Western Times News

Gujarati News

ગુજરાતના કાપડ વેપારીએ પત્નીની યાદમાં મંદિર બંધાવ્યું

સુરેન્દ્રનગર, આમ તો સાચા પ્રેમની કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી હોતી પણ, આજે વેલેન્ટાઇન ડે નિમિત્તે અમે તમને ગુજરાતના કાપડના વેપારીની સાચી પ્રેમકહાણી જણાવીએ છીએ. આ પ્રેમકહાણી છે મૂળ સુરેન્દ્રનગરના ખોડુ ગામના વતની (હાલ દિલ્હીના રહેવાસી) લાલારામ અને લલિતાબહેનની.

વર્ષ 2004માં હાર્ટ-એટેક આવતાં લલિતાબહેનનું નિધન થયું હતું, જેને લીધે લાલારામ અને તેમના પરિવારને લલિતાબહેનને ના બચાવી શકવાનો વસવસો રહી ગયો.

લલિતાબહેન જ્યારે જીવતાં હતાં ત્યારે લાલારામને સમાજના લોકો, ગરીબો અને અનાથની સેવા કરવા માટે કહેતાં હતાં, પણ એ વખતે લાલારામ લલિતાબહેનની વાત હસીને ટાળી દેતા હતા. લલિતાબહેનના નિધન બાદ લાલારામે પત્નીની યાદમાં સુરેન્દ્રનગરના દૂધરેજ-ખોડુ રોડ પર વૃદ્ધાશ્રમ બનાવ્યો અને એમાં લલિતાબહેનની આબેહૂબ મૂર્તિ મંદિરમાં સ્થાપિત કરી.

જ્યારે વૃદ્ધાશ્રમ બની ગયો ત્યારે ખુદ મોરારિબાપુએ એનું ઉદઘાટન કર્યું હતું. લાલારામે દિવ્ય ભાસ્કર સાથે તેમની અને લલિતાબહેનની અનોખી પ્રેમકહાણી વાગોળી હતી, જે અમે અહીં તેમના શબ્દશઃ રજૂ કરીએ છીએ.

લાલારામ ભોજવિયાએ જણાવ્યું હતું કે ”અમે મૂળ સુરેન્દ્રનગરના ખોડુ ગામના વતની છીએ. છેલ્લાં ઘણાં વર્ષથી અમે દિલ્હીમાં રહીએ છીએ અને અહીં અમારે કાપડનો મોટો બિઝનેસ છે.

મારાં પત્ની જ્યારે જીવતાં હતાં ત્યારે મને દરેક વારતહેવારે સમાજના લોકો, ગરીબો અને અનાથની સેવા કરવા માટેનું વારંવાર કહેતાં હતાં, પણ એ સમયે હું તેમની વાત હસીને ટાળી દેતો હતો. એ વખતે હું તેમને એવું કહેતો હતો કે આ બધા કાર્ય કરવાં સરળ નથી છતાં તેઓ મને માનવસેવાના કાર્યનું કહેતાં રહેતાં હતાં. ત્યારે મને કલ્પના પણ નહોતી કે એક દિવસ આટલો મોટો તેમના નામનો વૃદ્ધાશ્રમ હશે.”

લાલારામે જણાવ્યું હતું કે ”વર્ષ 2004માં લલિતાબહેનને હાર્ટ-એટેક આવ્યો. અમારી પાસે બધું હોવા છતાં અમે તેમને બચાવી ના શક્યા એનો મને અને આખા પરિવારને વસવસો રહી ગયો. મારી પત્નીના નિધન પછી અમારાં બાળકોએ કહ્યું હતું કે મમ્મીની આપણે ખાસ સેવાચાકરી કરી શક્યા નહિ અને તેમની ઇચ્છા પૂરી કરવા હવે આપણે સમાજ, ગરીબો અને અનાથો માટે કંઈક કરવું છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.