Western Times News

Gujarati News

દરિયાકાંઠાનાં વિસ્તારોમાં જવાદ વાવાઝોડાને કારણે ૯૫ ટ્રેનોને રદ કરાઇ

નવીદિલ્હી, દેશનાં દરિયાકાંઠાનાં વિસ્તારો, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં જવાદ ચક્રવાતી વાવાઝોડાની સંભાવના છે. ભારતીય રેલ્વેએ ચક્રવાતી વાવાઝોડા ‘જવાદ’ને કારણે સાવચેતીનાં પગલા રૂપે ૧૦૦ ટ્રેનો રદ કરી છે, જેમાં ઇસ્ટ કોસ્ટ રેલ્વેએ તોફાનની સંભાવનાને કારણે ગુરુવારથી ત્રણ દિવસ માટે ૯૫ ટ્રેનોનું સંચાલન રદ કર્યું છે. બીજી બાજુ, દક્ષિણ રેલ્વેએ પૂર્વ તટ રેલ્વમાંથી પસાર થતી પાંચ ટ્રેનોને રદ કરી છે.

ઇસ્ટ કોસ્ટ રેલ્વેએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સાવચેતીનાં પગલા તરીકે, વિવિધ વિસ્તારોમાંથી નીકળતી અને આ વિસ્તારમાંથી પસાર થતી ૯૫ મેલ અને એક્સપ્રેસ ટ્રેનોને ૨-૩ ડિસેમ્બર વચ્ચે રદ કરવામાં આવી છે.

બીજી તરફ, દક્ષિણ રેલ્વેએ જણાવ્યું કે તિરુવનંતપુરમ સેન્ટ્રલ – શાલીમાર દ્વિ-સાપ્તાહિક સુપરફાસ્ટ એક્સપ્રેસ ૨ ડિસેમ્બર (ગુરુવાર) નાં રોજ તિરુવનંતપુરમ સેન્ટ્રલથી ઉપડનારી હતી તે રદ કરવામાં આવી છે.

આ જ રીતે, કન્યાકુમારી-ડિબ્રુગઢ સાપ્તાહિક વિવેક સુપરફાસ્ટ એક્સપ્રેસ, સિલ્ચર-તિરુવનંતપુરમ સેન્ટ્રલ સાપ્તાહિક અરોનાઈ સુપરફાસ્ટ એક્સપ્રેસ, ધનબાદ જંક્શન-અલપ્પુઝા ડેઈલી એક્સપ્રેસ, પટના જંક્શન-એર્નાકુલમ જંક્શન દ્વિ-સાપ્તાહિક સુપરફાસ્ટ એક્સપ્રેસ કન્યાકુમારીથી ઉપડતી હતી તે તમામ ટ્રેનોને રદ કરવામાં આવી છે.

પશ્ચિમ બંગાળનાં તટીય વિસ્તાર પર ચક્રવાત ‘જવાદ’ને ધ્યાનમાં રાખીને, વહીવટીતંત્રએ માછીમારી સમુદાય અને પ્રવાસીઓને સમુદ્રની નજીક ન જવાની ચેતવણી આપી છે. પ્રવાસી સ્થળો દિઘા, મંદરમણિ, તાજપુર અને સુંદરબન વિસ્તારો માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જ્યાં માછીમારો અને પ્રવાસીઓને આગામી સોમવાર સુધી દરિયાઇ તટીય વિસ્તાર નજીક જવાની મનાઈ છે.

મિદનાપુર જિલ્લાનાં પૂર્વ અને પશ્ચિમ બન્ને ઝોનની ઇમરજન્સી સેવાઓએ ચક્રવાત જવાદને કારણે ઉદ્ભવતા પડકારો માટે તૈયારી કરી લીધી છે. જણાવી દઇએ કે, ચક્રવાતી તોફાન ‘જવાદ’ની સૌથી વધુ અસર ઓડિશામાં જાેવા મળશે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી ૪૮ કલાકમાં આંદામાન સમુદ્રમાં ઓછા દબાણને કારણે તે ૩ ડિસેમ્બર સુધીમાં ચક્રવાતી તોફાનનું રૂપ ધારણ કરશે.

દરમિયાન, આ વાવાઝોડું ૪ ડિસેમ્બરે ઓડિશાનાં દરિયાકાંઠે ત્રાટકવાની પણ આગાહી કરવામાં આવી છે. ઓડિશા સરકારે તમામ જિલ્લાઓમાં ચક્રવાતી તોફાન જવાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.