Western Times News

Gujarati News

‘એકલવ્ય’ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે રૂ.૧૩.૬૩ કરોડના વિકાસકામોની ભેટ

(ડાંગ માહિતી બ્યૂરો)  આહવા, સુશિક્ષિત અને સંસ્કારી સમાજ નિર્માણ માટે શિક્ષકો અને વાલીઓએ પણ સજાગતા સાથે બાળકોના સંસ્કાર ઘડતર, અને ઉછેર ઉપર લક્ષ કેન્દ્રિત કરવુ પડશે, તેમ આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઇ પટેલે ડાંગના મહાલ ગામે જણાવ્યુ હતુ.

રાજ્યના આદિજાતિના બાળકો પણ અન્ય સુધરેલા સમાજના બાળકોની હરોડમા શૈક્ષણિક કારકિર્દી ઘડી શકે તે માટે રાજ્ય સરકાર માતબર ખર્ચ કરી રહી છે, તેમ જણાવતા મંત્રીએ મહાલ ગામે રૂ.૧૩.૬૩ કરોડ જેવી માતબર રકમના ખર્ચે એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલના સ્ટાફ ક્વાટર્સ, હોસ્ટેલ બિલ્ડિંગ, અને ભોજનાલયના બાંધકામનુ ભૂમિપૂજન કર્યું હતુ.

રાજ્ય સરકાર દ્વારા ‘એકલવ્ય’ના પ્રત્યેક  વિદ્યાર્થી દીઠ જ્યારે રૂ.૧ લાખ ૯ હજારનો વાર્ષિક નિભાવ ખર્ચ ઉઠાવવામા આવતો હોય ત્યારે, બાળકો અને તેમના વાલીઓ પણ બાળકોની શૈક્ષણિક કારકિર્દી બાબતે જાગૃતિ કેળવે તે જરૂરી છે તેમ જણાવ્યુ હતુ.

શિક્ષણની ગુણવત્તા સાથે છાત્રાલયની સુવિધા, અને ભોજન જેવી બાબતે કોઈપણ બાંધછોડ ચલાવી નહી લેવાય તેમ સ્પષ્ટપણે જણાવતા મંત્રીએ, રાજ્ય સરકારની સુશાસનની વિભાવના સ્પષ્ટ કરતા ‘એકલવ્ય’ના વિધ્યાર્થીઓને ભવિષ્યના ઉચ્ચ શૈક્ષણિક કારકિર્દી ઘડતરના વડીલતુલ્ય આશીર્વાદ પણ પાઠવ્યા હતા.

કાર્યક્રમમા ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ મંગળભાઈ ગાવિત, ધારાસભ્ય વિજયભાઇ પટેલ, ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટીના ડિરેકટર અર્જુનભાઈ ચૌધરી, કલેક્ટર ભાવિન પંડ્યા, પ્રાયોજના વહીવટદાર કે.જે.ભગોરા, કાર્યપાલક નિયામક જી.એસ.પરમાર, તકેદારી અધિકારી આર.જે.કનુજા, સુબિરના મામલતદાર સુ પ્રિયંકા પટેલ સહિતના પ્રશાસનિક અધિકારીઓએ ઉપસ્થિત રહી તેમની ભૂમિકા નિભાવી હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.