Western Times News

Gujarati News

ચાંદખેડામાં એક જ દિવસમાં સાયબર ક્રાઇમના પાંચ ગુના નોંધાયા

cyber crime

અમદાવાદ, સાયબર ક્રાઇમ કરનાર ઠગ ટોળકી પોલીસથી એક પગલુ આગળ ચાલીને અવનવી રીતો શોધી પડકાર ફેંકી રહી છે. તેમાંયે લોકડાઉન બાદ ફ્રોડમાં વધારો થઇ રહ્યો છે. કોરોના કાળમાં ડિજિટલ લેવડદેવડ વધવાની સાથોસાથ રાજ્યમાં સાયબર ઠગાઇના કિસ્સાઓ પણ વધ્યા છે. દર મહિને ચીટરો લોકો સાથે લાખો રૂપિયા ઉલ્લુ બનાવીને છેતરી રહ્યા છે. ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં એક જ દિવસમાં પાંચ ફરિયાદ નોંધાઇ છે.

ડેબિટ થયેલાં નાણાં પરત મેળવવા ફોન કર્યો અને… ચાંદખેડાના શિવશક્તિનગરમાં રહેતા રણજિતસિંહ ચાવડા કોરોના પોઝિટિવ આવતા હોસ્પિટલમાં દાખલ હતા ત્યારે સારવાર માટે સાત હજાર લેવાના હતા. જેથી તેના મિત્રે ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. જે તે વખતે રૂપિયા ડેબિટ થઇ ગયા, પરંતુ ખાતામાં આવ્યા ન હતા.

રૂપિયા મેળવવા માટે ગૂગલ પરથી કસ્ટમર કેરનો નંબર લઇ ફોન કર્યો હતો. સામેની વ્યક્તિએ રણજિતસિંહને વિશ્વાસમાં લઇને કહ્યું કે તમારું ગૂગલ પે એકાઉન્ટ ખોલતા તેમાં વેરિફિકેશન કોડ આવશે. તેમાં પિન નંબર નાખતા તેમના ખાતામાંથી ટૂકડે ટૂકડે ૬૪,૯૨૧ રૂપિયા ડેબિટ થઇ ગયા હતા.

એન્જિનિયર સાથે પાર્સલ ડિલિવરી કરવાના નામે ૧.૩૦ લાખની ઠગાઇ ચાંદખેડાના દેવદીપ એપાર્ટમેન્ટમાં રહેતા પુષ્પરાજસિંહ પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો કે હું કસ્ટમ વિભાગ દિલ્હીથી વાત કરુ છુ અને તમારુ એક પાર્સલ આવ્યુ છે. જેના ડિલિવરી ચાર્જના ૨૫,૦૦૦ રૂપિયા ટ્રાન્સફર કરવા પડશે. પુષ્પરાજસિંહનું પાર્સલ ન હવા છતાં તેમણે ઓનલાઇન રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.

ત્યારબાદ ફરી ગઠિયાએ ફોન કરીને કહ્યું કે મની લોન્ડરિંગનો કેસ થશે આમ કહીને બીજા રૂપિયા માગ્યા હતા. ગઠિયાએ અલગ અલગ બહાનાં બનાવીને પુષ્પરાજસિંહ પાસેથી ૧.૩૦ લાખ રૂપિયા સેરવી લીધા હતા. ‘બધી પોલિસી બંધ થઇ જશે, સરકાર તમને એક તક આપે છે’ કહીને શિક્ષિકાના પિતા પાસેથી રૂપિયા પડાવી લીધા

ન્યૂ ચાંદખેડામા આદિત્ય ઇલાઇટમાં રહેતા દેવૃત્તિ ગુપ્તાએ ફરિયાદ નોંધાવી છે કે દેવૃત્તિ પોદાર સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે દેવૃત્તિએ તેના પિતાને બ્રેન ટ્યૂમર અને લકવો થયેલ હોવાથી તેના નામની અલગ અલગ પોલિસી લીધી હતી. શિક્ષિકાના પિતા પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો.

ફોન કરનારે કહ્યું કે હું વીમા લોકપાલમાંથી વાત કરુછુ તમારી અગાઉની તમામ પોલિસી બંધ થઇ જશે. અમે તમને તમારા બધા રૂપિયા પરત આપીશું. સરકાર તમને એક તક આપે છે. તમારે રૂપિયા પરત મેળવવા માટે થોડા રૂપિયા આપવા પડશે. પ્રીમિયમ અને પેનલ્ટીના રૂપિયા ભરશ તો તમને રૂપિયા પાછા મળી જશે. આમ કહીને તેના પિતા પાસેથી ગઠિયાએ ટૂકડે ટૂકડે ૧.૨૨ લાખ સેરવી લીધા હતા.

ત્યારબાદ પિતાએ પુત્રીને આ અંગે જાણ કરતાં તેમની સાથે ઠગાઇ થઇ હવાની ખબર પડી હતી. જેથી શિક્ષિકાએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.

વધુ કમિશનની લાલચમાં ઓએનજીસીના કર્મચારી અને બેન્કની સેલ્સ મેનેજર યુવતી સાથે ઠગાઇ ચાંદખેડામાં રહેતા અને ઓએનજીસીમાં ડબ્લ્યુએચએસ વિભાગમાં ફિલ્ડનું કામ કરતા ગૌતમ ટીબરેવાલે અને આઇસીઆઇસીઆઇ વાસણા બ્રાન્ચમાં સેલ્સ મેનેજર તરીકે ફરજ બજાવતા રૂત્વા વ્યાસે ફરિયાદ નોંધાવી છે.

ગૌતમ અને રૂત્વા ફેસબુકમાં સર્ચ કરતા હતા ત્યારે મૂડીરોકાણ માટેની જાહેરાત વાંચી હતી. જેથી ગૌતમ અને રૂત્વાએ જાહેરાતમાં આપેલ નંબર પર ફોન કર્યો હતો.

ફોન ઉપાડનારને કહ્યું કે વેબસાઇટ મૂડી રોકાણ ટાસ્ક મુજબ કામ કરીને વધુ કમિશનની લાલચ આપી હતી. ગઠિયાએ ગૌતમને અલગ અલગ બહાના બનાવીને ગૌતમ પાસેથી બે લાખ અને રૂત્વા પાસેથી ૯૫,૦૦૦ રૂપિયા ઓનલાઇન ભરાવી દીધા હતા. ગૌતમ અને રૂત્વા આ અંગે અવારનવાર ગઠિયાને ફોન કરતા, પરંતુ કોઇ સંતોષકારક જવાબ મળતો ન હતો, જેથી તેમની સાથે છેતરપિંડી થઇ હોવાથી બંનેએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ગઠિયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.