Western Times News

Gujarati News

મોડી રાત્રે હોરર હાઉસમાં આગ ફાટી નીકળતા મોટું નુકસાન

અમદાવાદ, કાંકરિયામાં ફરી એકવાર મોટી દુર્ઘટના ટળી હતી. કાંકરિયાના હોરર હાઉસમાં આગ ફાટી નીકળી હતી. જાેકે સદ્દનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી. શુક્રવારે રાત્રે ૧૧ વાગ્યાની આસપાસ કાંકરિયાના હોરર હાઉસમાં આગ લાગી હતી.

આગ લાગવાના કારણે હાઉસમાં રહેલો તમામ સામાન બળીને ખાખ થઇ ગયો હતો. ઘટનાની માહિતી મળતા ફાયર વિભાગની ૫ ગાડીઓએ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. ત્રણ કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે કાંકરિયાના હોરર હાઉસમાં શુક્રવારે રાત્રે ૧૧ વાગ્યાની આસપાસ આગ લાગી હતી. આગ લાગવાના કારણે હાઉસની અંદરની ડિસ્પ્લે, લાકડા, કપડાં જેવી વસ્તુઓને મોટું નુકશાન થયું હતું. આગનું કરણ શોર્ટ સર્કિટ હોવાની શક્યતા દર્શાવવામાં આવી છે. હોરર હાઉસમાં બનેલી આ દુર્ઘટનામાં તમામ સામાન બળીને ખાખ થઇ ગયો હતો.

જાે કે મોડી રાત્રે આગ લાગી હોવાના કારણે મોટી જાનહાની ટળી છે. રાત્રે હોરર હાઉસમાં કોઈ વ્યક્તિ ન હોવાથી કોઈને ઈજા થઈ નહોતી, પરંતુ આગ લાગવાના કારણે હાઉસનો સામાન બળીને રાખ થઈ ગયો છે.

અત્રે નોંધનીય છે કે વર્ષ ૨૦૧૯માં પણ કાંકરિયાના બાલવાટિકામાં રાઇડ તૂટી પડતા એક મોટી દુર્ઘટના થઈ હતી. ૩૦ ફૂટ ઊંચેથી રાઇડ નીચે પટકાઈ હતી. જેમાં ૨ લોકોનાં કરૂણ મોત નિપજ્યા હતા. જ્યારે ૨૯ લોકોને નાની મોટી ઇજા પહોંચી હતી.

તમને જણાવી દઈએ કે અમદાવાદીઓમાં સૌથી લોકપ્રિય જગ્યા હોય તો તે કાંકરિયા તળાવ છે. જે મણીનગર વિસ્તારમાં આવેલું છે. જેમાં વ્યાયામશાળા, માછલીઘર, પ્રાણી સંગ્રહાલય, બાલવાટિકા, કિડ્‌ઝ સિટી, અટલ એક્સપ્રેસ ટ્રેન, હોરર હાઉસ, બલૂન રાઇડ જેવી લોકોને આકર્ષતી અનેક મનોરંજનની વસ્તુઓ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.