Western Times News

Gujarati News

ગ્રાહકોની જાણ બહાર સીમકાર્ડ એક્ટિવ કરી વેચતા એજન્ટ સહિત બે ઝડપાયા

આણંદ, આણંદ લોકલ ક્રાઈમબ્રાંચ પોલીસે સોજીત્રા બસ સ્ટેન્ડ પાસેથી બે એજન્ટોને ઝડપી પાડીને અન્ય ગ્રાહકોના નામે એકટીવ કરાયેલા વીઆઈના પ્રીપેડ કાર્ડ વેચવાનું રેકેટ ઝડપી પાડયું હતું. પોલીસે ત્રણ મોબાઈલ, ૧૬ સીમકાર્ડના કવર તેમજ એક પ્રી એકટીવ સીમકાર્ડ સહિત કુલ ૧૧૩પ૦નો મુદ્દામાલ જપ્ત કરીને સોજીત્રા પોલીસ મથકે ગુનો દાખલ કરાવીને કાર્યવાહી હાથ ધરી છે.

પેટ્રોલીંગ કરી રહેલા એલસીબીના દેવેન્દ્રસિંહ અને અજયસિંહને માહિતી મળી હતી કે, સોજીત્રામાં એક શખ્સ દ્વારા અન્ય ગ્રાહકોના નામે એકટીવ થયેલા વીઆઈના પ્રીપેડ કાર્ડ વેચવામાં આવી રહ્યા છે જેથી પોલીસની ટીમ સોજીત્રા પહોંચી ગઈ હતી

અને બસ સ્ટેન્ડ વિસ્તારમાં વોચ ગોઠવીને એક શખ્સને ઝડપી પાડીને તેનું નામઠામ પુછતાં તે અમરસિંગ ઉર્ફે લાલભાઈ મોતીભાઈ તળપદા (રહે. હરખાપુરા, તા.પેટલાદ)નો હોવાનું જણાવ્યું હતું તેની અંગજડતી કરતા એક મોબાઈલ ફોન અને એક વીઆઈનું પ્રી એકટીવ સીમકાર્ડ મળી આવ્યું હતું.

જે અંગે પુછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, આ સીમકાર્ડ મુળ ત્રંબોવાડના પરંતુ હાલમાં મલાતજ ગામે રહેતા અને વીઆઈના એજન્ટ અનિલભાઈ ભલાભાઈ ચૌહાણ પાસેથી ત્રણસો રૂપિયામાં ખરીદીને પ૦૦ રૂપિયામાં વેચતો હોવાની કબુલાત કરી હતી.

જેથી પોલીસે અમરસિંગને સાથે રાખી અનિલભાઈને ઝડપી પાડયો હતો તેની અંગજડતી કરતા બે મોબાઈલ ફોન અને ૧૬ વીઆઈ પ્રીપેડ મોબાઈલ સીમકાર્ડના કવર મળી આવ્યા હતા. તેની પુછપરછ કરતાં તે કંપનીનો એજન્ટ હોય પોતાના મોબાઈલમાં સ્માર્ટ કનેકટ નામની એપ્લીકેશન ડાઉનલોડ કરીને કંપની તરફથી આપવામાં આવતી

એપ્લીકેશનમાં લોગીંગ થઈને સીમકાર્ડ ખરીદી માટે આવતા ગ્રાહકો પાસેથી તેમના આધારકાર્ડ નંબરની વિગત મેળવીને એપ્લીકેશનમાં ફોર્મની વિગતો ભરી ગ્રાહકોની જાણ બહાર યેનકેન પ્રકારે પ્રોસેસ કરી બીજુ ફોર્મ ભરી દેતો હતો અને બે સીમકાર્ડ એકટીવ કરાવીને તે પૈકી એક સીમકાર્ડ ગ્રાહકને આપતો હતો

અને બીજુ સીમકાર્ડ પોતાની પાસે રાખીને અમરસિંગને ૩૦૦ રૂપિયામાં વેચતો હતો. આ કબુલાતના આધારે બંનેની અટકાયત કરીને કુલ ૧૧૩પ૦નો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.