સોશિયલ મીડિયામાં ફેલાઈ સેનામાં ભરતીની અફવા, હજારોની સંખ્યામાં યુવાનો નાસિક પહોંચ્યા
નાસિક, સોશિયલ મીડિયામાં સેનામાં ભરતીની અફવા ઉડ્યા બાદ મોટી સંખ્યામાં યુવકો નાસિક પહોંચ્યા હતા. આ કારણે નાસિક રેલવે સ્ટેશન પર ભારે ભીડ જામી ગઈ હતી. બોગસ મેસેજમાં લખ્યું હતું કે, ૧૬થી ૧૮ ડિસેમ્બરના રોજ નાસિક ખાતેની ટીએ બટાલિયનમાં ભરતી કરવામાં આવશે.
શહેરના એક ચોક પર પણ આ મેસેજ લખવામાં આવ્યો હતો. તેને જાેઈને મોટી સંખ્યામાં બેરોજગાર યુવાનો નાસિકના દેવલાલી પહોંચી ગયા હતા. ત્યાં પહોંચ્યા બાદ તેમને ખબર પડી હતી કે, સેનામાં ભરતીની વાત માત્ર અફવા હતી. કોઈએ ખોટો મેસેજ ફેલાવ્યો છે. હાલ સેના તરફથી કોઈ ભરતી નથી થઈ રહી. જાણવા મળ્યા મુજબ ત્યાં પહોંચેલા યુવાનો ઘણે દૂરથી આવ્યા હતા.
નાસિક રોડ પોલીસ સ્ટેશનના ઈન્સપેક્ટરે આ અંગે જણાવ્યું કે, બહારથી આવેલા લોકો દ્વારા જાણવા મળ્યું કે, ૧૬-૧૮ ડિસેમ્બર દરમિયાન સેનાની ટીએ બટાલિયનમાં ભરતી છે. કોઈએ સોશિયલ મીડિયામાં અફવા ફેલાવી છે. નાસિક પહોંચેલા યુવાનોને જ્યારે એવી ખબર પડી કે, સેનામાં ભરતીની વાત સંપૂર્ણપણે ખોટી છે તો તેઓ ખૂબ નિરાશ થયા હતા.
પોલીસ હાલ આ બોગસ મેસેજ ફેલાવનારાને શોધવા માટે તપાસ કરી રહી છે. આ મેસેજ મરાઠીમાં લખેલો હતો. પોલીસે યુવાનોને ભ્રામક અને બોગસ મેસેજ પર વિશ્વાસ ન કરવા અપીલ કરી હતી. પોલીસે જ યુવાનોને સેનાના દેવલાલી કેમ્પ ક્ષેત્રના કોઈ પણ વિભાગમાં ભરતી પ્રક્રિયા નથી થઈ રહી તેવી જાણકારી આપી હતી.
પોલીસે તમામ યુવકોને સાચી માહિતી આપીને ઘરે મોકલી દીધા છે. યુવાનોના કહેવા પ્રમાણે ત્યાં પહોંચ્યા બાદ તેઓ ખૂબ નિરાશ થયા હતા. એમ લાગતું હતું કે, સેનામાં ભરતી થયા બાદ તેમની બેરોજગારી દૂર થશે પરંતુ બોગસ મેસેજના કારણે તમામ આશાઓ પર પાણી ફરી વળ્યું.HS