Western Times News

Gujarati News

૩૩ બાળ વૈજ્ઞાનિકો રાજ્યનું નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ ખાતે પ્રતિનિધિત્વ કરશે

રાજ્ય કક્ષાની ત્રિદિવસીય “બાળ વિજ્ઞાન કોંગ્રેસ ૨૦૨૧” નો સાયન્સ સિટી ખાતે થી પ્રારંભ કરાવતા શિક્ષણ મંત્રી

બાળકોની સર્જનાત્મકતા પર ધ્યાન કેન્દ્રિત કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાયન્સ સીટી દ્વારા બખૂબી પરિપૂર્ણ કરવામાં આવી રહ્યું છે:-શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સ્ટેમ ક્વિઝ (STEM QUIZ) નો પણ પ્રારંભ

શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી દ્વારા  રાજ્ય કક્ષાના ૨૯ માં રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસ નો સાયન્સ સિટી ખાતે થી  શુભારંભ કરવામાં આવ્યો છે.

મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીએ આ પ્રસંગે રાજ્યવ્યાપી STEM ક્વીઝનો બાળ વૈજ્ઞાનિકો માટે શુભારંભ કરાવ્યો હતો. STEM એટલે કે સાયન્સ-ટેક્નોલોજી- એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ ના સમન્વયને મંત્રીશ્રીએ શિક્ષણ રમત-ગમત અને સ્પર્ધાનો ત્રિવેણી સંગમ ગણાવી આ ફક્ત ક્વિઝ પૂરતી સીમિત ન રહી બાળકોના જીવન ઘડતરનું પગથિયું બને તેવો ભાવ તેમણે વ્યક્ત કર્યો હતો.

આ પ્રકારની આંતરરાષ્ટ્રીય કક્ષાની ક્વિઝનું આયોજન કરનાર ગુજરાત દેશમાં પ્રથમ રાજ્ય હોવાનું જણાવી ક્વિઝમાં રાજ્યના વધુમાં વધુ વિદ્યાર્થીઓને જોડાવવા અનુરોધ કર્યો હતો.

મંત્રીશ્રી જીતુભાઇ વાધાણીએ આ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ અમદાવાદની સાયન્સ સીટી નો ઉત્તરોત્તર વિકાસ થઈ રહ્યો છે તેમ જણાવી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સાયન્સ સીટી 2.0 ના કાર્યક્રમમાં બાળકોની સર્જનાત્મકતા પર ધ્યાન કેન્દ્રિત કરવા કરેલા અનુરોધને  સાયન્સસીટી દ્વારા સફળ દિશામાં સુંદર આયોજન થકી પરિપૂર્ણ કરવામાં આવી રહ્યું હોવાનું જણાવ્યું હતું.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહ ના સતત માર્ગદર્શનથી તેમના મત વિસ્તારમાં આવેલી સાયન્સ સીટી વિશ્વ સ્તરીય નજરાણું બન્યું છે તેમ પણ મંત્રી શ્રી એ જણાવ્યું હતુ.

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના સહકાર હેઠળ રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ ૬ થી ઉપર ના વિદ્યાર્થીઓ માટે પણ તેમના નવોન્મેષ વિચારો અને પ્રયોગોને નવી દિશા આપવા સ્ટાર્ટઅપ  પોલીસી હેઠળ પ્રોત્સાહન પૂરું પાડવાનો નિર્ણય રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે.

રાજ્ય કક્ષાની રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન સાયન્સ કોંગ્રેસમાં ૩૩ જિલ્લાઓ માંથી વિવિધ સ્પર્ધાઓમા શ્રેષ્ઠ પ્રદર્શન કરીને કરીને આવેલા વિદ્યાર્થીઓને મંત્રીશ્રીએ શુભેચ્છા પાઠવી હતી. આ વિદ્યાર્થીઓમાંથી 33 વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય સ્તરે રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે તે માટે પણ મંત્રીશ્રીએ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

માતાના ગર્ભમાં પણ વિજ્ઞાન સમાયેલું છે તેનો ઉલ્લેખ કરી જન્મ સાથે જ વિજ્ઞાન જોડાયેલુ હોવાનું જણાવી બાળક અને વિજ્ઞાનને ક્યારે છૂટું પાડી શકાતુ નથી તેમ મંત્રીશ્રીએ કહ્યું હતું.

