Western Times News

Gujarati News

મુખ્યમંત્રીએ અઢી કિલોમીટર લાંબા રોડ-શો દરમિયાન પ્રજાજનોનું અભિવાદન ઝીલ્યું

સુશાસનનું લક્ષ્ય જ્યારે અંત્યોદય બને ત્યારે ‘ગુડ ગવર્નન્સ -અન ટુ ધી લાસ્ટ’ સાકાર થાયઃ મુખ્યમંત્રી

રાજકોટ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલબિહારી બાજપેયીજીના જન્મદિવસ તા.રપમી ડિસેમ્બર સુશાસન દિવસથી રાજ્યભરમાં શરૂ થયેલા ‘સુશાસન સપ્તાહ’નું સમાપન રાજકોટમાં પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસના અનેકવિધ જનહિત કાર્યોના લોકાર્પણ-ખાતમૂર્હતથી કરાવ્યું હતું.

ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે સ્પષ્ટ મત વ્યકત કર્યો કે, સુશાસનનું લક્ષ્ય જ્યારે અંત્યોદય બને ત્યારે ‘ગુડ ગવર્નન્સ -અન ટુ ધી લાસ્ટ’ સાકાર થાય છે અને ગુજરાતે આ વાત ચરિતાર્થ કરી છે.

પટેલે તેમના વક્તવ્યના પ્રારંભે જણાવ્યું હતું કે, ભારતના લોકલાડીલા પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીની જન્મતિથિ તા.૨૫મી ડિસેમ્બરના રોજ સમગ્ર રાષ્ટ્ર ‘’સુશાસન દિવસ’’ તરીકે ૨૦૧૪થી નરેન્દ્રભાઇના માર્ગદર્શનમાં યોજાય છે. સુશાસનના પ્રણેતા અટલજીએ ભારતના પ્રધાનમંત્રી તરીકે ગરીબ ઉત્થાન અને ગ્રામ વિકાસના જે કામો કર્યા હતા તેની અસર આજે પણ વર્તાય છે.

કિસાન ક્રેડીટ કાર્ડ, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના જેવી ફ્લેગશિપ યોજનાઓ અટલજીની ભેટ છે. તેમણે જણાવ્યું હતું કે, અટલજીના ચિંધેલા એ જ રાહ પર ચાલી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશના ગ્રામીણ વિકાસ પર વિશેષ ભાર આપ્યો છે. સ્વચ્છતા અભિયાન, શૌચાલય નિર્માણ, ગ્રામીણ આવાસ યોજના, સાંસદ આદર્શ ગ્રામ યોજના જેવી યોજનાથી નરેન્દ્રભાઇ મોદીએ ગ્રામ વિકાસને નવી દિશા ચિંધી છે. ગુજરાત સરકારે ગ્રામ વિકાસનો જે મહાયજ્ઞ નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં શરૂ કર્યો હતો તે આજે પણ યથાવત છે.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, આ અવસરે રાજ્યની ગ્રામીણ જનતા અને પંચાયતો માટે અમે નવા પ્રકલ્પો- લાભો લઇને આવ્યા છીએ. સુશાસન સપ્તાહના સમાપન સમારોહના એક જ દિવસમાં રાજકોટને આંગણેથી પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના રૂપિયા ૨૧૬ કરોડના ૧૪,૧૪૩ આવાસોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.

આશરે ૧૪,૬૮૦ લાભાર્થીઓને રૂપિયા ૬૧ કરોડની આવાસ બાંધકામ સહાય તેમજ મનરેગાના ૧૨૮ કરોડના ૧૭,૮૩૫ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્તની ભેટ મળી છે. આ સાથે, ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ ૨૫ હજાર બહેનોને ૨૪૪૦ સ્વ સહાય જુથો મારફતે રૂપિયા ૧૦ કરોડની કુલ સહાય આપી સ્વાવલંબનથી આર્ત્મનિભરતાનો સુશાસનનો માર્ગ કંડાર્યો છે.

