Western Times News

Gujarati News

અજાણ્યા વાહનની ટકકરે બે યુવકનાં મોત નિપજ્યા

પ્રતિકાત્મક

પાલનપુર, આબુરોડના ચંદ્રાવતી બ્રિજ પર અજાણ્યા વાહનની ટકકરે બે યુવકના મોત નિપજ્યા છે. માવલ ગામના યુવક શંકરભાઈ હરજી રબારી (ઉં ૨૨) લગ્ન હોવાથી મંગળવારે ફોઇના દીકરા થાના રામ રબારી (રહેવાસી ઓર તાલુકો આબુરોડ) સાથે બાઇક ઉપર ચંદ્રાવતી ગામમાં લગ્નની કંકોત્રી આપવા આવ્યા હતા.

જ્યારે તેઓ પરત ફરતા હતા તે વખતે આબુરોડના ચંદ્રાવતી બ્રિજ પર અજાણ્યા વાહનની ટક્કરે બાઇક પર જતા બંને પિતરાઇ ભાઇઓના મોત નિપજ્યાં હતા. આ અંગે મળતી માહિતી પ્રમાણે, આબુરોડ તાલુકાના માવલ ગામના રહેવાસી શંકરભાઈ હરજીજી રબારી બાઇક લઈને મંગળવારે પોતાના ફોઇના દીકરા થાનારામ રબારી સાથે લગ્નની કંકોત્રી વહેંચીને મોડી રાત્રે પરત પોતાના ઘરે માવલ જઇ રહ્યા હતા.

તે દરમિયાન આબુરોડના ચંદ્રાવતી બ્રિજ પર પાછળથી આવેલા અજાણ્યા વાહને તેમના વાહનને ટક્કર મારી હતી. જેમાં મામા-ફોઇના બંને ભાઈઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. મૃતક ભાવિ વરરાજા શંકર રબારી બ્રિજની નીચે પટકાયો હતો. જ્યારે થાનારામનો મૃતદેહ બ્રિજ પર લટકેલો મળ્યો હતો. આ ગોઝારા અકસ્માતના પગલે સ્થાનિક લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે એકઠા થયા હતા.

ત્યાર બાદ આબુ રોડની રિકો પોલીસને જાણ કરાતા તેઓ પણ ઘટના સ્થળે આવી ગયા હતા. જે બાદ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. નોંધનીય છે કે, ૧૧ ફ્બ્રુઆરીએ શંકર રબારીની જાન ચંદ્રાવતી ગામમાં આવવાની હતી.

લગ્નના ત્રણ દિવસ પહેલા જે ગામમાં તેની જાન જવાની હતી તે જ ગામમાં શંકરનું કરૂણ મોત નિપજ્યું હતું. આ સમાચાર વાયુવેગે આખા પંથકમાં ફેલાતા ગમગીની છવાઇ ગઇ હતી. બીજી બાજુ શંકરના વિધવા ફોઈનો એકનો એક લાડકવાયો દીકરો પણ અકસ્માતમાં મૃત્યું પામતા આખા પરિવાર પર જાણે દુખનો પહાડ તૂટી પડ્યો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.