Western Times News

Gujarati News

૧૫૦૦ રૂપિયામાં નકલી વેક્સીન સર્ટિફિકેટ વેચાતું હતુંઃ ૨ની ધરપકડ

મુંબઇ, મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે કોરોના વેક્સીનના નકલી સર્ટિફેકેટ બનાવતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. ગોરેગાંવ વિસ્તારમાં એક મોટી કાર્યવાહીને અંજામ આપીને પોલીસે ૨ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ અધિકારીઓ પાસેથી મળેલી માહિતી મુજબ આ ગેંગ જે લોકોએ વેક્સીન લીધી નથી તેમની પાસેથી ૧૫૦૦ રૂપિયા લઇને વેક્સીન સર્ટિફેકેટ બનાવીને આપતી હતી. ક્રાઇમ બ્રાનચ વધુ તપાસ કરી રહી છે.

મુંબઇ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ કહ્યું હતું કે, તેમને બાતમી મળી હતી કે ગોરેગાંવ વેસ્ટમાં કેટલાંક યુવાનો કોરોના વેક્સીનના બનેં ડોઝની નકલી સર્ટિફેકટ બનાવવાનું કામ કરે છે. પોલીસે બીએમસીની ટીમને સાથે રાખીને દરોડા પાડીને બે યુવકોની ધરપકડ કરી લીધી હતી. આરોપીઓ પાસેથી અનેક બનાવટી વેક્સીન સર્ટિ. પણ પોલીસે જપ્ત કર્યા છે.

આરોપીઓએ કબુલાત કરી છે કે તેમણે અત્યાર સુધીમાં ૭૦થી ૭૫ જેટલાં કોરોના વેક્સીનની નકલી સર્ટિફિકેટ વેચ્યા છે. એક સર્ટિફેકટ આપવાના આ ગેંગ ૧૫૦૦ રૂપિયા લેતી હતી. પોલીસને આરોપી પાસેથી જાણવા મળ્યું હતું કે નકલી સર્ટિફેકટ આપવાનો વેપલો છેલ્લાં કેટલાયે મહિનાઓથી ચાલતો હતો.

ક્રાઇમ બ્રાન્ચે અત્યારે તો બે આરોપીઓની ધરપકડ કરી છે, પરંતુ આ આરોપીઓ ઉપરાંત ગેંગમાં બીજા કોણ કોણ સામેલ છે? અત્યાર સુધીમાં કેટલા સર્ટિફેકટ બનાવી દીધા છે? સર્ટિફેકિટ કેવી રીતે બનાવતા હતા? આવા અનેક સવાલોના જવાબો પોલીસ શોધી રહી છે.

કોરોના મહામારી આવી અને આખી દુનિયામાં ઉથલ પાથલ મચી ગઇ ત્યારે અનેક લોકો એવું કહેતા હતા કે લોકો હવે પ્રમાણિક થઇ જશે, ખોટું કરતા બંધ થઇ જશે કારણ કે કુદરતી ધરતી પર ખોટું વધી જવાને કારણે કોરોના રૂપી દંડો ઉગામ્યો છે. પણ ધૂતારાઓ કયારેય સુધરે નહી, તેમને કોઇ નીતિમત્તા સાથે લેવા દેવા હોતી નથી.

આ તો ગોરેગાંવમાં એક વેક્સીન સર્ટિફેકેટનો પર્દાફાશ થયો છે, પરંતુ આખા દેશમાં આવા નકલી સર્ટફિકેટ વેચનારાઓની ગેંગ હશે. વેક્સીન સર્ટિફેકટ જ શુ, લોકોએ કોરોના ટેસ્ટના નેગેટીવ બોગસ સર્ટિફિકેટો પણ વેચ્યા છે.આવા ખોટાં કામ કરનારાઓનો રાફડો છે રાફડો, તમને ખબર જ હશે કે જયારે રેમડેસિવીક ઇંજેકશનની અછતની બુમરાણ મચેલી હતી અને લોકો મરી રહી હતા ત્યારે કેટલાંક નફ્ફટ લોકો નકલી રેમડેસીવીર વેચીને કરોડો રૂપિયાની કમાણી કરતા હતા.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.