ઓમિક્રોનના સામના માટે રાજ્ય સજ્જ, ટેસ્ટિંગ વધારાયું
ગાંધીનગર, ગાંધીનગરમાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદઘાટન વડાપ્રધાનના હસ્તે થવાનું છે. ૨૦ દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે સામેલ થયાં છે. આ સમિટમાં દેશ-દુનિયાના સેંકડો-હજારો રોકાણકારો, રાજદ્વારીઓ, નેતાઓ, અગ્રણીઓ હાજર રહેવાના છે ત્યારે વિશ્વમાં ઓમિક્રોન વેરિઅન્ટ હાહાકાર મચાવી રહ્યો છે.
ગુજરાતમાં પણ રોજેરોજ ઓમિક્રોનના પણ કેસો નોંધાઈ રહ્યાં છે. આવી પરિસ્થિતિમાં ગુજરાત સરકારે વાઇબ્રન્ટ સમિટ પર રોક લગાવવાને બદલે અગાઉની જેમ જ ગુજરાતના નાગરિકોને સુરક્ષિત કરવા રાજ્યનું આરોગ્ય તંત્ર સંપૂર્ણ સુસજ્જ છે એવા સંદર્ભના ગાણા ગાવાની શરૂઆત કરી દીધી છે.
આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે પત્રકારોને જણાવ્યું હતું કે, આ માટે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર ગુજરાતમાં સંપૂર્ણ તૈયારીઓ કરી દેવાઈ છે. રાજ્યમાં પૂરતા પ્રમાણમાં દવાઓનો જથ્થો, બેડ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. નાગરિકોએ સહેજ પણ ગભરાવાની જરૂર નથી. માત્રને માત્ર સતર્ક રહી કોવિડના પ્રોટોકોલનું પાલન કરવું આવશ્યક છે.
તેમણે કહ્યું હતું કે, ઓમિક્રોન વેરિઅન્ટ સંદર્ભે ડબલ્યુએચઓઅને કેન્દ્ર સરકાર દ્વારા ૧લી ડિસેમ્બર-૨૦૨૨થી આંતરરાષ્ટ્રીય યાત્રિકોના ટેસ્ટિંગ માટે ગાઈડલાઈન જાહેર કરાઈ છે. તે મુજબ, રાજ્યમાં અમદાવાદ તથા સુરત એરપોર્ટ ખાતે યાત્રિકોનું સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે.
જેમાં એટ રિસ્ક અને નોન એટ રિસ્ક દેશના મળીને કુલ ૩૧,૦૦૦ હજારથી વધુ યાત્રિકોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે તે પૈકી એટ રિસ્ક દેશના ૩,૫૦૦ જેટલાં યાત્રિકોના આરટીપીસીઆરટેસ્ટ કરવામાં આવ્યા છે. કોરોના પોઝિટિવ દર્દીઓને હોમ ક્વોરેન્ટાઈનમાં રાખીને સારવાર આપવામાં આવી રહી છે.
નોન પોઝિટિવ તમામ યાત્રિકોને હોમ આઈસોલેશનમાં રાખીને તમામનું આરોગ્ય વિભાગ દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આવા યાત્રિકોના દર ત્રીજા અને પાંચમાં દિવસે સેમ્પલ લઈને ચકાસણી કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત સંક્રમણ વધે નહીં તે માટે રાજ્યભરમાં સર્વેલન્સની કામગીરી પણ ચાલી રહી છે. રાજ્યમાં કોવિડ-૧૯ અને ઓમિક્રોન સંદર્ભે ટેસ્ટિંગની સુવિધાઓ વધારીને દરરોજના ૭૦થી ૭૫ હજાર ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યાં છે અને આગામી સમયમાં આ ટેસ્ટિંગની ક્ષમતા જરૂરિયાત મુજબ વધારવાનું આયોજન છે.
તેમણે કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરી દેવાઈ છે. રાજ્યમાં જાે કેસોની સંખ્યા વધે તો તેને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે સંપૂર્ણ વ્યવસ્થાઓ ગોઠવી છે. રાજ્યમાં પૂરતા પ્રમાણમાં દવાઓનો જથ્થો, ઓક્સિજન બેડ-વેન્ટીલેટરની સુવિધાઓ ઉપલબ્ધ છે. આરોગ્ય કર્મીઓને પણ તાલીમબદ્ધ પણ કરી દેવાયા છે. HS