Western Times News

Gujarati News

વહેલી સવારે અમદાવાદ ધુમ્મસની ચાદરથી ઢંકાયું

અમદાવાદ તેમજ તેની આસપાસના વિસ્તારો ઉપર મંગળવારે વહેલી સવારે ધુમ્મસની ચાદર  છવાઈ ગઈ હતી. જો કે તાપમાન લગભગ 10 ડિગ્રીની આસપાસ જોવા મળ્યું હતું. પવન પણ સાધારણ હોવાને કારણે લોકો બહાર નિકળી શક્યા હતા. અમરેલીમાં પાંચ, રાજકોટમાં 3 ડીગ્રી લઘુતમ તાપમાન ઉંચકાયું: ગુરુવાર સુધી તાપમાન ઉચકાશે અને ત્યારબાદ નીચે ઉતરશે તેવી હવામાન ખાતા તરફથી આગાહી કરવામાં આવી છે.

ગઈકાલની માફક આજે પણ સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ધુમ્મસ જોવા મળ્યું હતું આજે રાજકોટ ભૂજ અને વેરાવળમાં ધુમ્મસની અસર વધારે હતી. રાજકોટમાં આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 98 ટકા વેરાવળમાં 94 અને ભુજમાં 92 ટકા રહેવા પામ્યું હતું.

મોડી સાંજથી વહેલી સવાર સુધી ભેજવાળા વાતાવરણને કારણે ફૂલગુલાબી માહોલ અનુભવાય છે પરંતુ સવારે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે તાપમાનનો પારો ઊંચે ચડે છે અને પંખાઓ ચાલુ કરવા પડે છે.

અમરેલીમાં આજે તાપમાનનો પારો પાંચ ડિગ્રી ઊચકાયો છે ગઈકાલે 11 અને આજે 16 ડિગ્રી લઘુતમ તાપમાન અમરેલીમાં નોંધાયું હતું. રાજકોટમાં પણ ત્રણ ડિગ્રી જેટલો વધારો થયો છે. રાજકોટમાં ગઇકાલે ૧૫.૬ અને આજે ૧૮ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે.

નલિયામાં 15.4 ભાવનગરમાં 16 દ્વારકામાં 20.5 ઓખામાં 20.૭ પોરબંદરમાં 16.4 વેરાવળમાં 18.6 અને કંડલામાં 17 ડિગ્રી લઘુતમ તાપમાન છે.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ ત્રણ દિવસ સુધી લઘુતમ તાપમાનનો પારો બે થી ચાર ડિગ્રી જેટલો ઊંચકાશે અને ત્યારબાદ ફરી લઘુતમ તાપમાન ૨થી ૫ ડિગ્રી જેટલું નીચે ઉતરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.