Western Times News

Gujarati News

યુવા કૃષિ વૈજ્ઞાનિકો પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે નવા સંશોધનો વિકસાવેઃ રાજયપાલ

પ્રતિકાત્મક

આણંદ કૃષિ યુનિવર્સિટીના ૧૮માં દીક્ષાંત સમારોહમાં માર્ગદર્શન આપતા રાજયપાલ

આણંદ, ગુજરાતના રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતે આણંદ કૃષિ યુનિવર્સિટીના ૧૮માં દીક્ષાંત સમારોહ પ્રસંગે પદવી પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી હતી. રાજયપાલે આ પ્રસંગે જણાવ્યું હતું કે રાસાયણિક કૃષિના દુષ્પરિણામોથી સમગ્ર માનવજાત ત્રસ્ત છે.

ત્યારે પ્રાકૃતિક કૃષિને રાસાયણિક કૃષિના મજબૂત વીકલ્પ તરીકે સ્વીકારવી પડશે. તેમણે યુવા કૃષિ વૈજ્ઞાનિકોને પ્રાકૃતિક ક્ષેત્રે નવા સંશોધનો અને નવી ટેકનોલોજી વિકસાવી આત્મનિર્ભર કૃષિ થકી આત્મનિર્ભર ભારતના નિર્માણમાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.

રાજયપાલએ આણંદ કૃષિ યુનિવર્સિટીના ૧૮માં પદવીદાન પ્રસંગે ગાંધીનગર ખાતેથી વચ્ર્યુઅલ માધ્યમથી જાેડાઈ જણાવ્યું હતું કે, આઝાદી સમયે દેશની ખાદ્યાન્નની જરૂરિયાતો પૂરી કરવા હરિત ક્રાંતિએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ભારતના કૃષિ વૈજ્ઞાનિકોએ હરિત ક્રાંતિ દ્વારા ખાદ્યાન્ન ક્ષેત્રે દેશને આત્મનિર્ભર બનાવ્યો હતો.

તેમણે એમ પણ જણાવ્યું હતું કે, આજે સ્થિતિ જુદી છે. રાસાયણિક ખાતરોના અને ઝેરી કીટનાશકોના અંધાધૂંધ ઉપયોગના કારણે જળ-જમીન અને પર્યાવરણ દૂષિત થયા છે. ગ્લોબલ વોર્મિંગ જેવી વૈશ્વિક સમસ્યાનો સામનો સમગ્ર વિશ્વ કરી રહ્યું છે. રાસાયણિક કૃષિમાં ઉત્પાદન સતત ઘટી રહ્યું છે.

ખાદ્યાન્નમાં ઝેર ભેળવવાને કારણે માનવ સ્વાસ્થ્યને હાનિ પહોંચે છે. લોકો કેન્સર, ડાયાબિટીસ, હદયરોગ જેવી અસાધ્ય બિમારીઓનો ભોગ બની રહ્યા છે ત્યારે રાસાયણિક કૃષિના દુષ્પપરિણામોથી મુક્તિ મેળવવાના મજબૂત વિકલ્પ તરીકે પ્રાકૃતિક કૃષિ અપનાવવી એ આજના સમયની માંગ છે.

આ પ્રસંગે સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ ડો. શીરીષ કુલકર્ણી, જીસીએમએમએફના મેનેજીંગ ડીરેકટર આર.એસ. સોઢી, વિવિધ કૃષિ યુનિવર્સિટીના કુલપતિઓ, બોર્ડના સભ્યો, વિવિધ ફેકલ્ટીઓના ડીનો અને વડાઓ, પ્રાધ્યાપકો, વૈજ્ઞાનિકો, એકેડેમીક રીસર્ચ, એકસટેન્શન કાઉન્સિલના પ્રાધ્યાપકો, સુવર્ણચંદ્રક વિજેતા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જયારે પદવી ધારક વિદ્યાર્થીઓ- વિદ્યાર્થિનીઓ, વાલીઓ આણંદ કૃષિ યુનિવર્સિટીની વેબસાઈટ પરથી કરવામાં આવેલ પ્રસારણના માધ્યમથી વચ્ર્યુઅલ જાેડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.