Western Times News

Gujarati News

બ્રેઇનડૅડ મનિષાબેન ગેડિયાના લીવરના દાનથી જરૂરિયાતમંદ દર્દીના જીવનમાં સ્મિત રેલાવ્યું

ઉતરાયણના પવિત્ર પર્વે સિવિલ હોસ્પિટલમાં ૩૨મુ અંગદાન

મનિષાબહેનના પરિવારજનોએ અંગદાન કરીને માનવસેવાની ભાવના અને નિઃસ્વાર્થપણાની મિસાલ પ્રસ્થાપિત કરી

આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલના પ્રેરણારૂપ માર્ગદર્શન હેઠળ અંગદાનમાં જવલંત સફળતા મળી રહી છે:-સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષી

અંગદાન કેવી રીતે થાય છે?

        બ્રેઇનડેડ થયેલી વ્યક્તિના અંગોનું દાન થઈ શકે છે.

        જે વ્યક્તિના અંગોનું દાન કરવાનું છે તે વ્યક્તિનો GCS કોડ પાંચથી ઓછો હોવો જોઇએ.

        ત્યારબાદ એપ્નિયા ટેસ્ટ થાય. એ ટેસ્ટ પોઝિટિવ આવે તો જ તે વ્યક્તિના અંગોનું દાન થઈ શકે.

મકરસંક્રાંતિના પવિત્ર પર્વે દાનનો મહિમા મહત્વનો છે. ભારતીય સંસ્કૃતિ અને શાસ્ત્રોમાં પણ ઉતરાયણના  દિવસે વિવિધ પ્રકારના દાનનો મહિમા ઉજાગર કરવામાં આવ્યો.

ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઉતરાયણના દિને પ્રવર્તમાન સમયના સૌથી મોટા અંગદાનની વધુ એક ઘટના બની.

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવેલા મનિષાબેન બ્રેડ થતાં તેમના પરિવારજનોએ અંગદાનનો હૃદયસ્પર્શી નિર્ણય કર્યો.

અમદાવાદ સિવિલ હોસ્પિટલની સ્ટૅટ ઑર્ગન ટિશ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન (SOTTO)ની ટીમને મનીષાબહેનના લિવરનું દાન મેળવવામાં સફળતા મળી.

સમાજના ભણેલા-ગણેલા, સમજદાર – શિક્ષિત અને સાધનસંપન્ન લોકોમા  માનવસેવાનું આ ઉદાહરણીય અને ઉમદા કાર્ય આવનારા લાંબા સમય સુધી અન્ય કેટલાય લોકો માટે પ્રેરણાસ્રોત બની રહેશે તેમાં શંકાને કોઇ સ્થાન નથી.

અંગદાનની તીવ્ર જરૂરિયાત ધરાવતા આવા જરૂરિયાતમંદ દર્દીઓ પણ સામાન્ય માણસની જેમ ખુશીથી જીવી શકે તે માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના સબળ નેતૃત્વ હેઠળ આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના આરોગ્ય વિભાગની સ્ટૅટ ઑર્ગન ટિશ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન (SOTTO) હેઠળ બ્રેઇનડૅડ થયેલ દર્દીઓના અંગોનું દાન મેળવીને જરૂરિયાતમંદ દર્દીઓમાં તેનું પ્રત્યારોપણ કરાવીને તેમને ખુશહાલ જીવન પ્રદાન કરવાનો માનવ સેવાનો યજ્ઞ છેડ્યો છે અને હવે આ પ્રયાસોના સુંદર પરિણામ પણ મળવા લાગ્યા છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લાં ૧ વર્ષમાં  SOTTO અંતર્ગત ૩૨ વ્યક્તિના અંગદાનમાં સફળતા મળી છે, જેના થકી ૯૯  અંગોનું પ્રત્યારોપણ થયું છે અને ૮૪ પીડિતોનુ જીવન બદલાયું છે. અત્રે ખાસ નોંધનીય છે કે, કોઇ પણ વ્યક્તિના અંગોનું દાન મેળવતા પૂર્વે વિવિધ ટૅસ્ટની એક વૈજ્ઞાનિક પ્રક્રિયા અનુસરવાની હોય છે.

