Western Times News

Gujarati News

ફિલ્મ મેકરની ફરિયાદના આધારે ગૂગલના CEO સુંદર પિચાઈ વિરૂદ્ધ FIR

નવી દિલ્હી, એક બોલિવુડ ફિલ્મના યુટ્યુબ પર કથિત કોપીરાઈટ ઉલ્લંઘન મામલે દિગ્ગજ ટેક કંપની ગૂગલ, તેના સીઈઓ સુંદર પિચાઈ અને કંપનીના 5 અન્ય કર્મચારીઓ વિરૂદ્ધ કેસ દાખલ થયો છે. અદાલતના આદેશ પર કથિત કોપીરાઈટ ઉલ્લંઘનનો કેસ દાખલ થયો છે.

ફિલ્મ નિર્દેશક અને નિર્માતા સુનીલ દર્શનના કહેવા પ્રમાણે તેમણે તેમની ફિલ્મ ‘એક હસીના થી, એક દીવાના થા’ના રાઈટ્સ કોઈને પણ નહોતા આપ્યા અને તેને યુટ્યુબ પર રીલિઝ પણ નહોતી કરી. જોકે આ ફિલ્મ યુટ્યુબ પર છે અને તેના પર લાખો વ્યૂઝ છે.

સુનીલ દર્શને કરેલા દાવા પ્રમાણે મંજૂરી વગર જ આ કન્ટેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેમની ફિલ્મને ગેરકાયદેસર રીતે અપલોડ કરીને મોટી રકમની કમાણી કરવામાં આવી છે.

દર્શને જણાવ્યું કે, ‘મેં સુંદર પિચાઈને આ માટે જવાબદાર ઠેરવ્યા છે કારણ કે, તેઓ ગૂગલની આગેવાની કરે છે. મેં મારી ફિલ્મ એક હસીના થી, એક દીવાના થાના 1 બિલિયન કરતાં પણ વધારે વ્યૂઝ ટ્રેક કર્યા છે. કંપનીએ આના સામે ચિંતા દર્શાવવા છતાં પણ કોઈ કાર્યવાહી નથી કરી.’

પિચાઈ ઉપરાંત યુટ્યુબના હેડ ગૌતમ આનંદ, ફરિયાદ નિવારણ અધિકારી જો ગ્રિયર સહિત ગૂગલના 6 કર્મચારીઓના નામ FIRમાં નોંધાયા છે.

આ મામલે ગૂગલના કહેવા પ્રમાણે તેણે કોપીરાઈટના સ્વામીઓ માટે એક પ્રણાલી બનાવી છે જેનો ઉપયોગ તેઓ યુટ્યુબ જેવા મંચો પર પોતાની સામગ્રીની રક્ષા માટે કરી શકે છે. ભારતમાં ગૂગલના પ્રવક્તાએ જણાવ્યું કે, અનધિકૃત અપલોડની સૂચનાને લઈ તે કોપીરાઈટ સ્વામીઓ પર નિર્ભર કરે છે તથા તેમને અધિકાર પ્રબંધન ટૂલની રજૂઆત કરે છે. કોપીરાઈટ ઉલ્લંઘનની સૂચના મળે એટલે તેઓ તરત જ સામગ્રીને હટાવી દે છે અને એકથી અધિક વખત ઉલ્લંઘન કરનારાઓના એકાઉન્ટ બંધ કરી દે છે.

પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, મેજિસ્ટ્રેટ અદાલતના આદેશ પર મંગળવારે સાંજે ઉપનગરીય અંધેરીના એમઆઈડીસી પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. ફિલ્મ નિર્દેશક અને નિર્માતા સુનીલ દર્શને કથિત કોપીરાઈટ ઉલ્લંઘનનો આરોપ લગાવીને કોર્ટને ગૂગલ અને તેના ટોચના અધિકારીઓ વિરૂદ્ધ કેસ નોંધવા અનુરોધ કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.