Western Times News

Latest News from Gujarat

યોગીના મંત્રી ધરમસિંહ સૈનીનું રાજીનામું, સપામાં જોડાઈ જશે

લખનઉ, યુપીમાં યોગી સરકારના વધુ એક મંત્રીએ રાજીનામું ધરી દીધું છે. સ્વામી પ્રસાદ મૌર્ય અને દારાસિંહ ચૌહાણ બાદ આજે ધરમસિંહ સૈનીએ સરકાર સાથે છેડો ફાડ્યો છે. તેઓ સમાજવાદી પાર્ટીમાં જાેડાય તેવી ચર્ચા છે. આ જ અઠવાડિયામાં યોગી સરકારમાંથી એક્ઝિટ મારનારા સૈની ત્રીજા કેબિનેટ મંત્રી બન્યા છે. નાકુડ વિધાનસભા બેઠકના પ્રતિનિધિ એવા સૈનીએ પોતાની સુરક્ષા અને સરકારી આવાસને પણ પરત સોંપી દીધા છે. તેઓ આયુષ, ખાદ્ય સુરક્ષા અને દવાના વ્યવસ્થાપનનો સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રી હતા.

ધરમસિંહ સૈની ગવર્નરને પોતાનું રાજીનામું સોંપ્યા બાદ સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવને મળવા માટે પહોંચ્યા હતા. નવાઈની વાત એ છે કે, અત્યારસુધી ભાજપના જેટલા પણ ધારાસભ્યોએ પક્ષ સાથે છેડો ફાડતી વખતે પોતાના રાજીનામામાં જે આક્ષેપ કર્યા છે તેવા જ આક્ષેપ સૈનીએ પણ કર્યા છે. તેમણે સરકાર પર ગરીબ, દલિત, વંચિત તેમજ બેરોજગાર યુવાવર્ગ અને નાના વેપારીઓ પ્રત્યે દુર્લક્ષ્ય સેવવાના આરોપ લગાવ્યા છે.

યુપીમાં વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ ચૂક્યો છે તેવા સમયે પાછલા છેલ્લા કેટલાક દિવસોમાં ભાજપમાંથી એક પછી એક વિકેટ પડી રહી છે. તાજેતરમાં જ રાજીનામું આપનારા કેબિનેટ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યએ તો ત્યાં સુધી દાવો કર્યો હતો કે અનેક ધારાસભ્યો તેમના સંપર્કમાં છે, અને તેઓ પણ ભાજપમાંથી નીકળવાની તૈયારીમાં છે.

ઓબીસી ધારાસભ્યોએ ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ હવે બ્રાહ્મણ ધારાસભ્ય બાલાપ્રસાદ અવસ્થીએ પણ કમળનો સાથ છોડી સમાજવાદી પાર્ટી સાથે જાેડાણ કરી લીધું છે. અવસ્થી લખીમપુર ખેરીના ચાર ટર્મથી ધારાસભ્ય છે અને તેહરી પ્રાંતના બ્રાહ્મણ ફેસ છે. તેમણે પણ ગુરુવારે બપોરે અખિલેશ સાથે મુલાકાત કરી હતી.

છેલ્લા બે દિવસમાં સ્વામી પ્રસાદ મૌર્ય, દારાસિંહ ચૌહાણ, રોશનલાલ વર્મા, બ્રિજેન્દ્ર પ્રજાપતિ, ભગવતીશરણ સાગર, વિનય શાક્ય અને અવતારસિંહ ભાદના ભાજપમાંથી રાજીનામું આપી ચૂક્યા છે. ગુરુવારે ફિરોઝાબાદના ધારાસભ્ય મુકેશ વર્માએ રાજીનામું આપ્યું હતું, ત્યારબાદ આજે જ ધરમસિંહ સૈનીએ પણ સરકારમાંથી વિદાય લીધી હતી.

ચૂંટણી ટાણે અખિલેશ યાદવ ભાજપ ઉપરાંત બીએસપી અને કોંગ્રેસની પણ વિકેટો લઈ રહ્યા છે. તેવામાં તેમની સ્થિતિ હાલપૂરતી તો મજબૂત થતી દેખાઈ રહી છે, પરંતુ નવા આવેલા નેતાઓને પક્ષમાં કયું સ્થાન આપવું તેમજ તેમને કઈ બેઠક પરથી ચૂંટણી લડાવવી તે તેમના માટે મુશ્કેલ કાર્ય બની શકે છે.

કારણકે, બહારથી આવી રહેલા ચહેરાઓને લઈને પક્ષમાં ગણગણાટ શરુ થયો છે. ખાસ કરીને ભાજપના સ્વામી પ્રસાદ મૌર્ય, રાજેશ પાંડે, કોંગ્રેસના ઈમરાન મસૂદ, રામઆંચલ રાજભર, લાલજી વર્માના સપામાં આવવાથી પક્ષના નેતાઓ અસહજ થઈ રહ્યા છે. તેઓ પક્ષ માટે પોતાની બેઠક છોડવા માટે તૈયાર નથી.

સ્વામી પ્રસાદ મૌર્ય જણાવી ચૂક્યા છે કે તેઓ ૧૪ જાન્યુઆરીએ સપામાં જાેડાશે. ત્યારાબાદ યુપીની ઉંચાહાલ બેઠક પર કોને ટિકિટ અપાશે તેના પર સૌની નજર છે. હાલ સપાના મનોજ પાંડે આ બેઠકનું પ્રતિનિધિત્ન કરે છે. તેમણે સ્વામી પ્રસાદના દીકરા ઉત્કૃષ્ટને હરાવીને અહીં વિજય મેળવ્યો હતો. ઉત્કૃષ્ટ બીએસપીની ટિકિટ પર પણ અહીંથી લડી ચૂક્યો છે.

સહરાનપુર બેઠક પર ઉમેદવાર નક્કી કરવો પણ સપા માટે આસાન નહીં હોય. કોંગ્રેસના પ્રભાવી મુસ્લિમ ચહેરા ગણાતા ઈમરાન મસૂદે બુધવારે અખિલેશ સાથે મુલાકાત કરી હતી. તેઓ જલ્દી સપામાં જાેડાઈ શકે છે. ૨૦૦૭માં મસૂદ અપક્ષ ઉમેદવાર તરીકે આ વિસ્તારમાંથી જીત્યા હતા. ૨૦૧૨માં તેઓ સામાન્ય માર્જિનથી ચૂંટણી હાર્યા હતા. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં પણ તેમની હાર થઈ હતી. તેમના સપામાં આવવાથી પક્ષના કાર્યકરોમાં પણ કચવાટ જાેવા મળી રહ્યો છે.HS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers