Western Times News

Gujarati News

ઓમિક્રોન ઝડપથી ફેલાય છે, ફેફસા પર ઓછી અસર કરે છે

નવી દિલ્હી, બ્રિટન સહિત યુરોપના ઘણા દેશોમાં કોરોનાની ચિંતાજનક ગતિ અને તાજેતરના એક અભ્યાસના પરિણામ ખરેખર મનમાં ભય ઉત્પન્ન કરનારા છે. હકીકતમાં, આ જ અઠવાડિયામાં હોંગકોંગ યુનિવર્સિટીના મેડિસિન ફેકલ્ટીના સંશોધકો દ્વારા એક અભ્યાસ પ્રકાશિત કરવામાં આવ્યો છે.

તેમાં બહાર આવ્યું છે કે ઓમિક્રોન ડેલ્ટા વેરિઅન્ટ કરતાં ૭૦ ગણી ઝડપથી ફેલાવાની ક્ષમતા ધરાવે છે. જાેકે, આ જ અભ્યાસમાં આશાનું કિરણ પણ દેખાઈ રહ્યું છે. તે એ છે કે હોંગકોંગ યુનિવર્સિટીના અભ્યાસ મુજબ ઓમિક્રોન જેટલી ઝડપથી ફેલાય છે તેની સામે ફેફસાં પર બહુ ઓછી અસર કરે છે. ડૉ. માઇકલ ચાન ચી-વાઇ અને સંશોધકોની ટીમે શોધી કાઢ્યું કે ઓમિક્રોન વેરિઅન્ટ સંક્રમણના ૨૪ કલાક પછી આપણી શ્વાસનળીમાં તેની સંખ્યા ખૂબ જ ઝડપથી વધે છે. શ્વાસનળી ફેફસાં સાથે જાેડાય છે અને આ માર્ગ દ્વારા આપણે લીધેલી હવા અંદર જાય છે અને આપણા ફેફસામાં આવે છે.

અભ્યાસમાં એ પણ સામે આવ્યું છે કે ઓમિક્રોન ફેફસાની પેશીઓ એટલે કે તંતુઓમાં કોરોના વાયરસના મૂળ પ્રકાર કરતાં ૧૦ ગણી ઓછી ઝડપથી વૃદ્ધી કરે છે. સરળ શબ્દોમાં કહીએ તો, ઓમિક્રોન ફેફસાંને કોરોનાના મૂળ પ્રકાર કરતાં ૧૦ ગણી ઓછી અસર કરે છે. આ એ વાતનો સંકેત છે કે નવા વેરિઅન્ટનો ચેપ ઓછો ગંભીર રહેશે, ફેફસાંને બહુ ઓછું નુકસાન થશે. એટલે કે આના કારણે દર્દીની સ્થિતિ વધુ ખરાબ થવાની કે મૃત્યુ થવાની શક્યતા બહુ ઓછી છે.

હોંગકોંગ યુનિવર્સિટીના સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના એસોસિયેટ પ્રોફેસર ડૉ. ચાનએ એક નિવેદન જારી કરીને ચેતવણી આપી હતી કે રોગની ગંભીરતા ફક્ત વાયરસના રિપ્લિકેશન એટલે કે પોતાની નકલ તૈયાર કરવાની ક્ષમતા દ્વારા જ નક્કી કરવામાં આવતી નથી. ચેપગ્રસ્ત વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ તેની સામે કેવી પ્રતિક્રિયા આપે છે તે પણ ઘણું મહત્વનું છે.

ઓમિક્રોન ઓછો ઘાતક દેખાઈ શકે છે, પરંતુ તેના અત્યંત ચેપી સ્વભાવને કારણે જાેખમ વધી જાય છે. આને કારણે આ પ્રકાર રસી દ્વારા બનાવવામાં આવેલ રોગપ્રતિકારક શક્તિ અથવા પહેલા થયેલા સંક્રમણથી ઉદ્ભવેલી રોગપ્રતિકારક શક્તિને પણ ભેદી શકે છે અને આગળ જતા તે જીવલેણ બની શકે છે.

મુંબઈના અંધેરીની સેવન હિલ્સ હોસ્પિટલમાં ઓમિક્રોન સંક્રમિતોને સારવાર આપવામાં આવી રહી છે. હોસ્પિટલના ડોકટરોએ કહ્યું કે એચઆરસીટી સ્કેન દર્શાવે છે કે ઓમિક્રોનનો ચેપ ફેફસાંને અસર કરી રહ્યો નથી. તમામ દર્દીઓના એચઆરસીટી સ્કેનમાં આ વાત બહાર આવી છે. મહારાષ્ટ્રમાં કુલ ૩૨ કેસમાંથી ૨૫ એટલે કે ૭૮ ટકા કેસમાં દર્દીઓએ રસીના બંને ડોઝ લીધા હતા. જે બે દર્દીને રસીનો એક પણ ડોઝ મળ્યો ન હતો તેઓમાં પણ કોઈ ગંભીર લક્ષણો જાેવા મળ્યા ન હતા.

ભારતમાં ઓમિક્રોન ચેપના કેસ ૧૦૦ને વટાવી ગયા છે, પરંતુ સૌથી વધુ રાહત આપનારી બાબત એ છે કે તે દુઃખાવા અને તાવની સામાન્ય દવાઓથી પણ રિકવર થઈ રહ્યા છે. લક્ષણોવાળા દર્દીઓમાં જાેવા મળતા સૌથી સામાન્ય લક્ષણો ગળામાં ખંજવાળ, શરીરમાં દુખાવો, હળવો તાવ છે. રાહતની વાત એ છે કે લક્ષણોવાળા દર્દીઓ પીડા અને તાવની પ્રાથમિક દવાઓથી સાજા થઈ રહ્યા છે. તેમજ એસિમ્પ્ટોમેટિક દર્દીઓ એટલે કે લક્ષણો વિનાના દર્દીઓને મલ્ટીવિટામિન્સની ગોળીઓ આપવામાં આવે છે.

ઓમિક્રોન વિશે ગભરાવાની બિલકુલ જરૂર નથી. જાેકે કોરોનાથી બચવા માટે જરૂરી તમામ સાવચેતીઓનું પાલન કરવાની જરૂર છે. આમાં હાથની સ્વચ્છતા, યોગ્ય રીતે માસ્ક પહેરવું અને ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું, સામાજિક અંતર રાખવું, બિનજરૂરી મુસાફરી ટાળવી જેવી સાવચેતીઓનો સમાવેશ થાય છે. દેશમાં હજુ સુધી બાળકો માટે કોરોના રસીકરણ શરૂ થયું નથી. આશા છે કે ટૂંક સમયમાં તે પણ શરૂ થઈ જશે.

જાે તમે પુખ્ત વયના છો અને હજુ સુધી કોરોનાની રસી નથી લીધી, તો બને તેટલી વહેલી તકે લઈ લેવી જાેઈએ. દરેક અભ્યાસ અને સંશોધનમાં એ વાત સામે આવી રહી છે કે જે લોકોને રસી અપાઈ છે તેમને ઈન્ફેક્શન હોય તો પણ તેમની સ્થિતિ ગંભીર નથી બની. રસી લેવાથી હોસ્પિટલમાં દાખલ થવા અથવા મૃત્યુના જાેખમને મોટા પ્રમાણમાં ઘટાડે છે. અને જાે તમે રસીના બંને ડોઝ લીધા હોય તો પણ, માસ્ક પહેરવા સહિત તમામ જરૂરી સાવચેતીઓનું પાલન કરો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.