Western Times News

Gujarati News

અમદાવાદ એરપોર્ટથી સરદારનગર સુધી બંને તરફ બે કી.મી.લાંબી દિવાલ બનાવાશે

અમદાવાદ, આગામી મહિને રાજયમાં વાઈબ્રન્ટ સમિટ આયોજીત કરવામાં આવનાર છે.અમદાવાદ એરપોર્ટથી સરદારનગર સુધી બંને તરફના અંદાજે બે કીલોમીટરના રસ્તા ઉપર પાકી દિવાલ બનાવવા મ્યુનિસિપલ તંત્ર તરફથી કાર્યવાહી આરંભી દેવામાં આવી છે.

તંત્ર તરફથી શરુ કરવામાં આવેલી કાર્યવાહીને પગલે અંદાજે ત્રણસો જેટલા દુકાનદારો તેમજ આસપાસના વિસ્તારમાં આવેલી સોસાયટીના રહીશોમાં રોષ જાેવા મળી રહ્યો છે.ગરીબીને ઢાંકવાના પ્રયાસ પાછળ ફરી એક વખત જંગી રકમનો ખર્ચ કરવામાં આવશે.

સરદારનગર વોર્ડમાં આવેલા અમદાવાદ એરપોર્ટથી સરદારનગર તરફ જવાના રસ્તે એસ.પી.ઓફિસથી ઈન્દિરા બ્રીજ તરફ જવાના મુખ્ય રસ્તા ઉપર બંને તરફ મોટી સંખ્યામાં દુકાન તેમજ રહેઠાણ આવેલા છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી તંત્રને ઉપરથી સુચના મળવાની સાથે જ બંને તરફ બે કીલોમીટર સુધીના રસ્તા ઉપર આઠ ફૂટ લાંબી પાકી દિવાલ બનાવવા માટે ખોદકામ શરુ કરવામાં આવ્યું છે.

તંત્ર તરફથી આરંભવામાં આવેલી કામગીરીના કારણે દિવાલ બનવાથી વાઈબ્રન્ટ સમિટ પુરી નહીં થાય ત્યાં સુધી તમામ પ્રકારની મુશ્કેલી પડવાની હોવાથી તંત્રની કામગીરી સામે રોષ જાેવા મળી રહ્યો છે.

આ વિસ્તારમાં ગરીબ મધ્યમ વર્ગના સામાન્ય પરિવારો વસવાટ કરી રહ્યા છે.જયારે પણ કોઈ આંતર રાષ્ટ્રીય મહાનુભવ આવવાના હોય છે એ સમયે સ્માર્ટ સિટીના વહીવટી તંત્ર દ્વારા શહેરની ગરીબી વિદેશી મહાનુભવોની નજરે ચઢી ના જાય એ માટે આ પ્રકારની કામગીરી કરવામાં આવતી હોવાની સ્થાનિકોમાંથી પ્રતિક્રીયા મળી છે.

વાઈબ્રન્ટ સમિટ અગાઉ આ વિસ્તારમાં બંને તરફ બે કીલોમીટર લાંબી દિવાલ બનવાથી આસપાસના વિસ્તારમાં આવેલી રહેણાંક સોસાયટીઓમાં આગ કે અકસ્માત જેવી દુર્ઘટના થશે તો એ સમયે એમબ્યુલન્સ કે ફાયર વિભાગના વાહનો પણ સાંકડી ગલીઓમાંથી પસાર થઈ નહીં શકે.આ કારણથી પણ સ્થાનિકોમાં તંત્ર સામે ખફગી જાેવા મળી રહી છે.

ફેબુ્રઆરી-૨૦૨૦માં અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણને માન આપી અમદાવાદ આવ્યા હતા.એ સમયે મોટેરા સ્ટેડીયમ ખાતે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

ટ્રમ્પના આગમન અગાઉ આ વિસ્તારમાં આવેલા સરણીયા વાસની ઝૂંપડપટ્ટીને ઢાંકવા માટે તંત્ર તરફથી ૫૦૦ મીટર લાંબી ચાર ફૂટની પાકી દિવાલ બનાવવામાં આવી હતી.એક તરફ મ્યુનિસિપલ તંત્ર શહેરના રોડ રીસરફેસ કરવા કોવિડ મહામારી બાદ પુરતુ બજેટ ના હોવાનો જવાબ આપે છે.

બીજી તરફ એરપોર્ટથી સરદારનગર સુધી બંને તરફના રસ્તા ઉપર બે કીલોમીટર લાંબી દિવાલ બનાવવા કાર્યવાહી શરુ કરાઈ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.