Western Times News

Gujarati News

સરકારી શિક્ષકો વિદ્યાર્થીઓ પાસેથી મજૂરી કામ કરાવે છે

વલસાડ, વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામની એક સ્કૂલમાં બાળકો પાસે મજૂરી કરાવવામાં આવી રહી હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ઉમરગામ તાલુકાના સરીગામની આવેલી જાણીતી કેડીબી હાઈસ્કૂલમાં સરકાર દ્વારા ફાળવવામાં આવેલા પુસ્તકો ભરેલો એક ટ્રક આવ્યો હતો.

જાેકે, સ્કૂલના શિક્ષકો અને આચાર્ય દ્વારા ટ્રકમાંથી પુસ્તકો ઊતારવા માટે અન્ય શ્રમિકોની મદદ લેવાને બદલે શાળાના બાળકોને જ ટ્રકમાંથી પુસ્તકો ઉતારવા માટે કામે લગાવવામાં આવ્યા હતા. તે સમયનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ઘણો જ ચર્ચાસ્પદ બન્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં શાળાના બાળકો ટ્રકમાંથી પુસ્તકો ઉતારતા દેખાય છે.

સરકાર દ્વારા કોવિડ પ્રોટોકોલને ધ્યાનમાં રાખી અને શાળાઓ શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી છે. અગાઉ પણ આ સ્કૂલના શિક્ષકો કોવિડ પોઝિટિવ આવ્યા હતા. તેમ છતાં શાળા દ્વારા આ બાળકોને લાઈનમાં લગાવી અને આવી રીતે શ્રમ કાર્ય કરાવવામાં આવ્યું હતું.

આ ઉપરાંત ટ્રકમાંથી પુસ્તકો ઉતારી રહેલા બાળકોમાં મોટાભાગના બાળકોએ માસ્ક પણ પહેર્યું નથી. સાથે જ વાયરલ થયેલા વીડિયોમા એ પણ દેખાય છે કે, જે પુસ્તકો ભરી અને ટ્રક સ્કૂલ સુધી આવી હતી એ ટ્રકમાં ભરેલા પુસ્તકો પણ અસ્ત વ્યસ્ત જણાઇ રહ્યા હતા.

સ્કૂલ સુધી પહોંચાડવા માટે ટ્રકમાં બેદરકારીથી પુસ્તકો ભરવામાં આવેલા હોવાનું પણ જણાઈ રહ્યું હતું. આમ વલસાડના સરીગામની કે.ડી હાઈસ્કૂલમાં બાળકોને બાળ મજૂરી કરાવવામાં આવી રહી હોવાનો વિડીયો વાયરલ થતા મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. થોડા દિવસો પહેલા નવસારીમાંથી પણ વિદ્યાર્થીઓ પાસે કામ કરાવતા હોવાનો વીડિયો સામે આવ્યો હતો.

નવસારીના તવડી ગામની શાળામાં વિદ્યાર્થીઓ પાસે બાથરૂમ તેમજ કચરા પોતા કરાવી મજૂરી કરાવવામાં આવી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. શાળાએ વિદ્યાર્થીઓ પાસે બાથરૂમ, ક્લાસરૂમ તેમજ શાળાનું મેદાન સાફ કરાવી મજૂરી કરાવી હતી. તવડી ગામની વલ્લભ વિદ્યાકુંજ કૃષિ પ્રાથમિક શાળા કે, જ્યાં આજે ૧ થી ૫ના ધોરણો શરૂ થતા જ વિવાદમાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓ બાથરૂમ સાફ કરતા હોય તેવા વીડીયો સામે આવ્યાં હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.