Western Times News

Gujarati News

પ્રતિબંધોની સ્થિતિ માટે નાગરિકો કે રાજકીય નેતાઓ જવાબદાર ?

પ્રતિકાત્મક

વર્તમાન કોરોના અને પ્રતિબંધની સ્થિતિ માટે નાગરિકો આત્મમંથન કરે-ગાઈડલાઈનનો ભંગ કરનાર એક પણ રાજકીય નેતા સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી નથી.

રાજકીય મેળાવડાઓ યોજાયા બાદ મોડે મોડે જાગેલી ગુજરાત સરકારે નિયંત્રણો લાદી નાગરિકોને મુશ્કેલીમાં મુકી દીધાઃ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર ત્વરીત પગલાં ભરવાના બદલે બેદરકારી દાખવતા ઓમિક્રોનના કેસો વધ્યા

રાજયની સરહદો પણ સીલ નહી કરાતા મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિતના રાજયોમાંથી લોકો ગુજરાતમાં પ્રવેશતા પરિસ્થિતિ વણસીઃ પ્રતિબંધોના કારણે અનેક ધંધા રોજગારો પર વિપરીત અસર પડવાની સાથે સેંકડો લોકો બેરોજગાર બનશે

ગુજરાત સહિત દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર દશતક આપી રહી છે અને રોજે રોજ કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહયો છે જેના પગલે કેન્દ્ર સરકાર સફાળી જાગી છે અને રાજયોમાં પ્રતિબંધો લાદવાની સંપૂર્ણ સત્તા સ્થાનિક રાજય સરકારને આપી દેવામાં આવી છે

પરિસ્થિતિ દિવસેને દિવસે વિકટ બનવા છતાં દેશભરમાં ચોંકાવનારા દ્રશ્યો જાેવા મળી રહયા છે ખાસ કરીને રાજકીય પક્ષના નેતાઓ દેશમાં સર્જાયેલી વિપરીત પરિસ્થિતિમાં પણ મેળાવડાઓ યોજી રહયા છે અને નાગરિકોને ભગવાન ભરોસે છોડી દેવામાં આવી રહયા છે.

દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાયા બાદ અનેક દેશોએ અગમચેતીના પગલાં ભરવાની શરૂઆત કરી દીધી હતી પરંતુ ભારત દેશમાં કોઈ જ તૈયારી કરવામાં નહી આવતા આજે ઓમિક્રોન વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહયો છે ખાસ કરીને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ધરાવતા રાજયોમાં વિશેષ તકેદારી રાખવાની જરૂર હતી.

પરંતુ રાજકીય નેતાઓ ભીડ એકઠી કરવામાં વ્યસ્ત હતાં અને એરપોર્ટ પરથી સંખ્યાબંધ વિદેશી નાગરિકો ગુજરાત સહિત દેશભરમાં પ્રવેશી ચુકયા હતાં પરિણામ એ આવ્યું કે આજે દેશભરમાં કોરોનાનો આંતક ફરી એક વખત વધવા લાગ્યો છે અને બીજી લહેર જેવા દ્રશ્યો સર્જાય તેવી દહેશત વ્યકત કરવામાં આવી રહી છે. અનેક રાજયોએ નિયંત્રણો લાદવાની શરૂઆત કરી છે.

ગુજરાતમાં પણ રાજય સરકારને તેના જ નિર્ણયોમાં પીછેહઠ કરવાની ફરજ પડી રહી છે જે રાજય સરકાર માટે ખુબ જ શરમજનક બાબત છે. એકબાજુ નાગરિકોના આરોગ્યની ચિંતાના વાયદાઓ કરવામાં આવી રહયા છે ત્યારે બીજીબાજુ રાજકીય મેળાવડાઓમાં સંખ્યાબંધ લોકોને એકત્ર કરી કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપી દેવામાં આવ્યું છે

આજે પરિણામે એ આવ્યું છે કે ગુજરાતમાં કોરોનાની સ્થિતિ વિકટ બનવા લાગી છે. રાજકીય મેળાવડાઓના પગલે ભારે ઉહાપોહ મચતા દર વખતની જેમ આ વખતે પણ રાજય સરકારે નાગરિકો ઉપર નિયંત્રણો લાદવાની શરૂઆત કરી છે. ગાઈડલાઈનનો ભંગ કરનાર એક પણ રાજકીય નેતા સામે કાર્યવાહી કરવામાં આવી નથી.

ત્યારે નાગરિકોને કાયદાનો ડર બતાવવામાં આવી રહયો છે. નિયંત્રણોના પગલે ફરી એક વખત અનેક ધંધા રોજગારો બંધ થવાની તૈયારીમાં આવી ગયા છે અને સેંકડો લોકો બેરોજગાર બનવાની સ્થિતિમાં છે તેથી હવે નાગરિકો ખુલ્લેઆમ સરકારની સામે આક્ષેપો કરવા લાગ્યા છે અને આ જ પરિસ્થિતિ ચાલુ રહી તો ફરી એક વખત બેરોજગારીનો દર વધી જશે આ પરિસ્થિતિ માટે જવાબદાર કોણ તે માટે નાગરિકોએ જ આત્મમંથન કરવાની જરૂર છે.

