Western Times News

Gujarati News

વિદ્યાર્થીને ભણવા રૂપિયો ખિસ્સામાંથી કાઢવો નહી પડે

File Photo

ગાંધીનગર, મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજનાનો લાભ હવે ધોરણ-૧૦ પછી ડિપ્લોમા અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનારા અને ડિપ્લોમાથી ડિગ્રીમાં પ્રવેશ મેળવનારા યુવાઓને મળતો થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યના યુવા વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં મહત્વપૂર્ણ નિણર્ય લીધો હતો.

વાર્ષિક રૂ. ૪.પ૦ લાખ આવક ધરાવતા પરિવારના યુવાઓને લાભ મળશે. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાની પૂરક યોજના-મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના સાબિત થશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ઉચ્ચ શિક્ષણ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા તેજસ્વી અને જરૂરતમંદ યુવા વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજનામાં આવરી લેવાનો યુવા હિતકારી ર્નિણય કર્યો છે. મુખ્યમંત્રીએ કરેલા આ ર્નિણય અનુસાર હવે ધોરણ ૧૦ પાસ કર્યા પછી ડિપ્લોમા અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ તેમજ ડિપ્લોમા પાસ કર્યા પછી ડિગ્રી અભ્યાસક્રમો (ડી ટુ ડી)માં પ્રવેશ મેળવનારા યુવાઓને મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજનાનો લાભ મળતો થશે.

મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજનાનો લાભ વધુને વધુ યુવાછાત્રોને મળે તે માટે ભૂપેન્દ્ર પટેલે આ યોજના અંતર્ગત શિષ્યવૃત્તિના લાભ વધુ સરળ બનાવ્યા છે. રાજ્યના શિક્ષણ વિભાગે આ અંગે જારી કરેલા ઠરાવમાં જણાવાયું છે કે, વાર્ષિક ૪.પ૦ લાખ સુધીની આવક ધરાવતા પરિવારોના બાળકો-યુવાઓને આ યોજનાનો લાભ મળશે.

મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજનાનો લાભ મેળવવા માટેની જે પાત્રતા નિર્ધારીત કરવામાં આવી છે તે મુજબ ધોરણ ૧૦ પછી ડિપ્લોમા અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનારા પાત્રતા પ્રાપ્ત વિદ્યાર્થીને અભ્યાસક્રમ માટે નિયત થયેલ વાર્ષિક ટ્યુશન ફી ની પ૦ ટકા રકમ અથવા રૂ. પ૦ હજાર બે પૈકી જે ઓછું હોય તેટલી રકમ મંજૂર કરવામાં આવશે.

ડિપ્લોમા પાસ કર્યા પછી ડિગ્રી અભ્યાસક્રમો (ડી ટુ ડી) માં પ્રવેશ મેળવનારા પાત્રતા ધરાવતા વિદ્યાર્થીને ઇજનેરી તથા પ્રોફેશનલ કોર્સ માટે ટ્યુશન ફી ના પ૦ ટકા રકમ અથવા રૂ. ૧ લાખ પૈકીની જે ઓછી રકમ હશે તે મળવાપાત્ર થશે. એટલું જ નહિ, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અન્વયે શિષ્યવૃત્તિ મેળવનારા લાભાર્થીને આ મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના નીચે પણ લાભ મળવાપાત્ર થશે. એટલે કે આ યોજના મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાની પૂરક યોજના બનશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.