો છે જેની સામે ૧૩ર નાના અને રર મોટા રોડ ના કામ પૂર્ણ થઈ ગયા છે.

દિવાળીના તહેવારો પૂર્ણ થયા બાદ મ્યુનિ. સતાધારી પાર્ટીએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી છે જેમા તૂટેલા રોડ રીપેર કરવા અને નવા રોડ બનાવવાના કામોને પ્રાથમિકતા આપવામાં આવી છે. મ્યુનિ. રોડ એન્ડ બીલ્ડીંગ કમીટી ચેરમેન મહાદેવભાઈ દેસાઈના જણાવ્યા મુજબ ચાલુ નાણાકીય વર્ષમાં ઝોન લેવલે કુલ પ૮પ રોડ બનાવવામાં આવશે. જે પૈકી ૧૩ર રોડના કામ પૂર્ણ થઈ ગયા છે.

જેની લંબાઈ અંદાજે ૯ર૭૩ મીટર છે. જયારે ૮૭ રોડના કામ પ્રગતિ હેઠળ છે અને ૩૬૬ રોડ માટે આયોજન ચાલી રહયા છે. મ્યુનિ. ઈજનેર ખાતા દ્વારા રોડ કામ માટે રૂા.રપ૦ કરોડના વર્ક ઓર્ડર ઈસ્યુ થયા છે.

નવા ટેન્ડર મંજુર થયા બાદ બાકી કામોના વોર્ડ બોર્ડર પણ ઈસ્યુ કરવામાં આવશે. શહેરના દક્ષિણ ઝોનમાં સૌથી વધુ ૧૬૦ રોડ અને પશ્ચિમ ઝોનમાં બીજા ક્રમે ૧ર૯ રોડ બનાવવા આયોજન કરવામાં આવ્યું છે. જે પૈકી દક્ષિણ ઝોનમાં ૬૩ રોડના અને પશ્ચિમ ઝોનમાં ૧૧ રોડના કામ પૂર્ણ થઈ ગયા છે.

શહેરમાં ૬૦ કે તેથી વધુ પહોળાઈના રોડ મ્યુનિ. રોડ પ્રોજેકટ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવે છે. ર૦ર૧-રર ના વર્ષ દરમ્યાન રોડ પ્રોજેકટ વિભાગ દ્વારા ૧૦૮ રોડ બનાવવા પ્લાનીંગ કરવામાં આવ્યું છે. જે પૈકી રર રોડ ના કામ પુરા થઈ ગયા છે. ૩ર રોડ ના કામ પ્રગતિ હેઠળ છે.

જયારે ૪૯ રોડ માટે ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે. રોડ- પ્રોજેકટ ખાતા દ્વારા અંદાજે ૧૩૩ કીલોમીટર લંબાઈના રોડ બનાવવામાં આવશે જેના માટે રૂા.૪પ૩.૪ર કરોડનો ખર્ચ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.