આસપાસની દુનિયામાં થતી વિવિધ ગતિવિધિઓને સમજીને અવનવા પ્રયોગો કરી વિજ્ઞાનના સમન્વયથી બાળકો પોતાની જિજ્ઞાસાને ઉજાગર કરે છે. આ જિજ્ઞાસાને એક માધ્યમ પૂરું પાડવાનું કાર્ય આજના કાર્યક્રમે કર્યું છે.

બાળકોના સંશોધન અને વૈજ્ઞાનિક અભિગમ વિશ્વને નવીનીકરણની ભેટ આપે છે. રાજ્યનું સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ બાળકોના વિજ્ઞાન ક્ષેત્ર ની જિજ્ઞાસા વધારવા અને તેમના નવોન્મેષ વિચારોને ગતિ આપવા માટે શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યું હોવાનું મંત્રીશ્રીએ કહ્યું હતું.

રાજ્યની સરકારી શાળાઓમાં પણ વિજ્ઞાન ક્ષેત્રે જિજ્ઞાસા વૃત્તિ ધરાવતા બાળકોની સંખ્યા વદી છે તેમ જણાવી હવે સરકારી સ્કૂલના બાળકો અનેકવિધ ક્ષેત્રમાં પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન થકી અગ્રિમ ક્રમાંક પ્રાપ્ત કરી રહ્યા છે તેમ ઉમેર્યુ હતું.

શિક્ષણ મંત્રીએ આ કાર્યક્રમમાં રાજકોટ,ભાવનગર, પાટણ અને ભુજમાં આવનારા સમયમાં ૮૦ થી ૧૦૦ કરોડના ખર્ચે સાયન્સ મ્યુઝિયમ આકાર પામી રહ્યા હોવાનું જણાવી આ મ્યુઝિયમ (વિજ્ઞાન કેન્દ્રો) મનોરંજનની સાથે બાળકોની વિજ્ઞાન ક્ષેત્રની જિજ્ઞાસા માં વધારો કરશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના સચિવ શ્રી વિજય નેહરાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, રાજ્યના જીલ્લા સ્તરીય વિજ્ઞાન કેન્દ્રો બાળકોની જિજ્ઞાસાને સકારાત્મક દિશા આપવાનું શ્રેષ્ઠ કામ કરી રહ્યા છે.

તેમણે આજે રાજ્યભરમાં શરૂ કરાયેલ STEM ક્વિઝને વિશ્વસ્તરીય ગણાવી આ નવતર પહેલ આવનારા સમયમાં બાળ વૈજ્ઞાનિકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે તેવો મત વ્યક્ત કર્યો હતો.

અગાઉ સંશોધન પર વિકાસ નિર્ભર હતું, આજે ઉદ્યોગ સાહસિકતા વિકાસ નિર્ભર છે પરંતુ ભવિષ્ય જ્ઞાન આધારિત સમાજ પર નિર્ભર રહેશે તeવો વિશ્વાસ સાથે તેઓએ જ્ઞાનના પાયામાં વિજ્ઞાન સમાયેલું હોવાનું કહ્યું હતું.

રાજ્યના શિક્ષણ વિભાગના એકમ GUJCOST દ્વારા રાજ્યની વિજ્ઞાનની વિવિધ ગતિવિધિઓ નો શ્રેષ્ઠ રીતે આયોજન આયોજનબદ્ધ રીતે પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યું હોવાનું જણાવ્યું હતું.

આજના કાર્યક્રમમાં વિજ્ઞાન અને ઔદ્યોગિક વિભાગના અધિક સચિવ શ્રીમતી ગાર્ગી જૈન કોસ્ટના શ્રી નરોત્તમ સાહુ, જિલ્લા કોર્ડિનેટર અને બાળ વિજ્ઞાનીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.