Western Times News

Gujarati News

કોરોનાના કેસ વધતા ડેકોરેશન, કેટરિંગ અને ઇવેન્ટ ઉદ્યોગ ફરીથી ચિંતામાં

અમદાવાદ, કોરોનાને કારણે છેલ્લા ૨ વર્ષથી અનેક ધંધા રોજગારને કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. કોરોનાની ત્રીજી લહેરમાં મંડપ ડેકોરેશનના ધંધા સાથે સંકળાયેલો માટે કપરા દિવસો શરૂ થયા છે.

મહામારીને કારણે બીજી લહેર દરમિયાન મંડપ ડેકોરેશનને રૂપિયા ૩૦૦ કરોડનું નુકસાન થયું હતું. ત્રીજી લહેરમાં મંડપ ઈન્ડસ્ટ્રીને રૂપિયા ૧૫૦ કરોડથી વધુનો વેપાર ગુમાવવાની ભીતિ છે.

મંડપ ડેકોરેશન એસોસિએશન સાથે સંકળાયેલા કમલેશભાઇ સોનીએ જણાવ્યું હતુ કે, ગયા વર્ષે કોરોનાના કારણે લગ્નસરા સહિત અનેક પ્રસંગો રદ થયા હતા. જેમાં મંડપ ડેકોરેશન પણ બાકાત રહ્યું નથી. ૨ વર્ષથી કોરોનાને કારણે સમય ખરાબ ચાલી રહ્યો છે. ‘સરકારે કેટલીક છૂટછાટ આપતા દિવાળી બાદ સિઝન સારી જવાની આશા હતી. પરંતુ, ફરી એક વખત ત્રીજી લહેરે માથુ ઉચકતાં મંદીનો સામનો કરવો પડે તેમ છે.’

મંડપ ડેકોરેશન સાથે સંકળાયેલા મેહુલ પટેલ જણાવે છે કે, અમને આશા હતી કે જાન્યુઆરીમાં કમુરતા પછી લગ્નસરાની સિઝન શરૂ થશે તેમાં ગત વર્ષનું નુકશાન સરભર થશે. પરંતુ કોરોનાએ માથું ઉચકતા લોકોએ ઓછા ખર્ચે અને હોલમાં ઓછી સંખ્યામાં લગ્ન કરવાનું મન બનાવી લીધું છે. જેના કારણે મંડપ ડેકોરેશનના વેપારમાં ફરી ઘટાડો જોવા મળશે. બીજી લહેર બાદ મંડપની નવી ડિઝાઇનો પણ બહાર પાડી હતી. પરંતુ કોરોનાની ત્રીજી લહેરના કારણે સ્થિતિ બગડી છે.

ગુજરાત સહિત દેશભરમાં કોરોનાના કેસ વધતા હોટલ, કેટરિંગ અને ઇવેન્ટ ઉદ્યોગ ફરીથી ચિંતામાં પડી ગયો છે. જાન્યુઆરીના અંતમાં અને ફેબ્રુઆરી મહિનામાં હજારો લગ્ન લેવાનાર હતા. હવે લગ્નો મોકૂફ રખાયા છે તે કયાંક સાદાઇનો આશરો લેવામાં આવ્યો છે.

અથવા ઓછાં મહેમાનોની હાજરીમાં પ્રસંગ ઉકેલવાનો છે. જોકે આના કારણે ગુજરાતની આ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને લાખો રૂપિયાના રિફંડ આપવા પડે છે અને આગળ પણ કયારે લગ્ન ઇવેન્ટ સારી રીતે થશે તેની કોઈ આશા દેખાતી નથી.

જો કે આર.સી. ઇવેન્ટના પ્રમોટર રાજીવ છાજડ કંઈક હકારાત્મક વાત કરે છે. તેમના કહેવા મુજબ ‘ફેબ્રુઆરીમાં જે લોકોએ લગ્ન બુકિંગ કર્યા હતા તેમના રિફંડ હાલ અમુક હોટલ નથી કરી રહી પરંતુ ઓકટોબર સુધી ગમે ત્યારે લગ્ન યોજવા માટેની છૂટ આપે છે, હાલ ઘણા પરિવાર કોર્ટ મેરેજ કરી અને બાદમાં પણ જયારે કોરોનાનો પ્રકોપ ઓછો થશે ત્યારે ધામધૂમથી લગ્ન કરવાના મૂડમાં છે.’ જોકે કોરોનાથી અસર તો થઈ જ છે એમાં કોઈ શંકા નથી.

હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિયેશન ગુજરાતના પ્રેસિડેન્ટ નરેન્દ્રભાઈ સોમાણી જણાવે છે કે ‘કેટારિંગ વ્યવસાય પહેલેથી જ કોરોનાના કારણે મુશ્કેલીમાં સપડાયો હતો અને હવે જયારે કમુરતા બાદ અને ફેબ્રુઆરીમાં લગ્નના મુહૂર્ત છે ત્યારે કોરોના ફરી માથું ઉચકી રહ્યો છે અને આના કારણે સીમિત લોકોની હાજરી ઉપરાંત ઘણા લોકો આવા પ્રસંગે આવવાનું પણ ટાળતા હોય છે ત્યારે ફરીથી કેટરિંગ વ્યવસાય મુશ્કેલીમાં આવ્યો છે અને ઘણા બધા ઓર્ડર પણ કેન્સલ થયાના સમાચાર છે.’


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.