તેમણે ઉમેર્યું હતું કે, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના રૂ. ૨૨૭ કરોડના ખર્ચે કુલ ૧૦,૦૪૨ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તની ભેટ રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં આપી છે. સુશાસન માત્ર ગુજરાતના શહેરો જ નહી પણ ગામડાના લોકો – છેવાડાના માનવી સુધી પહોચ્યું છે, તેની પ્રતીતિ કરાવતો આજનો આ કાર્યક્રમ છે.

ભૂપેન્દ્ર પટેલે રાજકોટના સૌ નાગરિકોએ કરેલા ભવ્ય અભિવાદન-સ્નેહ બદલ સૌનો ઋણ સ્વીકાર કરી રાજકોટ મહાનગરને નૂતનવર્ષ ર૦રરની ભેટરૂપે કરોડોના વિકાસ કામોની જાહેરાત કરી હતી.તેમણે રાજકોટ મહાનગરમાં ડ્રેનેજ, સ્ટોર્મ વોટર, ડ્રેનેજ, ફાયર સેફટી સિસ્ટમ, પબ્લીક હેલ્થ લેબોરેટરી તથા અર્બન મોબિલીટીના ૧૭૦ કામો માટે ૧૮૭ કરોડ રૂપિયા મંજૂર કરવાની સાથે મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાં રૂ.૩૦ કરોડના કામો માટે સૈદ્ધાંતિક મંજુરી આપી હતી.

પટેલે જણાવ્યું હતું કે, તાજેતરમાં ભારત સરકારે જે ગુડ ગવર્નન્સ ઇન્ડેક્ષ જાહેર કર્યો તેમા ગુજરાત પ્રથમ ક્રમે છે. અર્થતંત્ર, માનવ સંસાધન, માળખાકીય સવલતો, સુરક્ષા, સામાજીક કલ્યાણ અને ન્યાય જેવા માપદંડોને આધારે ગુજરાતે દેશના અન્ય રાજ્યો કરતા આગવું ગુડ ગવર્નન્સ પ્રસ્થાપિત કરી બતાવ્યું છે. ગુજરાતનું ગુડ ગવર્નન્સનું આ મોડલ શહેરોની સાથે સાથે ગામડાઓમાં પણ વ્યાપક બન્યું છે.

તેમણે કહ્યું હતું કે, આધુનિક અને સુવિધાસભર ગામડાઓ ગુજરાતની ઓળખ બન્યા છે. ગુજરાતના ૧૦ હજારથી વધુ ગામડાઓમાં નાણાપંચની ગ્રાન્ટમાંથી થતા તમામ કામોનું આયોજન, ચુકવણી અને સમિક્ષા ‘ઇ-ગ્રામ સ્વરાજ પોર્ટલ’ મારફતે ઓનલાઇન કરવામાં આવે છે. શહેરની જેમ ગામડાના લોકોને પણ બધી જ યોજના-સુવિધાઓનો લાભ ઓનલાઇન મળી રહે તે માટે ગુજરાતમાં ૧૪ હજાર થી વધુ ગ્રામ પંચાયતોમાં ઇ-ગ્રામ સેન્ટર્સ કાર્યરત કર્યા છે. ઇ-ગ્રામ સેન્ટર્સ પર ૬૦ જેટલી સેવાઓ ઓનલાઇન મળે છે જેને આપણે ૨૦૦ સુધી લઇ જવી છે.

ગ્રામીણ ગરીબો માટે મનરેગાના કામોનું સચોટ આયોજન ડિજીટલ ગવર્નન્સના આગવા ઉદાહરણ એવા મનરેગા કન્વર્ઝન્સ પોર્ટલનું અને નવી ચૂંટાયેલી ગ્રામ પંચાયતના સરપંચ અને સદસ્યોની ઓનલાઇન તાલીમનું ઇ-ઉદઘાટન મુખ્યમંત્રીશ્રીએ કર્યુ હતું.