આ પ્રક્રિયા બાદ જ અંગોનું દાન થઈ શકે છે.આ કારણોસર છેલ્લાં ૧ વર્ષમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલે જે સફળતા મેળવી છે તે તબીબી વિજ્ઞાનની નજરે નોંધપાત્ર કહી શકાય છે.

ગુજરાતના આરોગ્ય વિભાગનો પ્રભાર ધરાવતા ઋષિકેશ પટેલના સક્ષમ નેતૃત્વ હેઠળ જનકલ્યાણ અને લોકસેવાનો મંત્ર હૈયે રાખીને સદૈવ કાર્યરત્ અમદાવાદ સિવિલ હોસ્પિટલે સ્ટૅટ ઑર્ગન ટિશ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન (SOTTO) હેઠળ અંગદાન મેળવવામાં નેત્રદીપક કામગીરી કરી છે. ઉપરોક્ત બનાવ ગુજરાત સરકાર અને અમદાવાદ સિવિલ હોસ્પિટલના માનવસેવાના નિઃસ્વાર્થ પ્રયાસોની પુષ્ટિ કરે છે.

આખી ઘટના એવી છે કે મૂળ અમદાવાદના જુના વાડજ વિસ્તારમાં રહેતા ૩૫ વર્ષીય મનીષાબહેન ગેડીયા ૧૧ જાન્યુઆરીના રોજ માથાના અસહ્ય દુખાવા અને શારીરિક નબળાઈની ફરિયાદ સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયા હતા.

અહીંના તબીબોએ મનીષા બહેનની સારવાર કરીને જીવ બચાવવાના તમામ પ્રયાસો કર્યા પરંતુ અંતે તેઓ બ્રેઇન ડેડ જાહેર કરાયા. બ્રેડ જાહેર કરાયા બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલની SOTTOની ટીમ દ્વારા મનિષાબેન ના પરિવારજનોને અંગદાન માટે  વિગતવાર સમજણ આપવામાં આવ્યા બાદ તેમના પરિવારજનોએ અંગોનું દાન કરી માનવસેવાની મિસાલ સર્જનારો નિર્ણય લીધો.

સિવિલ સુપ્રીન્ટેન્ડેટ ડૉ. રાકેશ જોષી કહે છે કે “ આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ ભાઈ પટેલ  રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના સતત પ્રેરણારૂપ માર્ગદર્શન હેઠળ અંગદાનમાં જવલંત સફળતા મળી રહી છે.

રિટ્રાઇવલ સેન્ટર શરૂ થયાના ખૂબ જ ટૂંકા ગાળામાં સિવિલ હોસ્પિટલની સમગ્ર ટીમ દ્વારા અંગદાનની પ્રસંશનીય કામગીરી કરવામાં આવી છે.

વધુમા વધુ લોકોમાં અંગદાન પ્રત્યે જાગૃતી આવે અને આ અંગદાન થકી જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યોરોપણ થાય અને તેમના જીવનની ગુણવત્તા, કાર્યક્ષમતામાં વધારો થાય તે દિશામાં અમારી સિવિલ હોસ્પિટલની સમગ્ર ટીમ પ્રયત્નશીલ છે”, એમ ડો. જોશીએ જણાવ્યું હતું.

કોઇના દર્દથી મુરઝાયેલા ચહેરા પર મુસ્કાન રેલાવવી એક માનવસેવાનું કાર્ય છે. ગુજરાતની સંસ્કૃતિમાં તો માનવસેવા અને દાનપુણ્યનો વિશેષ મહિમા છે. ૨૧મી સદીમાં તો કોઇને અંગોનું દાન કરીને જીવન પ્રદાન કરવું એ ખુબ જ મોટું સત્કર્મ ગણવામાં આવ્યું છે.

ખાસ કરીને જેના શરીરનું કોઇ અંગ કામ કરતું બંધ થઈ ગયું હોય તેવી વ્યક્તિના જીવનમાં તો સાવ સાદી ખુશી પણ  મહત્વની હોય છે. આજના આધુનિક સમયમાં ગુજરાત સરકારના પ્રયાસોના લીધે અંગદાન હવે વધુ સરળ બન્યું છે તેવા સમયે હવે સમાજમાં અંગદાન પ્રત્યેની જાગૃતિ વધે તે આજની ઘડીની આવશ્યક્તા છે. -અમિત સિંહ ચૌહાણ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.