Western Times News

Gujarati News

અમીરગઢ ડ્રગ્સ કેસ: ગોવામાં વેચાતું ચરસ અમદાવાદ થઇ મોકલાતું હોવાનો પર્દાફાશ

પ્રતિકાત્મક

અમદાવાદ, ડ્રગ્સ દેશની યુવાપેઢીને બરબાદ કરી રહ્યું છે જેને રોકવા માટે સુરક્ષા એજન્સીઓ તેમજ લોકલ પોલીસ રાત દિવસ મહેનત કરી રહી છે. પોલીસ અને સુરક્ષા એજન્સીઓની મહેનત બાદ પણ કેટલાક ડ્રગ્સ માફિયાઓ યુવાઓ સુધી ડ્રગ્સ પહોંચાડવામાં સફળ થઇ જાય છે.

અમદાવાદ સહિત ગુજરાત તેમજ દેશના કોઇપણ ખૂણે જાેઇએ તેવું ડ્રગ્સ આસાનીથી મળી જાય છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાત ડ્રગ્સની અવરજવર મામલે હોટસ્પોટ બન્યું છે તેનો જીવતો જાગતો પુરાવો બનાસકાંઠાની અમીરગઢ પોલીસે સાબિત કરી બતાવ્યું છે. અમીરગઢ પોલીસે એક ડ્રગ્સ માફિયાને ૧.૪૬ કરોડના ચરસના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. જે હિમાચલ પ્રદેશના કુલ્લુથી લઇને વાયા અમદાવાદ થઇને ગોવા જવાનો હતો.

ગુજરાત અને રાજસ્થાનને જાેડતી અનેક બોર્ડરો છે. જેમાં મુખ્ય બોર્ડર બનાસકાંઠાની અમીરગઢ બોર્ડર અને સાબરકાંઠાની રતનપુર બોર્ડર છે. આ બંને બોર્ડર પરથી પોલીસે અનેક વખત દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે ત્યારે હવે ચરસનો જથ્થો પણ ઝડપાયો છે. અમીરગઢ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ.કે. ઝાલા તેમજ હેડકોન્સ્ટેબલ વીરાભાઇ સહિતની ટીમે બોર્ડર પર ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં તેમને એક મોટી સફળતા મળી છે.

રાજસ્થાન તરફથી આવતી હિમચાલ પ્રદેશના પાસિંગની એક સફેદ કલરની કાર આવતી હતી. જે શંકાસ્પદ લાગતા પીએસઆઇ ઝાલા સહિતની ટીમે તેને રોકી હતી.

ગાડીમાં ઝીણવટભરી રીતે ચેકિંગ કરતા તેમાંથી ૧૪ કિલો ચરસ મળી આવ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ચરસની કિંમત ૧.૪૬ કરોડ રૂપિયા થાય છે. મોટી માત્રામાં ચરસ મળી આવતા અમીરગઢ પોલીસે કારચાલકની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી હતી અને એસઓજી તેમજ એફએસએલને પણ ઘટના સ્થળે બોલાવી દીધી હતી.

અમીરગઢ બોર્ડર પરથી પોલીસ ચેકિંગ દરમિયાન અવારનવાર મોટા પ્રમાણમાં દારૂ ઝડપાયો હોય છે. જાેકે, આ વખતે પોલીસે ચેકિંગ દરમિયાન મોટા પ્રમાણમાં ચરસ ઝડપી પાડ્યું છે.

ચરસ લઇને આવતા શખ્સનું નામ કિરનકુમાર નેગી છે અને તે હિમાચલ પ્રદેશના કુલ્લુનો રહેવાસી છે. કિરનકુમાર ચરસના જત્થાને લઇને રોડમાર્ગે ગોવા જઇ રહ્યો હતો. જ્યાં અમીરગઢ પોલીસે તેની રંગે હાથ ધરપકડ કરી છે. (એન.આર.)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.