Western Times News

Gujarati News

ડ્રેગનની નફટ્ટાઇઃ અરુણાચલ પ્રદેશના ૧૫ સ્થળોનાં નામ બદલ્યાં

નવીદિલ્હી, ચીન નફટ્ટાઇ પર ઉતરી આવ્યું છે, અરુણાચલ પ્રદેશના ૧૫ સ્થળોનું ચીને નામકરણ કરી નાખ્યું છે. જેના પર હવે ભારતે પલટવાર કર્યો છે. ભારતે ચીન પર પલટવાર કરતા કહ્યું કે અરુણાચલ પ્રદેશ હંમેશા ભારતનો ભાગ રહ્યું છે અને હંમેશા ભારતનો ભાગ જ રહેશે. જગ્યાઓના નામ બદલવાથી અથવા તો નવાં નામ રાખવાથી તથ્યો બદલાઈ નથી જતાં. જણાવી દઈએ કે ચીને હિમાકત કરતાં અરુણાચલ પ્રદેશના ૧૫ સ્થળો માટે ચીની નામોની ઘોષણા કરી છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, ચીને અરુણાચલ પ્રદેશ રાજ્યના સ્થળોના નામ બદલવાની કોશિશ કરી હોય તેવી આ પહેલી ઘટના નથી. ચાલાકબાજ ચીને એપ્રિલ ૨૦૧૭માં પણ નામ બદલવાનો પ્રયત્ન કર્યો હતો. તેમણે કહ્યું કે અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અંગ છે, અને તે ક્યારેય બદલાશે નહીં.

ચીનના નાગરિક મામલાના મંત્રાલયે ઘોષણા કરી હતી કે તેમણે જાંગનાન સહિત અરુણાચલ પ્રદેશના ૧૫ સ્થળોના નામને ચીની, તિબેટ અને રોમન વર્ણમાલામાં પ્રમાણભૂત કર્યાં છે. અરુણાચલ પ્રદેશના ૧૫ સ્થળો જેમના નામમાં બદલાવ કરવામાં આવ્યો છે, તેમાં આઠ આવાસીય સ્થળો છે, ચાર પહાડ, ૨ નદીઓ અને એક પહાડી માર્ગ છે. ચીનની અરુણાચલ પ્રદેશના સ્થળોના નામ બદલવાની આ બીજી કોશિશ છે કેમ કે અગાઉ એપ્રિલ ૨૦૧૭માં પણ ચીને ૬ સ્થળોના નામ બદલી કાઢ્યાં હતાં.

જણાવી દઈએ કે ચીને જે આઠ આવાસીય સ્થળોના નામ પ્રમાણભૂત કર્યાં છે તેમાં શન્નાન પ્રાંતના કોના કાઉંટીમાં સેંગકેજાેંગ અને ડગ્લુંગજાેંગ, ન્યિંગચીના મેડોગ કાઉંટીમાં મણિગંગ, ડ્યૂડિંગ અને મિગપેન, ન્યિંગચીના જાયૂ કાઉંટીમાં ગોલિંગ, ડંબા અને શન્નાન પ્રાંતના લુંજે કાઉંટીમાં મેજાગ સામેલ છે.

ચીને જે ચાર પર્વતોના નામ ચીની અક્ષરો પર રાખ્યા છે તેમાં વામો રી, દાઉ રી, લ્હુન્જુગ રી અને કુનમિંગજિંગ્જી ફેંગ છે જ્યારે જેનોગ્મો હે અને દુલેન હે નદીનું નામ બદલવામાં આવ્યું છે. સાથે જ એક પહાડી માર્ગ કોના કાઉંટીમાં ‘લા’ નામે છે, જેનું નામ બપણ ચીને બદલી નાખ્યું છે.નોંધનીય છે કે ચીન દ્વારા ભારતના સરહદી વિસ્તારો પચાવી પાડવાના સતત પ્રયત્નો થતા રહ્યા છે, અગાઉ આ સિલસિલામાં જ ગલવાન ઘાટી પાસે ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે તકરાર પણ થઈ હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.