Western Times News

Gujarati News

ગ્રાહકની જાણ બહાર બીજુ સીમકાર્ડ એક્ટિવ કરીને વેચવાનું કૌભાંડ પકડાયું

આણંદ, આણંદ જિલ્લાનાં સોજીત્રામાં મોબાઈલ સીમ કાર્ડ એજન્ટ પાસે મોબાઈલ સીમ કાર્ડ ખરીદવા ગયેલા ગ્રાહકોનાં નામે અન્ય વધુ સીમ કાર્ડ એક્ટિવ કરી કોઈ પણ ડોક્યુમેન્ટ સિવાય બારોબાર અન્ય ગ્રાહકોને વેચી મારવાનાં રેકેટને આણંદની એલસીબી પોલીસે ઝડપી પાડ્યુ છે.

સાથે જ બે એજન્ટોની ધરપકડ કરી છે. એલસીબી પોલીસે તેઓની પાસેથી પ્રિએકટીવ કરાયેલા ૧૭ જેટલા સીમકાર્ડ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ બનાવ અંગે સોજીત્રા પોલીસ મથકે બન્ને એજન્ટો વિરૂદ્ધ ગુનો નોંધી અત્યાર સુધીમાં કેટલા સીમ કાર્ડ આ રીતે વેચાણ કરવામાં આવ્યા છે તેની તપાસ હાથ ધરી છે.

ગ્રાહક જયારે નવુ સીમકાર્ડ ખરીદવા જાય ત્યારે સીમકાર્ડ એજન્ટ ફીંગર પ્રિન્ટ લઈ ફોટા પાડી આધારકાર્ડ નંબરથી નવું સીમકાર્ડ એકટીવ કરતા હોય છે. પરંતુ ત્યારે ગ્રાહકને જાણ પણ હોતી નથી કે તેનાં ફોટા અને ફીંગરપ્રીન્ટનાં આધારે વધુ એક સીમકાર્ડ પણ ગુપચુપ એકટીવ કરી દેવામાં આવ્યું છે. ગ્રાહકની જાણ બહાર વધુ એક સીમકાર્ડ તેનાં નામે એક્ટીવ કરી ડોક્યુમેન્ટ વગર અન્ય ગ્રાહકને ઉંચી કિમંત લઈ વેચી દેવામા આવતું હતું. આણંદની એલસીબી પોલીસે આ સમગ્ર રેકેટને પર્દાફાશ કર્યો છે.

આણંદની એલસીબી પોલીસને બાતમી મળી હતી કે સોજીત્રામાં રહેતો એક શખ્સ દ્વારા ગ્રાહકોનાં નામે એક્ટીવ કરવામાં આવેલા મોબાઈલફોન સીમ ડોક્યુમેન્ટ વગર પ્રીપેડ કાર્ડ અન્ય ગ્રાહકોને વેચી રહ્યો છે. જે બાતમીનાં આધારે એલસીબી પોલીસે સોજીત્રાનાં બસ સ્ટેન્ડ વિસ્તારમાં વોચ ગોઠવીને અમરસિંગ ઉ્‌ફે લાલભાઈ મોતીભાઈ તળફદા (રહે.હરખાપુરા તા.પેટલાદ) ને ઝડપી પાડ્યો હતો.

તેની તપાસ કરતા તેની પાસેથી એક મોબાઈલ ફોન અને એક પ્રી એકટીવ સીમકાર્ડ મળી આવ્યું હતું. પોલીસે પકડાયેલા શખ્સની પુછપરછ કરતા તે આ સીમકાર્ડ મૂળ ત્રંબોવાડ ગામનાં વીઆઈ મોબાઈલ કંપનીનાં એજન્ટ અનિલભાઈ ભલાભાઈ ચૌહાણ પાસેથી ત્રણસો રૂપિયામાં ખરીદીને તે અન્ય ગ્રાહકોને વગર ડોકયુમેન્ટથી ૫૦૦ રૂપિયામાં વેચતો હોવાની કબુલાત કરી હતી.

પોલીસે અમરસિંહને સાથે રાખીને અનિલને ઝડપી પાડ્યો હતો અને અનિલ પાસેથી બે મોબાઈલફોન અને ૧૬ પ્રીએક્ટીવ કરેલા મોબાઈલસીમ કાર્ડ કબ્જે કર્યા હતા.

આરોપી અનિલ મોબાઈલ સીમ કાર્ડ કંપનીનો એજન્ટ હોઈ તે પોતાનાં મોબાઈલફોનમાં સ્માર્ટ કનેક્ટ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી કંપનીની એપ્લિકેશનમાં લોગ ઈન થઈને સીમકાર્ડ ખરીદી માટે આવતા ગ્રાહકો પાસેથી આધારકાર્ડ નંબરની વિગતો લઇ ફોટા પાડી તેમજ ગ્રાહકની ફીંગરપ્રિન્ટ લઈ સીમકાર્ડ માટે ફોર્મ ભરતો હતો, અને ગ્રાહકની જાણ બહાર બે ફોર્મ ભરી દઈ બે સીમકાર્ડ એક્ટીવ કરીને એક સીમકાર્ડ ગ્રાહકને આપતો હતો. જ્યારે બીજું સીમકાર્ડ પોતાની પાસે રાખીને તે અમરસિંહને ૩૦૦ રૂપિયામાં વેચી દેતો હતો.

એલસીબી પોલીસે અનિલ અને અમરસિંગ સહીત બે જણાની ધરપકડ કરી તેઓની વિરૂદ્ધ સોજીત્રા પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.

આવી રીતે બીજાનાં ડોક્યુમેન્ટ પર એક્ટીવ કરાયેલા સીમકાર્ડ ગુનાહીત તેમજ આંતકી કૃત્યો આચરતા લોકો ઉપયોગમાં લઈને દેશને નુકશાન પહોંચાડી શકે તેવી ગંભીર બાબત હોઈ એલસીબી પોલીસે અત્યાર સુધીમાં આવી રીતે કેટલા સીમકાર્ડ એકટીવ કરવામાં આવ્યા છે, અને કોને કોને વેચાણ કરવામાં આવેલ છે, તેની તપાસ હાથ ધરી છે તેવુ ડીવાયએસપી બીડી જાડેજાએ જણાવ્યુ.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.