તેમણે જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઇ મોદીએ સમરસ ગ્રામ પંચાયતને લોકશાહીની ઉત્તમ પ્રણાલી કહી છે. સામાજીક સમરસતાની સાથે ગામડાઓનું આર્થિક ઉત્થાન પણ થાય તે સરકારની નેમ છે. ગ્રામ પંચાયતોની તાજેતરની ચૂટણીમાં રાજ્યની ૧૧૮૩ ગ્રામ પંચાયત સમરસ થઇ છે, આમા ૧૧૬ મહિલા સમરસ ગ્રામ પંચાયતો છે. આવી બધી સમરસ ગ્રામ પંચાયતોને રૂપિયા ૬૩ કરોડનું અનુદાન આજે આપીને આપણે આ ગામોને વિકાસ માટેનો નવો રાહ ચિંધ્યો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશને પી.એમ શહેરી અને ગ્રામીણ આવાસ યોજનાની ભેટ આપી છે. ગુજરાતમાં આ યોજના હેઠળ રેકોર્ડ બ્રેક આવાસ બન્યા છે. ગુજરાતમાં ૨ લાખ ૯૨ હજાર ગ્રામીણ આવાસો આ યોજના હેઠળ બનાવ્યા છે. ૧ લાખ ૩૩ હજાર ગ્રામીણ આવાસોનું બાંધકામ પ્રગતિમાં છે. આજે આવા આવાસોને ૧૪૬૮૦ લાભાર્થીઓને આવાસ બાંધકામ સહાય આપી છે.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં સૌ પ્રથમ એવી પોર્ટેબલ હોસ્પિટલનું રાજકોટમાં લોકાર્પણ કર્યુ હતું. આ ૧૦૦ બેડની હોસ્પિટલ ઇન્ડો અમેરિકન ફાઉન્ડેશન અને જિલ્લા તંત્રના સહયોગથી ઉભી કરવામાં આવેલી છે. કોરોના સંક્રમણના સમયમાં ગ્રામીણ વિસ્તારોમાં જરૂરિયાત મુજબ તાત્કાલિક ધોરણે આ પ્લગ એન્ડ પ્લે હોસ્પિટલ કાર્યરત થઇ શકશે.

આ પ્રસંગે રાજકોટ ગ્રામીણ વિસ્તારમાં સવા ચાર કરોડના ખર્ચે નિર્મિત ત્રણ નવા માઇનોર બ્રિજ અને ગવર્નમેન્ટ હાયર સેકન્ડરી સ્કૂલ સહીત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરી સુવિધા વધારતા રૂપિયા ૮૨ લાખના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તની ભેટ તેમણે આપી હતી.

નવલખી બંદરની માલ પરીવહન ક્ષમતામાં ૭ મિલિયન મેટ્રીક ટનનો વધારો કરતી નવી જેટીનું ભૂમિપૂજન સહીત વિકાસના અવનવા પ્રકલ્પોનું લોકાર્પણ ખાતમુહૂર્ત થયું હતું. કર્ણાટક રાજ્યના પૂર્વ રાજ્યપાલઅને રાજ્યના પૂર્વ નાણામંત્રી વજુભાઈ વાળાએ તેમના ચિરપરિચિત અંદાજમાં વક્તવ્ય આપતાં જણાવ્યું હતું કે અટલજીના જન્મદિવસ નિમિતે યોજતા સુશાસન દિવસના આ પ્રસંગે આ અજાતશત્રુ અને “મરદ” વિભૂતિને ’ભારતમાતાની જય’ના બુલંદ નારાથી સહુએ વધાવી લેવી જાેઈએ. આ તબક્કે ઉપસ્થિત સમૂહનો નારો ધીમો જણાતા તેમના આ વલણને વાળાએ હવાઈ ગયેલા ફટાકડાના અવાજ સાથે સરખાવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.