Western Times News

Gujarati News

પીધેલા દીકરાને બચાવા મહિલા કોર્પોરેટરે પોલીસ સ્ટેશન માથે લીધું

વડોદરા, થર્ટીફર્સ્‌ટની રાતે વડોદરા શહેરમાં પોલીસ દ્વારા બ્રેથ એનેલાઈઝરથી દારૂ પીધેલાઓનું ચેકિંગ કરવાની ઝુંબેશ હાથ ધરાવમાં આવી હતી. આ દરમિયાન મોડીરાતે વોર્ડ નંબર ૧૪નાં ભાજપના મહિલા કોર્પોરેટર જેલમબેન ચોકસીનો પુત્ર કૃણાલ નશો કરેલી હાલતમાં ઝડપાયો હતો.

ત્યારબાદ પોલીસ દ્વારા તેને પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો. આ અંગે મહિલા કોર્પોરેટરને જાણ થતાં તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પીધેલા દીકરાને છોડાવવા માટે આખું પોલીસ સ્ટેશન માથે લીધું હતું. મીડિયા રિપોર્ટ મુજબ થર્ટીફર્સ્‌ટની ઉજવણીને ધ્યાનમાં રાખી વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં પોલીસે સઘન ચેકિંગ કર્યું હતું.

જ્યારે કેટલાક વિસ્તારોમાં તો થર્ટીફર્સ્‌ટની ઉજવણી પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો. દરમિયાનમાં મોડીરાતે ચાર દરવાજા વિસ્તારમાં ચેકિંગ દરમિયાન ભાજપનાં મહિલા કોર્પોરેટર જેલમબેન ચોકસીનો પુત્ર કુણાલ ચોકસી દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો જતાં તેને સિટી પોલીસ સ્ટેશને લઈ જવાયો હતો.

જેલમબેનને આ અંગેની જાણ થતાં ટેકેદારો અને પરિવાર સાથે પોલીસ સ્ટેશન દોડી ગયા હતા. પોલીસ સ્ટેશન પહોંચીને જેલમબેન લાજવાને બદલે ગાજ્યાં હતા અને કહેવા લાગ્યા કે, દારૂ પીવાનો કોઈ મોટો ગુનો નથી કે, તમે બધા તેને ફરી વળ્યા છો. દૂર હટી જાઓ, એમ કહી હોબાળો મચાવ્યો હતો.

આ અંગેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ દરમિયાન પોલીસ સાથે ખેંચતાણ પણ થઈ હતી. જેમાં એક પોલીસકર્મચારીનું જેકેટ પણ ફાટી ગયું હોવાનું જાણવા મળ્યું છે.

વાયરલ વિડીયોમાં ભાજપ મહિલા કોર્પોરેટર અને પોલીસકર્મીઓ વચ્ચે શું બોલાચાલી થઈ તે પણ સ્પષ્ટ રીતે સંભળાય છે. આ સાથે એ પણ જાણવા મળ્યું છે કે, જેલમબેને દીકરાને માર્યો છે કહીને પોલીસકર્મીઓનો ઉઘડો લીધો હતો. તો બીજી તરફ પોલીસે ફણ કહ્યું હતું કે, દાદાગીરી કરો છો, તે યોગ્ય નથી. તમે કોર્પોરેટર છો તો શું થઈ ગયું. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દર વર્ષે થર્ટીફર્સ્‌ટની રાતે ઘણા દારૂ પીધેલી હાલતમાં પકડાતા હોય છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.