Western Times News

Gujarati News

ખેડા જિલ્લાના કઠલાલ ખાતે ૩.૫૦ કરોડના ખર્ચે નિર્માણાધીન સીએચસી કેન્દ્રનું ખાતમુહૂર્ત

કઠલાલ, ખેડા જિલ્લાના કઠલાલમાં સામુહિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ખાતમુહૂર્ત કેન્દ્રીય સંચાર અને પોસ્ટ વિભાગના રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કઠલાલ નગરમાં ૩.૫૦ કરોડના ખર્ચે તૈયાર થનાર આ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં વધુ સારી અને આધુનિક સુવિધા મળી રહેશે તેમ કેન્દ્રીય રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું.

તેમણે કહ્યું હતું કે સરકાર દ્વારા આરોગ્યલક્ષી સેવાઓનો અવિરત વિકાસ થઈ રહ્યો છે, ત્યારે કઠલાલમાં પણ આરોગ્યલક્ષી સુવિધાઓનો વિકાસ થાય તેવા ઉમદા ઉદે્‌શથી સામુહિક આરોગ્ય કેન્દ્રના નવીન મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે મંત્રી દેવુસિંહ ચૌહાણએ જણાવ્યું હતું કે, કઠલાલ તેમજ તાલુકાની એક લાખથી વધુ જનતાને સામુહિક આરોગ્ય કેન્દ્ર બનવાથી આરોગ્યલક્ષી સુવિધા મળી રહેશે તેમજ એમ.ડી ડોક્ટરની પણ સગવડતા મળી રહે તેવી વ્યવસ્થા કરાશે. અહીં સાંસદની ગ્રાન્ટમાંથી પી એમ રૂમની સુવિધા પણ બનાવી આપવાનું આયોજન કરવામાં આવશે. ગામડાના છેવાડાના બાળકો અને નાગરિકો સુધી ભણતર સહિતની સુવિધા માટે કનેક્ટિવિટી મળી રહે તેનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

જ્યારે આ પ્રસંગે ગુજરાતના કેબિનેટ મંત્રી અર્જૂનસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, રાજયના નાગરિકોની આરોગ્યની સુખાકારી એ રાજય સરકારની પ્રાથમિકતા છે.

નવીન આરોગ્ય કેન્દ્ર ગ્રાઉન્ડ ફ્લોર સાથે બે માળનું બનશે. જેમાં ઇમર્જન્સી રૂમ તથા વોર્ડ, એક્સરે રૂમ, નવજાત શિશુ સંભાળ વિભાગ, ફિમેલ વોર્ડ, ઓપરેશન થિયેટર જેવી સુવિધા મળી રહેશે અને ચાર જેટલાં ડોક્ટરની ઓપીડી રહેશે. આ આરોગ્ય કેન્દ્ર બનવાથી કઠલાલ નગર તેમજ તાલુકાની જનતાને આરોગ્યલક્ષી ખુબ જ સારી સુવિધાઓ મળી રહેશે તેમ જણાવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઇ દવે, વિપુલભાઈ પટેલ, ડોકટર જી.સી.પટેલ, કઠલાલ નગરપાલિકા પ્રમુખ રમીલા બેન થોરી, બિપીનભાઈ પટેલ, કઠલાલ તાલુકા પંચાયત પ્રમુખ ગોવિંદભાઇ પરમાર, કિરણસિંહ ડાભી, નગરપાલિકા ઉપપ્રમુખ હર્ષદભાઈ પટેલ, કઠલાલ મામલતદાર જીજ્ઞાબેન પટેલ, કઠલાલ ટીડીઓ જાંબુકા બેન, તાલુકા હેલ્થ ઓફિસર સૌરભ શાહ તેમજ કઠલાલ નગરપાલિકાના સદસ્યો અધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.