Western Times News

Gujarati News

થોડુ તો વિચારો…! નાનકડી ભૂલનો અર્થ એવો નથી કે જીવનભરનો સંગાથ છોડી દો

અરે યાર તને ખબર નથી પડતી કે હું કોલેજમાં ક્યારથી વહેલી આવી જઈને તારી રાહ જોઉં છું અને તું તો હજી ઘરે જ છે તેમ મોબાઇલ પર જીલ મીત સાથે વાત કરી રહી છે ત્યારે મીત કોલેજ પહોંચી જાય છે. મીતને જોતાની સાથે જીલ વરસી પડે છે ત્યારે મીત કહે છે કે થોડી શાંત થા હું ઘરના કામમાં થોડો અટવાઈ ગયો હતો. તારી દોસ્ત તારી રાહ જોઈ રહી હતી એની તને કોઈ પરવા નથી તેમ જીલે કહ્યું ત્યારે મીતે જણાવ્યું કે દોસ્તની પરવા છે એટલે તો ફટાફટ કોલેજ આવી ગયો છું. હા તો તે કોલેજ આવીને બહુ મોટો ઉપકાર કર્યો છે, ચાલ હવે નાસ્તો કરાવ તેમ કહી જીલ મિતનો હાથ પકડી કેન્ટીન તરફ લઈ જાય છે. કેન્ટીનમાં નાસ્તો કરતાં જીલ મિતને કહે છે કે આજે મારે તને એક વાત કહેવાની છે. નીલે કહ્યું કે એક નહીં બે વાત કરજે. આ સાંભળીને જીલ ખડખડાટ હસવા લાગે છે ત્યારે નીલ કહે છે કે હસવાનું બંધ કર અને તારે જે કહેવું હોય તે કહી દે. ના અત્યારે નહીં ફરી ક્યારેક કહી તેમ કહીને જીલ કાંઇ બોલતી નથી. તો બીજી બાજુ રીમા નામની યુવતી મીત ને ભરપૂર પ્રેમ કરી રહી છે અને તે મીતને પ્રપોઝ કરે છે ત્યારે મીત કહે છે કે હું તારા પ્રેમની કદર કરું છું પરંતુ હું જીલને પ્રેમ કરી રહ્યો છું. આ સાંભળીને રીમા ઉદાસ થાય છે અને કહે છે કે તું અને જીલ ખુશ રહેજો. મીતની ખુશી માટે રીમા પ્રેમના રસ્તા પરથી હટી જાય છે. પરંતુ મીતના મનમાં સતત એ રમ્યા કરે છે કે રીમા તેને ભરપૂર પ્રેમ કરી રહી છે. મીત આ વાતની જાણ તેના મિત્ર અશ્વિનને કરે છે ત્યારે અશ્વિનની સલાહ મુજબ મીત જીલને પ્રપોઝ કરવાનું નક્કી કરે છે. કોલેજ કેન્ટીનમાં મીત જીલને બોલાવે છે અને નાસ્તો કરવાની સાથે પ્રેમની વાતો કરવાની શરૂ કરે છે. મીત જીલને કહે છે કે આજે તારે મને એક સલાહ આપવાની છે કે મારે શું કરવું જોઈ? જીલે કહ્યું કે કેવી સલાહ? કોલેજની એક યુવતીએ મને પ્રપોઝ કર્યું છે તો મારે શું કરવું જોઈએ તેમ મિતે પૂછ્યું. તારે સ્પષ્ટ શબ્દોમાં તેને ના પાડી દેવી જોઈએ તેમ જીલે કહ્યું ત્યારે મીતે ફરી પૂછ્યું કે તો મારે કેવી યુવતીને હા પાડવી જોઈએ. તરત જ હસીને જીલે કહ્યું કે મારા જેવી. આ તકનો લાભ ઝડપી મિતે કહ્યું કે શું તું મને પ્રેમ કરે છે? આ સાંભળીને જીલ કાંઈ બોલતો નથી પરંતુ મંદ મંદ હસવા લાગે છે ત્યારે મિતે ફરી પૂછ્યું કે તું મને આ રીતે કન્ફ્યૂઝ ન કરીશ. હા હું તને પ્રેમ કરૂં છું તેમ જીલે કહેતાની સાથે મીત ખૂબ ખુશ થઈ જાય છે. જીલ અને મિતે પ્રેમનો એકરાર કર્યો હોવાની વાતની રીમાને જાણ થતાં તે કોલેજનો અભ્યાસ છોડી દે છે અને પરીવારની મરજી મુજબ લગ્ન કરી લે છે. તેમ છતાં ક્યારેક મીતને ભુલતી નથી, ક્યારેક મીત સાથે વાત કરી લે છે અને મીત પણ રીમાને પૂરું સન્માન આપી રહ્યો છે.

આખી કોલેજમાં વાયુવેગે વાત પ્રસરી જાય છે કે મિત અને જીલ એકબીજાને પ્રેમ કરી રહ્યા છે. થોડા દિવસોમાં જ કાલેજમાંથી વાત બહાર નીકળી જીલ પરિવાર સુધી આ વાત પહોંચી જાય છે. જીલ જ્યારે ઘરે પહોંચે છે ત્યારે તેના પિતાજી સવાલ કરે છે કે તું આટલી મોડી ક્યાંથી આવી? જીલ પિતાના હાવભાવ પરથી સમજી જાય છે કે આજે પિતાને ખબર પડી ગઈ લાગે છે અને જીલ ચતુરાઇથી જવાબ આપે છે કે હું મારા મિત્ર મિતના ઘરે કામથી ગઈ હતી. આ એ જ મિત છે ને કે જે તારી જિંદગી બગાડી રહ્યો છે તેમ પિતાજીએ કહ્યું ત્યારે જીલે કહ્યું કે પિતાજી તમે મને કંઈ પણ કહી શકો છો પરંતુ મીતને તમે ખરાબ ન કહેશો.

