Western Times News

Gujarati News

આમોદ પાલિકાની મુખ્ય પાણીની લાઈનમાં ભંગાણ થતાં નગરમાં ત્રણ દિવસથી પાણીનો પોકાર

Files Photo

(પ્રતિનિધિ) ભરૂચ, આમોદ નગરમાં પાણીની મુખ્ય લાઈનનું ભંગાણ થતાં છેલ્લા ત્રણ દિવસથી પાણી ન મળતાં નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.છેલ્લા ત્રણ દિવસથી આમોદ નગરમાં આવેલા બહુચરાજી મંદિર પાસે પાણીની મુખ્ય પાઈપ લાઈનમાં ભંગાણ થતાં સમસ્યા સર્જાય હતી.

આમોદ નગરજનોને ત્રણ દિવસથી નહાવાનું તેમજ કપડાં ધોવાનું પાણી ના મળતાં ત્રાહિમામ પોકારી ઉઠયા હતાં.જ્યારે આમોદ પાલિકાના વોટર વર્ક્‌સ કમિટીના ચેરમેન ઈનાયત રાણાએ લોકોની પાણીની સમસ્યાની ચારે બાજુથી બૂમ ઉઠતાં નગરમાં ટેન્કરો દ્વારા ઘર વપરાશી પાણી પહોંચતું કર્યું હોવાનું જણાવ્યું હતું. એક તરફ લગ્ન ગાળાની સિઝન તેમજ લોકોને સામાજિક પ્રસંગો ચાલતા હોય આમોદ પાલિકા તરફથી પાણીની સમસ્યા સર્જાતા લોકોએ મહેમાનોને નાહવા ધોવા માટે પાણીની વ્યવસ્થા કરવા યજમાને દોડવું પડ્યું હતું.

આ ઉપરાંત ટેન્કર દ્વારા પાણી પહોંચતું કરવામાં આવતાં માત્ર નળ વાટે પાણી ભરવા ટેવાયેલી બહેનો દ્વારા પુરુષોને પણ ઘર આંગણે પાણી લેવા માટે મોકલ્યા હતાં જેથી પાણીને લઈને ઘરમાં પણ પતિ પત્ની વચ્ચે કકળાટ ઉભો થયો હોવાનું જાણવા મળ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.