કોરોનાના કેસ ધીમે ધીમે ઓછા થતા માંડ માંડ પાટે ચડેલો ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો ફરી ધંધો પડી ભાગે એવી સ્થિતીનું નિર્માણ થયું છે. દિવસેને દિવસે વધી રહેલા કોરોના કેસોને કારણે લગ્ન સમારોહમાં નિયંત્રણ લાદવામાં આવ્યા છે. જેને લઇને લગ્ન પ્રસંગ માટે ટ્રાવેલ્સ બુક કરાવનાર લોકો બુકિંગ રદ કરાવી રહ્યા છે તો કેટલાક લોકો બુકિંગ કરાવેલ ગાડીઓ અને વાહનોની સંખ્યા ઘટાડી રહ્યા છે.

એક તરફ જ્યાં રાજ્યમાં ઉત્તરાયણ બાદ શરૂ થતાં લગ્નોની મોસમ શરૂ થવા જઈ રહી હતી. જેના કારણે કોવિડની બીજી લહેર બાદ અલગ-અલગ ધંધા વેપાર બેઠા થઈ રહ્યા હતા. પરંતુ ફરી એકવાર કોરોનાના કેસ વધવા લાગ્યા છે, આ સ્થિતિમાં રાજ્ય સરકારે નિયંત્રણો લાદવાની ફરજ પડી છે.

તેવામાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ સંચાલકોની સ્થિતિ કફોડી બની છે. કારણકે લગ્ન પ્રસંગે ૧૫૦ લોકોને જ પરવાનગી આપવામાં આવી છે. જેને લઇને લગ્ન માટે બસો બુક કરાવનાર લોકો ટ્રાવેલ્સ કે વાહનોનું બુકીંગ કેન્સલ કરી રહ્યા છે. અથવા તો જે બસો કે વાહનો બુક કરાવ્યા હતા, તેમાં ઘટાડો કરી રહ્યા છે.

નવી ગાઇડલાઇન્સને પગલે અમદાવાદમાં રાતોરાત ૫૦ જેટલા લગ્ન સમારંભ મોકૂફ રહ્યા છે તેમજ હજી પણ લોકો લગ્ન સમારંભ બંધ રાખવાની વિચારણા કરી રહ્યા છે. અમદાવાદમાં વેડિંગ પ્લાનિંગ કરતા નાના-મોટા ૫૦ જેટલા વેડિંગ પ્લાનરોની પરિસ્થિતિ કોરોનાની પહેલી અને બીજી લહેરમાં જેવી થઈ હતી એવી થવાની આશંકા વ્યક્ત કરી છે. અમદાવાદમાં ફેબ્રુઆરીના અંત સુધીમાં આશરે ૫૦૦ જેટલા લગ્ન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે, જે હવે આગામી દિવસોમાં મોકૂફ રાખવામાં આવી શકે છે.

દિવાળી પછી લગ્નની મોસમ પૂરબહારમાં ખીલી હતી અને આ બે મહિનામાં હજારો લગ્નને કારણે વેડિંગ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા તમામ ધંધાર્થીઓને બે વર્ષનું કમાવાનો સમય મળ્યો હતો. આ ઉપરાંત જે પરિવારમાં પ્રસંગો લંબાયા હતા અને જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં પણ સારા મુહૂર્તો હોવાને લીધે હજારો લગ્નનું આયોજન હતું,

પરંતુ છેલ્લા એક સપ્તાહથી કોરોનાના કેસમાં બમણો ઉછાળો આવતાં ફરી લગ્નપ્રસંગને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે, જેને લઇને સરકાર નિયંત્રણો જાહેર કરે એ પૂર્વે જ મોટા ભાગના પરિવારોએ લગ્નપ્રસંગની ઝાકમઝોળ ટૂંકાવીને હવે સાદાઈથી જ લગ્ન કરવાનો ર્નિણય લેતાં તેની સીધી અસર વેડિંગ ઇન્ડસ્ટ્રીઝ ખાસ કરીને કેટરિંગના ધંધાર્થીઓ પર પડી છે.

બે મહિના અગાઉ પરિસ્થિતિ સારી હતી, એટલે ધામધૂમથી લગ્નનાં આયોજન માટે ગાડીઓ બુક થઈ હતી, પરંતુ જ્યારથી નવી ગાઇડલાઈન્સ જારી થઈ એના કલાક બાદ ઉપરાછાપરી બસ રદ કરવાના ફોન આવી રહ્યા છે, જેને કારણે મોટું આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવશે. એક અંદાજ પ્રમાણે લગ્નપ્રસંગ નિમિત્તે રાજ્યભરમાં ૫૫-૬૦ હજાર ગાડીઓ નવાં નિયંત્રણ આવવાથી બુકિંગ રદ થશે.

કોરોનાના નિયંત્રણોના કારણે લગ્ન સમારંભો અગાઉ મોકુફ રહયા હતા પરંતુ દિવાળી પછી યોજાયેલા લગ્નોના કારણે તેજી જાેવા મળતી હતી નાગરિકો પણ પરિવારના સંતાનોના લગ્ન માટે તૈયારી કરવા લાગ્યા હતાં રાજય સરકારે ૪૦૦ માણસોની છુટ આપતા રાજયભરમાં ભારે ઉત્સાહ જાેવા મળતો હતો

પરંતુ રાજય સરકારે અચાનક જ તેમાં કાપ મુકી દેતા હવે નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે. કોરોનાની પરિસ્થિતિ વિકટ બનવા માટે જવાબદાર રાજકીય નેતાઓ છે કે નાગરિકો તે માટે નાગરિકોએ જાતે જ આત્મમંથન કરવાનો સમય આવી ગયો છે અને આવા રાજકીય નેતાઓને પણ જવાબ આપવો પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.