Western Times News

Latest News from Gujarat India

ચાણસદમાં BAPS સંસ્થાના ગુરુ મહંત સ્વામીએ 54 યુવાનોને સંત દીક્ષા આપી

પૂ. પ્રમુખસ્વામી મહારાજના જન્મ શતાબ્દી દિને તેઓના જ પ્રાગટ્ય સ્થાન ચાણસદમાં દીક્ષા કાર્યક્રમ યોજાયો

રાજકોટ: બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના જન્મ શતાબ્દી દિને તેઓના જ પ્રાગટ્ય સ્થાન ચાણસદમાં બીએપીએસ સંસ્થાના ગુરુ મહંત સ્વામી મહારાજે દેશ-વિદેશના સુશિક્ષિત 54 યુવાનોને સંત દીક્ષા આપી.

પૂ. પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ ઉપક્રમે બીએપીએસ સંસ્થા દ્વારા પ્રગટ ગુરૂહરિ મહંત સ્વામી મહારાજના હસ્તે બે તબક્કામાં યોજાનાર દીક્ષા મહોત્સવના આજના પ્રથમ દિવસે 54 સુશિક્ષિત નવયુવાનોએ ત્યાગાશ્રમની દીક્ષા ગ્રહણ કરી પરિજનોનો ત્યાગ કરી વસુધૈવ કુટુંબકમનો પંથ સહર્ષ સ્વીકાર કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે બન્ને તબક્કામાં કુલ દિક્ષા લેનાર 109 યુવાનો એ બીએપીએસ સંસ્થાના સારંગપુર સ્થિત ચાર દાયકાથી કાર્યરત સંત તાલીમ કેન્દ્ર ખાતે ત્રણ વર્ષની સધન તાલીમ મેળવી છે. આ પ્રશિક્ષણ કેન્દ્રમાં ધાર્મિક શાસ્ત્રો સહ વિવિધ ધર્મોના તત્વ જ્ઞાનનો અભ્યાસ ઉપરાંત તપ, સેવા, સંયમ જેવા પાઠની સાથે સંગીત, રસોઈ કળા, મેનેજમેન્ટ જેવા અનેક વિષયોના અભ્યાસના અંતે ઉત્તિર્ણ થઈને પાત્રતા પ્રાપ્ત કરવી આવશ્યક છે.

સ્વામિનારાયણીય પરંપરા અને પ્રમુખસ્વામી મહારાજના પદ ચિન્હો અનુસાર સંન્યાસ એટલે ગૃહ ત્યાગ કરીને વેરાન વન કે હિમાલયની ખીણમાં રહેવા પૂરતું જ સિમિત નહીં પરંતુ સમાજના દુઃખે દુઃખી થઇને સમાજ સેવા સાથે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિથી એકાંતિક થવું.

જ્યારે જ્યારે સમાજ પર અતિવૃષ્ટિ, પુર, ભૂકંપ જેવી કુદરતી આફતો કે તાજેતરમાં જ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના કાળમાં આ કેન્દ્રમાં તાલીમ પામેલા સંતો સમાજ સેવામાં લાગી ગયા હતા. આદિવાસીથી અમેરિકાવાસી પરિવારના ઉચ્ચ શૈક્ષણિક અને વ્યવસાયિક કારકિર્દી ધરાવતા માતા પિતાના એક માત્ર સંતાન હોય

તેવા એમ અનેકવિધ વિવિધતા ધરાવતા યુવાનો જે પૈકી વિદેશના 14, સ્નાતક 29, ઈજનેર 42, અનુસ્નાતક 13 ઉપરાંત 46 યુવાનો તો પોતાના માતા-પિતાના એકમાત્ર સંતાન છે, તેમણે આજે ગુરૂહરિ મહંત સ્વામી મહારાજ પાસેથી દીક્ષા ગ્રહણ કરીને અહોનિશ સમાજ સેવામાં રત 1200થી વધુ સંતોની સેનામાં જોડાઈને ધન્યતા અનુભવી હતી.

આ પ્રસંગે આશીર્વાદ આપતા મહંત સ્વામી મહારાજે જણાવ્યું હતું કે, પ્રમુખ સ્વામી મહારાજના જન્મ મહોત્સવે આજે જે યુવાનો દીક્ષા લઈ રહ્યા છે, એ પોતાનું અને બીજા હજારોનું કલ્યાણ કરશે. પ્રમુખ સ્વામી મહારાજ એવા સંત હતા કે એમના જીવનમાંથી સૌને પ્રેરણા મળે છે અને ત્યાગના પંથે આગળ વધે છે. આવા યુવાન અને પવિત્ર સંતો આપણા દેશનું અને સંસ્કૃતિનું ગૌરવ વધારશે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers