Western Times News

Latest News from Gujarat India

સુરતમાં અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ-હત્યાના આરોપીને ફાંસીની સજા

સુરત, ગુજરાતમાં દીપાવલીના તહેવારના દિવસે જ સુરતના પાંડેસરામાં અઢી વર્ષની એક બાળકી પર દુષ્કર્મ ગુજારીને તેની નિર્દયતાર્પૂવક હત્યાના આરોપમાં 38 વર્ષીય ગુડ્ડુ યાદવને સુરતની ખાસ કોર્ટે દોષિત ઠેરાવીને ફાંસીની સજા ફટકારી છે.

ફકત 29 દિવસમાં જ આ ચૂકાદો આવ્યો છે અને ગુજરાતના પોલીસ તથા અદાલત ઈતિહાસમાં સૌથી ઝડપી ગણી શકાય તેવી તપાસ અને કાનૂની કાર્યવાહીમાં ન્યાયમૂર્તિએ પણ આરોપી સામેનો કેસ રેરેસ્ટ ઓફ રેર એટલે કે ભાગ્યે જ બનતો અમાનવીય કૃત્ય તરીકે ગણાવીને આરેાપીને મહત્તમ સજા કરવાના સરકારી ધારાશાસ્ત્રીની દલીલોને માન્ય રાખી હતી. હવે આ ચૂકાદા સાથે આરોપીને ફાંસીની સજાની બહાલી માટે હાઈકોર્ટ સમક્ષ ફાઈલ મુકવામાં આવશે.

સમગ્ર કાનૂની કાર્યવાહી પણ વધુ ઝડપથી કરવાની તૈયારી રાખવામાં આવી છે. આ ઘટનામાં આરોપી ગુડ્ડુ યાદવએ દિવાળીના દિવસે જ એટલે કે તા.4થી નવેમ્બરની આગલી રાત્રે પાંડેસરા વિસ્તારમાંથી એક ગરીબ પરિવારની બાળાનું અપહરણ કર્યું હતું અને તેને નજીકની વડોદની એક ઝાડીમાં લઈ ગયો હતો અને તેના ઉપર દુષ્કર્મ ગુજાર્યા બાદ ગળુ દબાવીને તેની હત્યા કરવામાં આવી હતી અને બાદમાં બાળકીનો મૃતદેહ ઝાડીમાં ફેંકીને ચાલ્યો ગયો હતો.

આ બાળકી ગુમ થવા અંગે પોલીસ સમક્ષ જાણ થતા જ સુરત પોલીસએ અત્યંત ઝડપથી સમગ્ર ઘટના ઉકેલવાની તૈયારી કરી હતી અને બાળકી જ્યાંથી ગુમ થઈ હતી ત્યાં તથા અન્ય વિસ્તારોના સીસીટીવી ફૂટેજ કબજે કરીને તપાસ કરતા ગુડ્ડુ યાદવ આ બાળકીને ઉપાડીને જઈ રહ્યો હોય તેવી તસવીરો સામે આવતા જ આરોપીની ઓળખ મળી ગઈ હતી અને તુરંત જ તેની તપાસ કરીને બે દિવસમાં જ ગુડ્ડુને ઝડપી લેવાયો હતો.

જો કે પ્રારંભમાં ગુડ્ડુએ પોતે કોઈ ગુનો કર્યો હોવાનો ઈનકાર કર્યો હતો પરંતુ સીસીટીવી ફૂટેજ વગેરે સામે આવતા જ તે ભાંગી પડ્યો હતો અને પોતાનો અપરાધ કબુલ કરી લીધો હતો છતાં પણ તેના ઉપર કોઈ અફસોસ હોય તેવો ચહેરો ન હતો. આરોપીએ કબુલ કર્યું હતું કે, મોબાઈલમાં તેણે પોર્નોગ્રાફી જોયા બાદ આ કૃત્ય કરવા માટેની ઉશ્કેરણી અનુભવી હતી અને આ બાળકી તેનો શિકાર બની ગઈ હતી.

આરોપી સામે સરકાર તરફથી રજૂ થયેલા ધારાશાસ્ત્રી નયન સુખરવાલાએ કુલ 31 એવા કેસ અને ચૂકાદા રજૂ કર્યા હતા જેમાં આરોપીને ફાંસીની સજા આપવા સિવાય કોઈ સજા હોઈ શકે નહીં તેવું જણાવ્યું હતું અને પોલીસ દ્વારા પણ આરોપી છટકી ન શકે તે માટે તમામ પુરાવાઓની મજબૂત સાંકળ બનાવવામાં આવી હતી.

સરકારી ધારાશાસ્ત્રીની કાર્યવાહીને સમર્થન આપતા તમામ પુરાવા રજૂ કરતા અદાલતે કેસ ઓપન એન્ડ શટ જેવો ગણાવીને અગાઉ આરોપ સાબીત રાખ્યા બાદ આજે ઉઘડતી અદાલતે ન્યાયમૂર્તિ પી.એસ. કાલાએ આજે ઉઘડતી અદાલતે આરોપીને ફાંસીની સજાનો ચૂકાદો આપ્યો હતો. સમગ્ર કેસમાં પોલીસ તપાસ અને સુનાવણી દરમિયાન પોતાના અપરાધ અંગે કોઈ અફસસો નહીં બતાવનાર આરોપી ગુડ્ડુ ચૂકાદો સાંભળતા જ રડી પડ્યો હતો.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers