Western Times News

Gujarati News

માર્ગ અને મકાન મંત્રીના હસ્તે જિલ્લાના વિવિધ ૭ વિકાસ કાર્યોનું લોકાર્પણ

આપણી સરકારે નેશન ફર્સ્ટના અભિગમ સાથે વિકાસયાત્રા શરૂ કરી સુશાસન પ્રસ્થાપિત કર્યું છેઃ મંત્રી પૂર્ણેશભાઈ મોદી

માહિતી બ્યુરો, પાટણ,  સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત પાટણ એ.પી.એમ.સી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશભાઈ મોદીના હસ્તે જિલ્લાના કુલ રૂ.૧૩૭.૧૧ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા વિવિધ ૦૭ જેટલા વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે સાંસદ ભરતસિંહ ડાભી તથા પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપકુમાર ઠાકોર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ જણાવ્યું કે, દેશભરમાં આઝાદીનો અમૃત મહોત્સવ અને સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રમાણિક વહિવટ થકી કલ્યાણરાજ્યની સ્થાપના માટે અનેક ક્રાંતિકારીઓએ પોતાના પ્રાણનું બલિદાન આપ્યું હતું.

પરંતુ આઝાદી બાદની સરકારો સુશાસન તો દૂર પણ દેશના નાગરિકોને પાયાની સુવિધા પણ ન આપી શકી. ૧૯૯૫થી ગુજરાતમાં અને ૨૦૧૪થી કેન્દ્રમાં આપણી સરકારે નેશન ફર્સ્‌ટના અભિગમ સાથે વિકાસયાત્રા શરૂ કરી સુશાસન પ્રસ્થાપિત કર્યું છે.

વધુમાં મંત્રીએ જણાવ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સત્તામાં આવવા સાથે જ નિરંતર વિજળી, પીવાનું શુદ્ધ પાણી, પ્રાથમિક શિક્ષણ, આરોગ્યલક્ષી સુવિધાઓ અને સુગમ પરિવહન જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ થાય તે દિશામાં કામ કર્યું. આજે ગામે ગામ નળથી જળ અને ૨૪ કલાક વિજળી સહિતની પ્રાથમિક સુવિધાઓ મળી રહી છે.

આગામી વર્ષોના આયોજન વિશેની રૂપરેખા આપતાં મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આગામી વર્ષોમાં રાજ્યના પૂર પ્રભાવિત ૨૭૫ ગામોમાં ૪૫૦ કરોડથી વધુના ખર્ચે કોઝ-વે, ૧૮ જિલ્લાના ૪૧૪ પરા વિસ્તારોમાં રોડ કનેક્ટીવીટી, વેરાવળથી લઈ નારાયણ સરોવર સુધી કોસ્ટલ હાઈવે, મુખ્ય શહેરો વચ્ચે એર કનેક્ટીવીટી અને એર એમ્બ્યુલન્સ સહિતના વિકાસકાર્યોની ભેટ રાજ્યના નાગરિકોને મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઑફ યુનિટી સુધી સી-પ્લેન કનેકટીવીટીના સ્વપ્નને પરિપૂર્ણ કરવામાં આવશે.

પાટણ લોકસભા મતવિસ્તારના સાંસદ ભરતસિંહ ડાભીએ જણાવ્યું કે, સુશાસન થકી છેવાડાના માનવી સુધી સર્વાંગી વિકાસના ફળ પહોંચાડવાના અભિગમ સાથે રાજ્ય સરકાર પ્રગતિપથ પર આગળ વધી રહી છે. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલા પ્રવેશોત્સવ, ગુણોત્સવ, ગરીબ કલ્યાણ મેળા સહિતના કાર્યક્રમોથી લોકકલ્યાણના જનઆંદોલનને વેગ મળ્યો છે.

પૂર્વ કેબિનેટ મંત્રી અને ચાણસ્માના ધારાસભ્ય દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું કે, કોઈપણ દેશ કે રાજ્યના વિકાસ માટે પાયાની સુવિધાઓ પૂરી પાડવી આવશ્યક બાબત છે. શિક્ષણથી લઈ આરોગ્ય અને કૃષિથી લઈ ઉદ્યોગો સહિતના ક્ષેત્રના વિકાસ માટે પરિવહન સુવિધાના મહત્વને સમજી તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ નાના ગામડાઓથી લઈ મેગાસિટી સુધી રસ્તાઓના નિર્માણ થકી રાજ્યમાં સર્વોત્તમ રોડ કનેક્ટીવીટી ઉપલબ્ધ કરાવી.

સુશાસન સપ્તાહની ઉજવણીના પાંચમા દિવસે પાટણ ખાતે પધારેલા માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશભાઈ મોદી દ્વારા રૂ.૩,૯૩૭.૪૬ લાખના ખર્ચે ચારમાર્ગીયકરણ કરવામાં આવેલા પાટણ-ઉંઝા સ્ટેટ હાઈવે તથા ચાણસ્મા-પાટણ-ડીસા સ્ટેટ હાઈવે પર આવેલા સરસ્વતી નદી પરના ચાર માર્ગીય બ્રીજનું લોકાર્પણ કરવામાં આવ્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.