પિતા અને પુત્રી વચ્ચે ઉગ્ર સંવાદ ચાલી રહ્યો હોય છે ત્યારે માતા બન્નેને શાંત કરે છે અને જીલને કહે છે કે જો તું કોઈને પ્રેમ કરે છે તો તારે અમને કહેવું જોઈએ ને. હું આપને કહેવાની જ હતી પરંતુ આપને થોડી વહેલા ખબર પડી ગઈ તેમ જીલે નમ્રતાથી કહ્યું. પિતાનો ગુસ્સો શાંત થઈ જાય છે અને તે પ્રેમથી મને પૂછે છે કે શું તું મીત સાથે લગ્ન કરવા માગે છે. હા હું મીતની જીવનસાથી બનવા માગું છું તેમ જીલે કહ્યું. તારી ખુશીઓમાં અમારી ખુશી છે એમ માતા-પિતાએ કહેતાની સાથે જીલ ખુશ થઇ જાય છે. જીલ તેના માતા-પિતા સાથે મિતના ઘરે આવે છે અને બંને પરિવારો વચ્ચે સંબંધની વાતચીત થાય છે. બંને પરિવારોને રાજીખુશીથી જીલ અને મિતના લગ્ન કરવામાં આવે છે.

લગ્નના તમામ કામકાજની જવાબદારી મિત્ર અશ્વિન દ્વારા ઉઠાવવામાં આવી. લગ્ન બાદ જીલ મીતને ભરપુર પ્રેમ આપવાની સાથે વ્યવસાયમાં મદદરૂપ બની રહી છે અને પારિવારિક જવાબદારી નિભાવી રહી છે. લગ્નજીવનના પાંચ વર્ષ પછી લગ્નની વર્ષગાંઠ પર સાંજના સમયે બન્ને પ્રેમથી વાતચીત કરી રહ્યા હોય છે ત્યારે મીત પર ફોન આવવાથી બાઈક લઈને ઘરેથી નીકળી જાય છે. કંઈ પણ કહ્યા વગર મીત જતો રહેતા જીલ તેનો પીછો કરે છે. મીત ફટાફટ હોસ્પિટલના દાદરા ચઢી રહ્યો છે. રૂમનો દરવાજો ખુલે છે અને રડતી રડતી રીમા રૂમમાંથી બહાર આવે છે. મીતને જોતાની સાથે રીમા પાગલની જેમ દોડે છે અને મીતના ખભા પર માથું મૂકીને ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગે છે.

આ દ્રશ્ય જોઈ જીલ રીમા અને મીત પ્રેમ કરી રહ્યા હોવાનું વિચારીને ત્યાંથી સીધી પિતાના ઘરે પહોંચી જાય છે. જીલ પિતાને બધી વાત કરે છે અને અને છુટાછેડા લેવાનું નક્કી કરે છે. ઘરે આવ્યા પછી મીત ચારેબાજુ જીલની શોધખોળ કરે છે અને જીલને વારંવાર ફોન કરવા છતાં પણ તે ફોન ઉપાડતી નથી. થોડીવારમાં જ જીલના પિતાના ફોન આવે છે અને સ્પષ્ટ શબ્દોમાં કહી દેવામાં આવે છે કે હવે જીલને કાયમ માટે ભૂલી જાજો. આ સાંભળીને મીત કાંઈ સમજી શકતો નથી અને અશ્વિનને ફોન કરી તેના ઘરે બોલાવે છે. અશ્વિન સાથે પોતાની બધી વાત કરે છે ત્યારે અશ્વિન કહે છે કે નક્કી આમાં કાંઈ ખોટુ રંધાઈ રહ્યું છે. ફરીથી જિલના પિતાનો ફોન આવે છે ત્યારે અશ્વિન ફોન ઉપાડે છે.

તેને સ્પષ્ટ કહી દેવામાં આવે છે કે સોમવારે કોર્ટમાં આવી જજો અને છુટા છેડાના દસ્તાવેજ પર તમારા મિત્રને સાથે લાવી હસ્તાક્ષર કરી જોજો. અશ્વિન મીતને લઇને જીલના ઘરે પહોચે છે અને કહે છે કે થોડુ તો વિચારો…! નાનકડી ભુલનો અર્થ એવો નથી કે જીવનભરનો સંગાથ છોડી દો. જીલ તે ફક્ત રીમાને રડતી જોઇ છે અને તને ખબર નથી કે રીમાના પુત્રનું મૃત્યુ થઇ ગયુ હોવાથી મીત તેને સાંત્વના આપી રહ્યો હતો. આ સાંભળીને જીલને પસ્તાવો થાય છે અને તે મીતની માફી માંગવા લાગે છે ત્યારે મીત કહે છે કે તારે માફી માંગવાની કાંઇ જરૂર નથી અને મારી પણ એ ભુલ થઇ કે હું તને કહ્યા વગર જતો રહ્યો. અશ્વિને કહ્યુ કે જે થયુ તે થયુ હવે બધુ ભુલીને ફરીથી પ્રેમ કરવા લાગો ત્યારે જીલ અને મીત ફરી ભેટી પડે છે અને લગ્નજીવન તુટતુ બચી જાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.