Western Times News

Gujarati News

પેટલાદમાં અશાંત ધારો લાગુ કરવા માંગ ઉઠી

(પ્રતિનિધિ) પેટલાદ, પેટલાદ શહેરની દલવાડી ખડકીમાં એક મકાન લઘુમતિ કોમના ઈસમને વેચાણ કર્યું હોવાથી વિવાદ સર્જાયો છે. આ મિલકતનું ગતરોજ સમારકામ શરૂ કરતાં દલવાડી ખડકીના રહિશો એકઠા થઈ જતાં વાતાવરણ તંગ થઈ ગયું હતું. પરંતુ સમયસર પોલીસ ઘટનાસ્થળે પહોંચતા કામકાજ તાત્કાલિક બંધ કરાવી મામલો થાળે પાડ્યો હતો.

પરંતુ શહેરનાં અનેક વિસ્તારોમાંથી નગરજનો દ્વારા અશાંત ધારો લાગુ કરવા માંગ ઉઠી હોવાની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન છે. પ્રાપ્ત માહિતી મુજબ પેટલાદ શહેરના ચાવડી બજાર વિસ્તારમાં દલવાડીની ખડકી આવેલ છે. જ્યાં હિન્દુ ધર્મના લોકો વસવાટ કરે છે. આ ખડકીમાં આવેલ એક મકાન અશોકભાઈ શાંતિલાલ પટેલે ઓક્ટોબર ૨૦૧૮માં સકીલાબેન સલીમભાઈ છીપાને વેચાણ આપવામાં આવ્યું હતું.

જેની જાણ દલવાડીની ખડકીના રહિશોને એક વર્ષ બાદ થતાં સ્થાનિક લોકોએ વિરોધ દર્શાવતિ લેખિત અરજી જીલ્લા કલેક્ટરને તા.૩ ઓક્ટોબર ૨૦૧૯ના રોજ કરી હતી. જેમાં જણાવ્યું હતું કે પેટલાદ શહેરના અતિ સંવેદનશીલ વિસ્તારો પૈકી એક ચાવડી બજાર છે. સમયાંતરે તહેવારો કે ઉત્સવો કે ચૂંટણીઓ ટાણે પેટલાદમાં કોમી તોફાનો ફાટી નીકળે છે. જેને કારણે વારંવાર અજંપાભરી સ્થિતિ સર્જાય છે. આવા વિસ્તારમાં આવેલ દલવાડીની ખડકીમાં એક ઈસમે લઘુમતિ કોમની મહિલાને મકાન વેચાણ આપતાં સમગ્ર શેરી – મહોલ્લાના લોકો માનસિક અશાંતિની અનુભૂતિ કરે છે.

જેથી આ ખડકીમાં એકબીજા પ્રત્યે વૈમનસ્ય ઉભું ના થાય તે માટે ઘટતું કરવા જણાવ્યું હતું. ત્યારબાદ આ ખડકીના રહિશોએ સ્થાનિક કચેરી ખાતે અશાંત ધારો લાગુ કરવા પણ અરજી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે શહેરના વ્યાસવાડા વિસ્તારમાં પણ આવી ઘટના ભૂતકાળમાં બની હતી હોવાનો ઉલ્લેખ આ અરજીમાં કર્યો હતો. જેનો સત્વરે સંતોષકારક ઉકેલ આવ્યો હોવાનું પણ અરજીમાં જણાવ્યું હતું. જેથી આ ઘટનાના પગલે પેટલાદ શહેરના અનેક વિસ્તારોમાંથી અશાંત ધારો લાગુ કરવાની માંગ ઉઠી હોવાની વાત ચર્ચાસ્પદ બનવા પામી છે.

પાલિકામાં અરજી
ગતરોજ સદર મિલકતનું રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ તે માટે પાલિકાની બાંધકામ પરવાનગી નહિં હોવાને કારણે કામ સ્થગિત રાખવા ફરજ પડી હતી. જેથી સકીલાબેન છીપા દ્વારા પેટલાદ નગરપાલિકામાં બાંધકામ કરવા અરજી કરી હોવાનું જાણવા મળે છે. પરંતુ બીજી તરફ દલવાડી ખડકીના રહિશો દ્વારા બાંધકામ પરવાનગી નહિ આપવાની માંગણી સાથે અરજી કરી છે. જાેવાનું એ રહેશે કે આગામી સમયમાં પાલિકા શું ર્નિણય કરે છે ?
સાત મહિનામાં બે વખત વેચાણ
દલવાડીની ખડકીમાં આવેલ આ વિવાદીત મિલકત ગુલાબદાસ ડોડાણીના વારસદારો દ્વારા તા.૧૪ માર્ચ ૨૦૧૮ના રોજ અશોકભાઈ શાંતિલાલ પટેલને રજી. દસ્તાવેજ નોંધણી નં.૬૭૫થી વેચાણ આપ્યું હતું. જેની સિટી સર્વેમાં તા. ૧૭ જુલાઈ ૨૦૧૮ના રોજ નોંધ મૂકવામાં આવી હતી. ત્યારબાદ તા.૪ ઓક્ટોબર ૨૦૧૮ના રોજ અશોકભાઈ શાંતિલાલ પટેલે આ જ મિલકત સકીલાબેન સલીમભાઈ છીપાને રજી. દસ્તાવેજ નોંધણી નં.૨૨૬૪થી વેચાણ કર્યું હતું. જેની સિટી સર્વેમાં નોંધ તા.૧૭ ઓક્ટોબર ૨૦૧૮ના રોજ થઈ હતી. આમ માત્ર સાત જ મહિનામાં એક જ મિલકત બે વખત વેચાણ થતાં શહેરમાં અનેક તર્ક વિતર્કો ચાલી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.