Western Times News

Gujarati News

ઇન્ડિયન એસોસિયેશન ઓફ ટુર ઓપરેટર્સ (IATO) નું 36મું સંમેલન 16 થી 19 ડિસેમ્બર સુધી યોજાશે

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઇન્ડિયન એસોસિયેશન ઓફ ટુર ઓપરેટર્સ (IATO) ના 36 મા સંમેલનનું આવતીકાલે ઉદ્દઘાટન કરશે

કોવિડ-19 પછી સૌથી વધુ અસરગ્રસ્ત પ્રવાસન ક્ષેત્રને રિકવરીના માર્ગે લઇ જઇને તેનો વિકાસ કરવામાં IATO નું આ સંમેલન મદદરૂપ બનશે: શ્રી હરિત શુક્લા, પ્રવાસન સચિવ, ગુજરાત સરકાર

ગુજરાતનો પ્રવાસન વિભાગ એક પ્રાઇવેટ સેક્ટરની જેમ રાજ્યમાં પ્રવાસનનો પ્રચાર-પ્રસાર કરે છે, જેનાથી આજે ગુજરાત પ્રવાસન ક્ષેત્રે ઉભર્યું છે: શ્રી રાજીવ મહેરા, નેશનલ પ્રેસિડેન્ટ, IATO

ગાંધીનગર, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઇન્ડિયન એસોસિયેશન ઓફ ટુર ઓપરેટર્સ (IATO) ના 36 મા સંમેલનનું આવતીકાલે ઉદ્દઘાટન કરશે.

આ અંગે માહિતી આપતાં IATOના નેશનલ પ્રેસિડેન્ટ શ્રી રાજીવ મહેરાએ જણાવ્યું કે IATOનું 36મું સંમેલન 29 સપ્ટેમ્બર, 2020ના રોજ આયોજિત થવાનું હતું, પરંતુ કોરોના મહામારીને કારણે તે શક્ય બન્યું નથી. એટલે આજે એક વર્ષ પછી આ 36મું સંમેલન ગુજરાતમાં ગાંધીનગર ખાતે આયોજિત થઈ રહ્યું છે.

શ્રી રાજીવ મહેરાએ વધુમાં જણાવ્યું કે, આ સંમેલન આયોજિત કરીને અમે દુનિયાને દર્શાવવા માંગીએ છીએ કે જો આટલું મોટું સંમેલન આ સમયમાં આયોજિત થઈ રહ્યું છે, એનો અર્થ છે કે ભારત પ્રવાસન માટે એકદમ સુરક્ષિત દેશ છે.

શ્રી મહેરાએ પ્રવાસન સચિવ શ્રી હરિત શુક્લા અને ગુજરાત પ્રવાસન નિગમના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી જેનુ દેવાનનો આભાર માન્યો અને કહ્યું કે આ સમગ્ર કાર્યક્રમના આયોજન માટે ગુજરાત સરકારના પ્રવાસન વિભાગનો ખૂબ સહકાર મળ્યો છે. ગુજરાતનો પ્રવાસન વિભાગ એક પ્રાઇવેટ સેક્ટરની જેમ કામ કરે છે અને ખૂબ જ સારી રીતે રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રનો પ્રચાર-પ્રસાર કરે છે. જે રીતે ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્ર વિકાસ કરી રહ્યું છે, તે માટે તેમણે પ્રવાસન વિભાગને  અભિનંદન પાઠવ્યા હતા.

ગુજરાત સરકારના પ્રવાસન વિભાગના સચિવ શ્રી હરિત શુક્લાએ જણાવ્યું કે, કોવિડ-19 મહામારીને કારણે તમામ ક્ષેત્રો પર ગંભીર અસરો થઈ છે અને પ્રવાસન ક્ષેત્ર પર તેની સૌથી વધુ અસરો થઈ હતી. પરંતુ, હવે સમગ્ર દેશમાં વ્યાપક રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે, અને ગુજરાત તેમાં ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યું છે અને હવે પરિસ્થિતિ સુધરી રહી છે. તેથી પ્રવાસન ક્ષેત્રને હવે રીકવરીના માર્ગે લઇ જવાની જરૂર છે. એટલે જ IATOના 36મા સંમેલનની થીમ પણ ‘રોડ ટુ રીકવરી’ રાખવામા આવી છે.

