ઉ.પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો
નવી દિલ્હી, ઉત્તર પ્રદેશમાં થનારી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટીએ આજે ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો અને રોજગારીના મુદ્દાને ઉઠાવ્યો. કોંગ્રેસનું ઘોષણાપત્ર પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ દિલ્હીમાં બહાર પાડ્યું.
રોજગારીના મુદ્દાને ઉઠાવતા પ્રિયંકા ગાંધીએ ૨૦ લાખ લોકોને સરકારી નોકરી આપવાનું વચન આપ્યું અને કહ્યું કે આ અમારા પોકળ શબ્દો નથી, પરંતુ કોંગ્રેસની આખી રણનીતિ છે. તેમણે કહ્યું કે અમે રોજગારી કેવી રીતે અપાવીશું તે ઘોષણાપત્રમાં લખ્યું છે. રાહુલ ગાંધીએ કહયું કે દેશ અને યુપીની સમસ્યા હિન્દુસ્તાનના દરેક યુવાને ખબર છે.
અમે યુપીના યુવાઓ સાથે વાતચીત કરીને તેમના વિચાર સામેલ કર્યા છે. અત્રે જણાવવાનું કે ઉત્તર પ્રદેશમાં આ વખતે ૪૦૩ વિધાનસભા બેઠકો પર સાત તબક્કામાં ચૂંટણી થશે અને મતગણતરી ૧૦ માર્ચે થશે. યુપીમાં વિધાનસભા ચૂંટણીની શરૂઆત ૧૦ ફેબ્રુઆરીના રોજ રાજ્યના પશ્ચિમી ભાગના ૧૧ જિલ્લાની ૫૮ બેઠકો પર મતદાન સાથે થશે.
ત્યારબાદ ૧૪ ફેબ્રુઆરીના રોજ બીજા તબક્કામાં ૫૫ બેઠકો પર, ૨૦ ફેબ્રુઆરીના રોજ ત્રીજા તબક્કામાં ૫૯ બેઠકો પર, ૨૩ ફેબ્રુઆરીના રોજ ચોથા તબક્કામાં ૬૦ બેઠકો પર, ૨૭ ફેબ્રુઆરીના રોજ પાંચમા તબક્કામાં ૬૦ બેઠકો પર, ત્રણ માર્ચના રોજ છઠ્ઠા તબક્કામાં ૫૭ બેઠકો પર અને સાત માર્ચના રોજ સાતમા અને અંતિમ તબક્કામાં ૫૪ બેઠકો પર મતદાન થશે.
૨૦૧૭માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સાથે મળીને ચૂંટણી લડ્યા હતા. સમાજવાદી પાર્ટીએ કોંગ્રેસ સાથે સમજૂતિ કરીને ૩૧૧ બેઠકો પર ચૂંટણી લડી હતી. જ્યારે સહયોગી કોંગ્રેસે ૧૧૪ બેઠકો પર ભાગ્ય આજમાવ્યું હતું.
ચૂંટણીમાં સપાને ફક્ત ૪૭ બેઠકો જ મળી હતી અને તેને ૨૧.૮૨ ટકા મત જ મળ્યા હતા. જ્યારે કોંગ્રેસને તો ફક્ત ૭ સીટો ગઈ હતી અને ૬.૨૫ ટકા મત મળ્યા હતા. વર્ષ ૨૦૧૭માં ભાજપે ૩૮૪ બેઠકો પરથી ચૂંટણી લડી હતી અને તેને ૩૯.૬૭ ટકા મત મળ્યા હતા. ભાજપે ૩૧૨ બેઠકો જીતીને પ્રચંડ બહુમત મેળવ્યો હતો. જ્યારે બહુજન સમાજવાદી પાર્ટીએ ૪૦૩ બેઠકો પરથી ચૂંટણી લડી હતી અને તેને ફક્ત ૧૯ બેઠકો અને ૨૨.૨૩ ટકા મત મળ્યા હતા.SSS