Western Times News

Gujarati News

ત્રણ વર્ષમાં ૧૦ પરિવારોને કેનેડા મોકલાયાની આશંકા

અમદાવાદ, તસ્કરી મારફત કેનેડાની સરહદેથી અમેરિકામાં જઈ રહેલા અને ભારે ઠંડીમાં બરફ વચ્ચે થીજીને દર્દનાક મોત પામેલા ગુજરાતી પરિવાર અંગેની તપાસમાં વધુ ચોંકાવનારી વિગતો બહાર આવી છે. તેમની તસ્કરી માટે જવાબદાર શંકાસ્પદ સ્થાનિક એજન્ટે છેલ્લા ૩ વર્ષમાં લગભગ ૧૦ પરિવારોને કેનેડાની સરહદ દ્વારા યુએસ મોકલ્યા હતા.

અને તેમાંથી ત્રણ પરિવારો ગુમ થયા હોવાની આશંકા છે. તેમણે અમેરિકા જવાની મુસાફરી શરુ કરી ત્યારબાદ ક્યારેય પોતાના ઘરે રહેલા અન્ય પરિવારજનોના સંપર્કમાં આવ્યા નથી. રાજ્ય સીઆઈડી (ક્રાઈમ) દ્વારા જગદીશ પટેલ (૩૫), તેમના પત્ની ૩૩ વર્ષીય વૈશાલી અને તેમના બાળકો વિહંગા ૧૨ અને ધાર્મિક, ૩ના મૃત્યુની તપાસ શરૂ કરી દીધી છે. તેઓ ગાંધીનગરના કલોલ તાલુકાના નવા ડીંગુચા ગામના રહેવાસી હતા.

વૈશ્વિક માનવ તસ્કરીના આ રેકેટમાં જે બહાર આવ્યું છે તે મુજબ આ ચારેય ભારતીયોના મોટા જૂથનો ભાગ હતા જેમને કેનેડાથી યુએસમાં તસ્કરી દ્વારા લઈ જવામાં આવી રહ્યા હતા. આ મોટું જૂથ યુએસ-કેનેડા સરહદ સુધી -૩૫ ડિગ્રી જેવા વિષમ તાપમાનમાં ૧૧ કલાકથી વધુ ચાલ્યું હતું.

આ દરમિયાન જગદીશ પટેલ અને તેમનો પરિવાર રાત્રે કડકડતી ઠંડીમાં જૂથમાંથી અલગ થઈ ગયો હતો. તેમના મૃતદેહો યુએસ સરહદથી માંડ ૧૦ મીટરના અંતરે કેનેડા તરફ મળી આવ્યા હતા. સ્થાનિક એજન્ટ કે જેનું નામ પોલીસ દ્વારા હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી, તેણે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં આ પરિવારને કેનેડા મોકલ્યો હતો.

“તે અગાઉ લોકોને શ્રીલંકા અને સિંગાપોર મોકલતો હતો. છેલ્લા ચાર વર્ષથી તેણે લોકોને કેનેડાની સરહદ દ્વારા યુએસ મોકલવાનું શરૂ કર્યું હતું,” તેમ પોલીસે જણાવ્યું છે. પોલીસ અધિકારીએ કહ્યું કે “એજન્ટ ટુરિસ્ટ વિઝા પર લોકોને થાઈલેન્ડ જેવા નાના દેશોમાં પાંચ દિવસથી એક અઠવાડિયા સુધી તેઓ ખરા અર્થમાં ટ્રાવેલર્સ છે તેવું પ્રસ્થાપિત કરવા માટે મોકલતો હતો. બાદમાં, તેમને ટુરિસ્ટ વિઝા પર કેનેડા મોકલતો હતો.

જ્યાં ઉતર્યા પછી આ લોકોને દાણચોરી દ્વારા કાર કે વાનમાં અમેરિકા લઈ જવામાં આવતા હતા. લગભગ ૩,૬૦૦ લોકોની વસ્તી ધરાવતા નવા ડીંગુચાના રહેવાસીઓએ જણાવ્યું હતું કે એજન્ટે તેમના ગામ તેમજ નજીકના ગામડાઓમાંથી લગભગ ૧૦ પરિવારોને કેનેડા મોકલ્યા હતા.

“જાેકે, ત્રણ પરિવારો ગુમ થઈ ગયા છે. અમને તેમના તરફથી કોઈ સંદેશો ક્યારેય મળ્યો નથી. તેમ એક સ્થાનિક સ્ત્રોતે જણાવ્યું હતું. આ વિસ્તારમાં ઘણા એવા છે કે જેઓ ‘અમેરિકન ડ્રીમ’ની મોહજાળમાં એકવાર જુગાર રમી લેવાનું વિચારે છે, પછી ભલે તેની કિંમત કંઈ પણ હોય.

અને તેનો જ લાભ આ ધુતારા જેવા એજન્ટો લે છે જે પરિવારોને માન્ય વિઝા વિના યુએસ જવાનો વાયદો કરીને ભોળવી દે છે. એમ પોલીસે જણાવ્યું હતું. એજન્ટ અને તેના સહાયકો એક પુખ્ત વયની વ્યક્તિ દીઠ આશરે રૂ. ૭૦ લાખ અને બાળક દીઠ રૂ. ૨૫ લાખ ચાર્જ કરે છે.

પટેલ પરિવારના કિસ્સામાં, તેમણે ઓછામાં ઓછા રૂ. ૧.૫ કરોડ લીધા હોવાની શંકા છે. સ્થાનિક એજન્ટ, મુંબઈમાં અન્ય એક એજન્ટ અને કેનેડા અથવા યુએસમાં તેમના સાથીદારો એકવાર વ્યક્તિ યુ.એસ.માં તેના ગંતવ્ય સ્થાને પહોંચે પછી સમગ્ર રકમ વસૂલ કરે છે. તેમ એક સ્થાનિક સ્ત્રોતે જણાવ્યું હતું. મહત્વનું છે કે આ મામલે સીઆઈડી (ક્રાઈમ) ઉપરાંત યુએસ અને કેનેડાની સુરક્ષા એજન્સીઓએ પણ તપાસ શરૂ કરી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.