શ્રી શુક્લાએ કહ્યું કે IATOની આ ઇવેન્ટની યજમાની કરવાનો આનંદ છે. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોવિડ-19ની ગાઇડલાઇન્સનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવશે. તેમણે આ ઇવેન્ટ સફળ થાય તેવી IATOના અધિકારીઓને શુભેચ્છા પાઠવી હતી.

IATOના ઓફિશિયેટિંગ કન્વેન્શન ચેરમેન અને ઓનરરી સેક્રેટરી શ્રી રજનીશ કાયસ્થે જણાવ્યું કે, IATO સમગ્ર પ્રવાસન ઉદ્યોગને સાથે લઇને ચાલે છે. આ વખતના સંમેલનનો ઉદ્દેશ એ છે કે અમે દુનિયાને દર્શાવવા માંગીએ છીએ કે ભારત 130 કરોડ લોકોનું રસીકરણ કરી ચૂક્યું છે. નવા વેરિયાન્ટ્સ આવતા રહેશે, પરંતુ આપણે તેની સાથે જ હવે ચાલવાનું છે. ભારત એક સુરક્ષિત દેશ છે, આ સંદેશ વિશ્વને આપવાનો છે, જેથી પ્રવાસીઓ કોઈપણ જાતના ડર વગર ભારતની મુલાકાતે આવી શકે.

IATOના કો-ચેરમેન કન્વેન્શન અને ચેપ્ટર ચેરમેન શ્રી રણધીરસિંહ વાઘેલાએ કહ્યું કે, IATOના 36મા સંમેલનમાં ભારતભરમાંથી ટુર ઓપરેટર્સ હિસ્સો લેશે. ગુજરાતના ટુર ઓપરેટર્સ પણ આવશે. આમ, આ સંમેલન તેઓને B2B માર્કેટિંગ માટે પ્લેટફોર્મ પૂરું પાડશે. આ તમામ ટુર ઓપરેટર્સ 3 દિવસ એકબીજા સાથે ચર્ચા કરશે અને અન્ય રાજ્યોના પ્રવાસન વિશે પણ માહિતી મેળવશે.

IATOના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી રવિ ગોસેઇને જણાવ્યું કે, આ 3 દિવસીય સંમેલનનો એક સંપૂર્ણ રિપોર્ટ IATO દ્વારા તૈયાર કરવામાં આવશે અને ગુજરાત સરકારના પ્રવાસન વિભાગને તે રિપોર્ટ સબમિટ કરવામાં આવશે. રોડ ટુ રિકવરી પર 3 દિવસ મંથન કર્યા બાદ આ રિપોર્ટ બનાવવામાં આવશે. આ ઇવેન્ટથી ગુજરાત આવતા પ્રવાસીઓની સંખ્યામાં 7 થી 8 % વધારો થવાની શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે, ઇન્ડિયન એસોસિયેશન ઓફ ટુર ઓપરેટર્સ (IATO) દ્વારા તારીખ 16થી 19 ડિસેમ્બર દરમિયાન ગાંધીનગર ખાતે 36મું વાર્ષિક સંમેલન યોજાશે. આ સંમેલનનું થીમ ‘બ્રાન્ડ ઇન્ડિયા: રોડ ટુ રિકવરી’ છે.

આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ગુજરાત સરકારના પ્રવાસન મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદી, પ્રવાસન રાજ્ય મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણી, ભારત સરકારના પ્રવાસન સચિવ શ્રી અરવિંદ સિંઘ, ગુજરાતના પ્રવાસન સચિવ શ્રી હરિત શુક્લા તેમજ ગુજરાત પ્રવાસન નિગમના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી જેનુ દીવાન પણ ઉપસ્થિત રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.