Western Times News

Gujarati News

ટિકિટ માટે ૨ ભાજપ નેતાઓ વચ્ચે જંગ, સમર્થકોનો પત્થરમારો, કારની તોડફોડ

પ્રતિકાત્મક

લખનૌ, ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં ભારતીય જનતા પાર્ટીના બે નેતાઓ વચ્ચે ટિકીટની દાવેદારી માટે જંગ છેડાઇ ગયો છે. બનેં નેતાઓના સમર્થકો વચ્ચે હિંસક અથડામણ થઇ હતી જેમાં બનેં તરફથી ભારે પથરાવને કારણે વાહનોને નુકશાન થયું હતું. ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને જેમ તેમ કરીને સ્થિતિને નિયંત્રણમાં લીધી હતી.

આગ્રાના બાહ વિધાનસભા ક્ષેત્રમાં ભદાવર મહારાજના નામથી જાણીતા પૂર્વ મંત્રી અરિદમન સિંહ અને પૂર્વ બ્લોક પ્રમુખ સુગ્રીવ સિંહ ચૌહાણના સમર્થકો વચ્ચે હિંસક અથડામણ થઇ હતી. બનેં નેતાઓના સેંકડો સમર્થકો આમને સામને આવી ગયા હતા અને એકબીજા પર પત્થરમારો શરૂ કર્યો હતો. આ અથડામણમાં ભારતીય જનતા પાર્ટીના ઝંડા સાથેની લગભગ અડધો ડઝન કારને નુકશાન થયું હતું.

જાણવા મળેલી માહિતી મુજબ ભાજપની વિધાનસભાની ટિકીટ મેળવવાની દાવેદારીને લઇને પૂર્વ મંત્રી અને પૂર્વ બ્લોક પ્રમુખ વચ્ચ વર્ચસ્વની જંગ છેડાઇ ગઇ હતી.

વિધાનસભા ક્ષેત્રમાં વિરોધીઓને પોતાની તાકાત બતાવવા માટે પૂર્વ મંત્રી અને હાલની ભાજપની ધારાસભ્ય રાની પક્ષાલિકા સિંહે પતિ અરિદમન સિંહ અને સમર્થકો સાથે એક મોટી રેલી પિનાહટથી કાઢી હતી, પરંતુ નંદગવા ચોક પાસે અરિદમન સિંહ અને સુગ્રીવ સિંહના સમર્થકો આમને સામને આવી ગયા હતા. પહેલાં બોલાચાલી થઇ અને વાત ગાળા ગાળી સુધી પહોંચતા બનેં નેતાઓના સમર્થકોએ કાબુ ગુમાવ્યો હતો અને પત્થરમારો શરૂ થયો હતો.

જાહેરમાં પત્થરમારો અને હિંસક અથડામણને કારણે બજારમાં ભાગદોડ મચી ગઇ હતી અને દુકાનોના શટરો ટપોટપ બંધ થઇ ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોચી ગયો હતો.

સ્થિતિને નિયંત્રણમાં લેતા પોલીસના નાકે દમ આવી ગયો હતો.એસપી સિટી વિકાસ કુમારે કહ્યું હતું કે આ ઘટનાની તપાસ હાથ ધરીને દોષીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.પોલીસે કહ્યું હતું કે ઘટનાની ગંભીરતા જાેતા સ્થળ પર મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે.

જાણવા મળેલી માહિતી મુજપ પૂર્વ મંત્રી અરિદમન અને પૂર્વ બ્લોક પ્રમુખ સુગ્રીવ સિંહ એક જમાનામાં એકબીજાની નજીક હતા. પંરતુ રાજકારણના દાવ પેચમાં બનેં દોસ્તમાંથી દુશ્મન બની ગયા છે.

અરિદમન સમાજવાદી પાર્ટીની સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે રહી ચૂક્યા છે. પરંતુ ભાજપ નેતાઓ સાથેની દોસ્તીને કારણે પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે તેમની હકાલપટ્ટી કરી હતી. એ પછી વર્ષ ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણી પહેલાં તત્કાલીન પ્રદેશ અઘ્યક્ષ કેશવ મોર્યની હાજરીમાં અરિદમને પત્ની પક્ષાલિકાની સાથે ભાજપનો ભગવો ધારણ કરી લીધો હતો.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.