Western Times News

Latest News from Gujarat

મહિલાઓને આર્થિક રીતે પગભર કરવા અને લોકહિત માટે રાજ્ય સરકારે વિકાસલક્ષી યોજનાઓ અમલી કરી છેઃ નિમિષા સુથાર

(માહિતી) વડોદરા,  પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. શ્રી અટલજીનો તા. ૨૫ ડિસેમ્બરના રોજ જન્મદિન હોય, રાજ્ય સરકારે સુશાસન સપ્તાહ કાર્યક્રમ યોજ્યો છે. વડોદરા સ્થિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે આદિજાતિ વિકાસ અને આરોગ્ય પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રીમતી નિમિષાબેન સુથારે દીપ પ્રાગટ્ય કરી સુશાસન સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત ગ્રામ વિકાસ અને પંચાયત વિભાગના સુશાસન દિનનો પ્રારંભ કરાવ્યો હતો.

રાજ્યમંત્રી શ્રીમતી નિમિષાબેન સુથારે કહ્યું કે, ગ્રામ્ય વિસ્તારમાં શહેરી સુવિધા મળી રહે તેવા વિકાસ કાર્યો રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. વિકાસકાર્યો થકી પ્રજા અને સરકાર વચ્ચે વિશ્વાસનો સેતુ સ્થપાયો છે. ભારતની પ્રગતિમાં ગામડાઓનો સિંહફાળો છે.

ગ્રામ્ય વિસ્તારમાં સંગઠન, એકતા અને સૌહાર્દથી સમસ્યાઓનું સાથે મળી નિવારણ લાવવામાં આવે છે. પ્રજા માટે, પ્રજાના હિત માટે તથા પ્રજાલક્ષી શાસન હોવું જાેઇએ તેવી સ્વ. અટલજીની ભાવના હતી, આ ભાવનાને વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રીએ સાકાર કરી છે. મહિલાઓને આર્થિક રીતે પગભર કરવા અને લોકહિત માટે રાજ્ય સરકારે વિકાસલક્ષી યોજનાઓ અમલી કરી છે.

રાજ્યમંત્રી શ્રીમતી નિમિષાબેન સુથારે ગ્રામ વિકાસ વિભાગના સુશાસન દિન નિમિત્તે જિલ્લામાં કુલ રુ.૯,૭૦,૨૧,૦૦૦ના કુલ ૮૪૯ કામોનું ખાતમુહૂર્ત તેમજ રુ.૪,૮૪,૯૦,૦૦૦ના કુલ ૩૬૯ કામોનું લોકાર્પણ કર્યું હતું.આમ, જિલ્લાને રુ.૧૪,૫૫,૧૧,૦૦૦ના ખર્ચે ૧,૨૧૮ વિકાસકામોની ભેટ મળી છે.

ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝના ચેરમેનશ્રી મધુભાઈ શ્રીવાસ્તવે પ્રાસંગિક પ્રવચન કરતા કહ્યુ કે, છેવાડાના વિસ્તારમાં આદિવાસી જાતિ સહિતના લાભાર્થીઓને વિવિધ સહાયનો લાભ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યો છે.

જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અશોકભાઈ પટેલે કહ્યુ કે, છેવાડાના વિસ્તારોમાં નાગરિકોને પાયાની સુવિધા મળી રહે તે માટે રાજ્ય સરકારે દીર્ઘ દ્રષ્ટિભર્યા વિકાસકાર્યો કર્યા છે.

રાજ્યમંત્રી શ્રીમતી નિમિષાબેન સુથાર અને મહાનુભાવોના હસ્તે, સમરસ ગ્રામ પંચાયતના સરપંચને સન્માનિત કરી ગ્રામ વિકાસ માટે અનુદાનની રકમ અર્પણ કરવામાં આવી હતી. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજકોટ ખાતે યોજાયેલ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers